નવસારી: પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ અંતર્ગત જિલ્લાના છ તાલુકાઓના કુલ ૪૨૮ લાભાર્થીઓ ગૃહપ્રવેશ કરશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રધાનમંત્રીશ્રીની પ્રેરક હાજરીમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યવ્યાપી આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના છ તાલુકાઓના કુલ ૪૨૮ લાભાર્થીઓ ગૃહપ્રવેશ કરશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ ગ્રામ્ય કક્ષાએ લાઈવ પ્રસારણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સુદ્રઢ કરવા આયોજન હાથ ધરાયું
આગામી ૧૨ મે ૨૦૨૩ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ થયેલ આવાસોનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓ સહિત ગ્રામ્ય કક્ષાએ નિહાળવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના કુલ છ તાલુકાના કુલ ૪૨૮ લાભાર્થીઓ ગૃહપ્રવેશ કરશે. નવસારી જિલ્લાના ૧૩૬ ગામોના ગ્રામજનો વન-વે કનેક્ટિવિટીના માધ્યમથી જોડાઈને વડાપ્રધાનશ્રીનો લાઈવ/જીવંત કાર્યક્રમ નિહાળશે.
આ સંદર્ભે નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં લાઈવ પ્રસારણ માટે સ્થળ પસંદગી સુનિશ્ચિત કરવા, સાંસ્કૃતિક પ્રોગ્રામ, લાભાર્થીઓના ગૃહપ્રવેશ, સુશોભન સાથે દરેક ગામમાં એક લાઈઝ્નીંગ ઓફિસરની નિમણુક કરવા અંગે સૂચનો તથા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એમ. એસ. ગઢવી, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






