
તા.૨૨/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર:- જેતપુર પંથકમાં આજ બપોર બાદ સારા વરસાદ અને સુરવો ડેમ -૨ ઓવરફ્લો થયો હોવાથી તેના પાંચ દરવાજા ત્રણ ફૂટે ખોલતા ભાદર નદીમાં ભારે પુર આવ્યું હતું. જેતપુરથી દેરડી, મોણપર, ખોડલધામ, ખંભાલીડા તેમજ મસીતાળા જવાનો દેરડી રોડ પરના બેઠી ઢાબીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
જેતપુર પંથકમાં આજે બપોરે મુશળધાર વરસાદ વરસ્યો અને ઉપરથી સુરવો ડેમ -૨ ના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તે પણ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા તેના પાંચ દરવાજા ત્રણ ફૂટે ખોલવામાં આવ્યા હતાં. જેને કારણે સુરવો નદીમાં ભારે પુર આવ્યું હતું. આ સુરવો નદી જેતપુર પાસે ભાદર નદીને મળતી હોવાથી ભાદર નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી. અને દેરડી જવાનો બેઠી ઢાબીનો પુલ નદીના પાણીમાં ગરક થઈ ગયો હતો. પુલ પરથી લોકો અવરજવર ન કરે તે માટે પ્રસાસને સલામતીના પગલાં રૂપે પુલની બંને બાજુ ટ્રેકટરની ટ્રોલીની આડશ રાખી વાહન વ્યવહાર બંધ કર્યો હતો.