
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે એક મોટો દાવો કરતા કહ્યું કે રામ મંદિરના ઉદ્દઘાટન પહેલા ગોધરા જેવી ઘટના થવાની આશંકા લોકોને સતાવી રહી છે. સંજય રાઉતે કહ્યું કે લોકોના મગજમાં આ ડર છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્દઘાટન પહેલા ગોધરા રમખાણ જેવી ઘટનાઓ બની શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે રામ મંદિરનું ઉદ્દઘાટન 2024 લોકસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા થવાનું છે.
સંજય રાઉતે મુંબઇમાં કહ્યું, ‘જનતા અને કેટલાક નેતાઓના મગજમાં આ ડર છે કે જે પાર્ટી ચૂંટણી જીતવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જેવો ડ્રામા કરી શકે છે, તે કંઇ પણ કરી શકે છે.’
સંજય રાઉતે કહ્યું, ‘જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ આરોપ લગાવ્યો હતો કે 2019ના પુલવામા હુમલો અસલમાં થયો નહતો પણ કરાવવામાં આવ્યો હતો. આવી જ વસ્તુ 2002ના ગોધરા રમખાણને લઇને પણ કહેવામાં આવે છે. ચર્ચા કરવામાં આવે છે કે તે રમખાણ પણ કરાવવામાં આવ્યા હતા.’
સંજય રાઉત ગોધરામાં કાર સેવકો ભરેલી ટ્રેનની એક બોગી સળગાવવાની ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યાં હતા. આ ઘટનામાં 50થી વધુ લોકોને જીવતા સળગાવવામાં આવ્યા હતા અને પછી ગુજરાતના કેટલાક ભાગમાં રમખાણ ફાટી નીકળ્યાં હતા. મહત્ત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરી 2019માં પુલવામામાં હુમલો થયો હતો. તે બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી.
ભારતીય સેનાનું કહેવું હતું કે સરહદ પાર જઇને કેટલાક આતંકીના ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. સંજય રાઉતે કહ્યું, ‘આપણા મગજમાં ડર છે, રામ મંદિરના ઉદ્દઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ટ્રેનથી અયોધ્યા જશે. આ દરમિયાન કેટલાક વિસ્તારમાં ટ્રેન પર પત્થર ફેકવામાં આવી શકે છે અથવા લોકો પર હુમલો થઇ શકે છે. તે બાદ ભાજપ તરફથી રમખાણ ભડકાવવામાં આવી શકે છે. કેટલાક રાજકીય દળો અને લોકોના મગજમાં આ ડર જ છે.’ સંજય રાઉતે કહ્યું કે ભાજપ પાસે 2024 માટે કોઇ એજન્ડા નથી, માટે તે સાંપ્રદાયિક તણાવ વધારી શકે છે અને ચૂંટણી માટે રમખાણ પણ કરાવી શકે છે.