
મુંબઇ : કંગના રણૌતનાં ફાયરિંગ લિસ્ટમાં હવે અમિતાભ બચ્ચન અને ટાઈગર શ્રોફ પણ સામેલ થઈ ગયા છે. અભિનેત્રીએ આ કલાકારોને પણ બોલીવૂડની માફિયા ગેંગનો હિસ્સો ગણાવી દીધો છે.
કંગનાએ પોતાની ફિલ્મ ‘ઇમરજન્સી’ તા. ૨૦મી ઓક્ટોબરે રીલિઝ કરવાની જાહેરાત અગાઉ કરી હતી. હવે ટાઇગર શ્રોફ, અમિતાભ બચ્ચન, કૃતિ સેનની ફિલ્મ ‘ગણપત’ની રીલિઝ પણ એ જ દિવસે કરવાનું જાહેર થતાં કંગનાને ભારે ગુસ્સો આવી ગયો છે.
કંગનાના આરોપ અનુસાર મારી ફિલ્મની રીલિઝ ડેટ જોયા પછી જાણીજોઈેને આ લોકોએ એ જ દિવસ નક્કી કર્યો છે. લાગે છે કે બોલીવૂડની માફિયા ગેંગમાં પેનિક મીટિંગ થઈ રહી છે. બીજી અનેક તારીખો ખાલી હોવા છતાં મને નુકસાન કરવાના ઈરાદે જ આ તારીખ નક્કી થઈ છે.
કંગનાએ સોશિયલ મીડિયા પર અમિતાભ અને ટાઈગર શ્રોફના નામ સાથે આ પોસ્ટ કરી છે.
ઉલ્લેખનીય છે કે ‘કંગના’ની ઈમરજન્સી ૧૯૭૫માં દેશમાં લદાયેલી કટોકટી અંગેની ઘટનાઓ પર આધારિત છે. કંગના ખુદ આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવે છે.










