GUJARATKUTCH

Mundra : મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરે યોજાયેલ પંચદિવસિય સતસંગ કથાના સમાપને 101 લાડુના થાળથી અન્નકૂટ સજાવવામાં આવ્યો.

30-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

700થી વધુ હરિભક્તોએ સમુહભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી.

ભુજ, માંડવી અને અંજારથી પધારેલા સંતોએ આર્શીવચન આપી હરિભક્તોનું અભિવાદન કર્યું

મુન્દ્રા કચ્છ : – અદાણીપોર્ટથી વિશ્વના નકશામાં અંકિત થયેલ મુંદરા નગરની પૂર્વની ભાગોળે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા પાંચ દિવસથી ભક્તિ, કર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. કચ્છ ચોવીસ ગામની તપસ્વિનીના શિખરસમી 70 સાંખ્યયોગી બાઈઓના સાનિધ્યમાં મુંદરા પંથકના સતસંગીઓએ ધન્યતા અનુભવી હતી.
સ્વયં થી સર્જનહારની ઓળખ કરાવી પ્રાણવાન વિચારોનું વાવેતર કરતા સાંખ્યયોગી પોતાના આચરણથી ઉપદેશ આપ્યો હતો. બ્રહ્મમુહૂર્તમાં જાગરણ કરી સતત ચાર કલાક સુધી અનુષ્ઠાન, ધ્યાન, મહાપુજા, કથાવાર્તા કરતા બાઇઓના દર્શન માત્રથી અહીંના સતસંગીઓના મનોબળ વધી ગયા હતા. નિત્ય સાધનાથી સહજ સમૃધ્ધ થતા આ સાંખ્યયોગી બાઈઓ જયારે સમુહમાં મંદિરની પ્રદક્ષિણા કરતા હોય ત્યારે લાગે કે ચલ રહે હૈ ચરણ અગણિત, ધ્યેય કે પથ નિરંતર.
મંગલમય વ્યાસપીઠથી પોતાની ઋતંભરા વાણીમાં કથાનું રસપાન કરાવતા સાંખ્યયોગી નાનબાઈએ કહ્યું હતું કે આ સદગ્રંથો એ કેવળ પુસ્તકો નથી પણ સ્વયં ભગવાનનું સાક્ષાત રૂપ છે. ગ્રંથોને ગુરુની ઉપમા આપતા જણાવ્યું હતું કે તમારા જીવન યુધ્ધના સારથી સ્વયં કૃષ્ણ બનશે પણ સદાચારના માર્ગે યુધ્ધ તો તમારે પોતે જ લડવું પડશે અને નિષ્કામ કર્મભક્તિ માટે શિક્ષાપત્રીના શબ્દશઃ આચરણથી જ જીવનની ખરી સાર્થકતા અનુભવાશે.
ત્રિવેણી સંગમના ત્રીજા દિવસે ઠાકર-થાળી યોજાઈ હતી. મંદિરના પવિત્ર પરિસરમાં તાલીઓના તાલે અને પગના થનકારે સત્સંગીઓ અને સાંખ્યયોગી બાઈઓએ ભક્તિરાસમાં મગ્ન થતા જોઇને સૌ કોઈએ અનહદ આનંદની અનુભૂતી કરી હતી.
જેમની નસેનસમાં સંયમની ખુમારીને શ્વાસોચ્છવાસમાં ઇષ્ટદેવ નરનારાયણની ભક્તિ ભરેલી છે એવા કથાના સભાપતિ સાંખ્યયોગી જસોદાબાઈએ કહ્યું કે આજના ઔધોગિક અને વૈચારિક પ્રદુષણની સામે સનાતની સંસ્કૃતિના જાગરણ માટે મંદિર થકી પરિવાર પ્રબોધનનું કાર્ય થઈ રહ્યું છે. સદાચાર અને દ્રઢ નિષ્ઠાથી અનેક પરિવારો નિર્વયસની બન્યા છે. ભાષાને બદલે ભાવથી અનેક પરપ્રાંતીય પરિવારો આ સત્સંગમાં જોડાઈને ધન્ય થયા છે.
મુન્દ્રા મંદીરમાં સાંખ્યયોગી બાઈઓની પ્રેરણાથી બાળ યુવા માનસમાં આધ્યાત્મિકતાનો મિજાજ ઠસાવવા માટે બાલ યુવક – યુવતિ મંડળની રચનાત્મક પ્રવૃત્તિઓથી મંદિરે એક આગવી ઓળખ ઉભી કરી છે.
કથા સતસંગને પ્રેરણાના પીયુષ પાવા માટે કેરા-કુંદનપર ગામના સાંખ્યયોગી બાઈએ સમયાંતરે એક મહિનો મંદિરમાં પધારી મુન્દ્રાવાસીઓને દુષણો અને પ્રદુષણોથી બચાવવા અખંડ સાધના કરી હતી. સ્થાનનું મમત્વ ત્યાગીને સત્સંગ કરાવતા આ સન્યાસીનીઓને જોઇને લાગે કે સાધુ, સરિતા અને શરીર તો ચલતા ભલા.
માનવજાતના માંગલ્ય માટે એકાદશીના નિર્જળા ઉપવાસ કરીને પણ હોંશે હોંશે હરિકામ, હરિનામ અને હરિસ્મરણ કરતા સાંખ્યયોગી બાઈઓના દર્શનમાત્રથી જીવનનો થાક ઉતારતા મુંદરાના ગ્રૃહસ્થીઓ માટે આ કથા જીવનનું પાથેય બની રહી હતી. મુંદરા મંદિરના પ્રણેતા મહંત સ્વામી ધર્મનંદનદાસજી વંદના કરી અને પ્રેમપ્રકાશ સ્વામી તથા સત્સંગ પ્રવૃત્તિના પ્રણેતા અક્ષર નિવાસી નાનબાઈ ફઇની દિવ્ય ચેતનાનું પુણ્ય સ્મરણ કરી કથા વક્તા સાંખ્યયોગી નાનબાઈએ રાજીપો વ્યક્ત કરી સતસંગીઓને સાવધાન બનીને નરનારાયણદેવમાં શ્રધ્ધા અકબંધ રાખવાનું આહવાન કર્યું હતું.
કથાના અંતિમ દિવસે નિજમંદિરમાં ભગવાન સન્મુખ વિવિધ પ્રકારના 101 લાડુંના થાળથી અન્નકુટ સજાવવામાં આવ્યો હતો.
ચોસઠપદી કથાની પૂર્ણાહુતિ વેળાને વધાવવા તથા ગણેશ ઉત્થાપન યાત્રાના સાક્ષી બનવા અને આશિવર્ચન આપવા માટે ભુજ મંદિરના ઉપમહંત ભગવતજીવન સ્વામી અને કોઠારી દેવપ્રકાશ સ્વામી સાથે ભુજ, માંડવી અને અંજાર સ્વામિનારાયણ મંદિરથી 21 સંતો પધાર્યા હતા. આર્શીવચન આપતા સંતોએ રાજીપો વ્યક્ત કરીને પંચદિવસીય કથાના સેવાધારી હરિભક્તોને સંતોએ ફુલહારથી જાહેર અભિવાદન કરી કર્મભક્તિ થકી ઈષ્ટદેવમાં શ્રધ્ધાને અકબંધ રાખવાના શુભાશિષ આપ્યા હતા. સાંખ્યયોગી દેવુબાઈની પ્રેરણાથી થયેલા અનોખા આયોજનને સંતો સહિત સૌ સત્સંગીઓએ વધાવ્યું હતું. અત્ર, તત્ર અને સર્વત્ર ઉત્સાહ, ઉમંગ અને ઉર્જાની અનુભૂતિ અનુભવાઈ હતી. મંદિરના ટ્રસ્ટીઓ, યુવક – યુવતિ મંડળ સહીત સમગ્ર સતસંગી પરિવાર સહયોગી બનીને ધન્યતા અનુભવી હતી. અંતે 700થી વધુ હરિભક્તોએ સમૂહભોજન પ્રસાદનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

[wptube id="1252022"]
Back to top button