10-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, રાપરના ૧૩૦ જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવા માટે રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાનું આયોજન છે.જળ સંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-1ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે તબક્કા-2 ના કામો માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરાશે.આ નિર્ણયના પરિણામે જળાશયોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. એટલુંજ નહીં, પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે અને પાણીના અભાવે પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર પણ અટકશે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.કચ્છ જિલ્લામાં પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જુન- 2006માં નર્મદાના પુરના વહી જતા વધારાના પાણીમાંથી કચ્છ જિલ્લાને 1 મીલીયન એકર ફીટ પાણીની ફાળવણી કરવામાં આવી હતી. આ 1 મીલીયન એકરફીટ પાણી, કચ્છમાં આવેલ નર્મદાના હયાત કેનાલ નેટવર્કમાંથી અલગ-અલગ સ્થળેથી મેળવીને પાઈપલાઈન,કેનાલ થકી વિવિધ સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચાડવાનું તબક્કાવાર આયોજન કરાયું છે જેના પરિણામે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે તેમજ ઘાસચારો, ઢોર-ઢાંખરના પીવા સારૂં વગેરે હેતુસર પાણી વિતરીત થઈ શકશે.તબક્કા-1માં ત્રણ અલગ-અલગ પાઈપલાઈન લીંક માટે 4,369 કરોડની વહીવટી મંજૂરી જાન્યુઆરી-2022માં આપવામાં આવી હતી જે યોજનાના બાંધકામ માટેનો ઈજારો આખરી કરી દેવાયો હતો. આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે હેઠળ સધર્ન લીંક અને હાઇકન્ટુર સ્ટોરેજ લીંકથી અંજાર, મુંદ્રા, માંડવી અને ભુજ તાલુકાની 25 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના 47 ગામના 38,824 હેક્ટર વિસ્તારને લાભ મળશે.નોર્ધન લીંકથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાની 12 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના 22 ગામના 36,392 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જ્યારે સારણ લીંકથી રાપર તાલુકામાં સારણ જળાશયમાં પાણી ભરવાથી રાપર તાલુકાના 8 ગામના 29,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ કામગીરી વર્ષ 2025માં પૂર્ણ થતાં કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા અને રાપર મળી કુલ છ તાલુકામાં 38 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી 77 ગામના 1,04,216 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.









