
કિરીટ પટેલ બાયડ
અરવલ્લી જિલ્લામાં આકસ્મિક ઘટનાઓમાં કામગીરી બાબતે જિલ્લા તંત્ર સતર્ક
અરવલ્લી જિલ્લામાં આગજન્ય દુર્ઘટનાઓ સહિતની આકસ્મિક ઘટનાઓના નિવારણ અને આગોતરા નિવારાત્મક ઉપાયો અંગે યોજાઈ બઠક
તાજેતરમાં રાજ્યમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગજન્ય કરુણ દુર્ઘટના, વડોદરામાં બનેલી હરની તળાવ દુર્ઘટના ઉપરાંત આ પૂર્વે બનેલી ઘટનાઓને ધ્યાને લઈ જીલ્લામાં નાગરિકોની સલામતી બાબતે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બન્યું છે.
જિલ્લાના ઔધોગિક એકમો, રોજિંદા લોકજીવન, આનંદ પ્રમોદના સંસાધનો, સ્થળો, ભૌગોલિક પરિસ્થિતિ, પરિવહનને ધ્યાને લઇ આગ, અકસ્માત સહિત જોખમકારક બાબતો ના બને તે માટે જિલ્લાના તમામ વિભાગોને આગોતરી રીતે સતર્કતા દાખવી આવી આકસ્મિક ઘટનાઓના નિવારણ માટે કાળજી રાખવા અને આગોતરા નિવારાત્મક ઉપાયો શોધવા સૂચન કરવામાં આવ્યા.
પેટ્રોલ પંપ, CNG પંપ, હોસ્પિટલ, મોલ, શાળા, કોલેજ, આંગણવાડી, લાઇબ્રેરી, કોચિંગ સેન્ટર, થિયેટર, આનંદમેળા, મેળાવડા, ધાર્મિક સ્થળો, સામાજિક પ્રસંગો, ફટાકડા ગોડાઉન, GIDC જેવા ઔધોગિક એકમો વગેરે જેવા સ્થળો પર ફાયર સેફ્ટી અંગેના નિયમો સાથે એક ગાઇડલાઈન બનાવવામાં આવશે. આ નિયમોના પાલન માટે વિવિધ એસોશિયેશનના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ જો કોઈ નિયમોનું પાલન ન થાય તો ચેકીંગ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આગ સિવાય અન્ય આકસ્મિક ઘટનાઓ દરમિયાન તેમાં કેવી રીતે જાનહાનિ અને માનહાનિ ઘટાડી શકાય તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી. જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને તેમના કાર્યક્ષેત્રમાં આવતા સ્થળો પર યોગ્ય સુરક્ષા જાળવવા પણ સૂચન કરવામાં આવ્યા.
આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા, જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, અધીક નિવાસી કલેકટર જશવંત જેગોડા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.