
મતદાન જાગૃતિ ને લઈને દેડિયાપાડામાં બાઈક રેલી યોજાઈ*
તાહિર મેમણ – 29/04/2024- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા ઉમદા આશય સાથે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સઘન કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. નર્મદા જિલ્લામાં ૨૧-ઉટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૮ નાંદોદ વિધાનસભા અને ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આગામી ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે.
નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા, TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શનમાં તેમજ ૨૨- ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૯ દેડિયાપાડા વિધાનસભા સ્વીપ નોડલ તથા જિલ્લા સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવેની રાહબરી તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિષ્ણુભાઇ વસાવાની ઉપસ્થિતિમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત રાજપીપલા અને દેડિયાપાડા ખાતે બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નર્મદા જિલ્લાના રહેવાસીઓમાં મતદાન જાગૃતિ કેળવાય અને મતદાન પ્રક્રિયાથી સભાન બને તેવો હતો.