
13 મે 2024ના રોજ બપોરે મુંબઈના ઘાટકોપરમાં BPCL-ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પેટ્રોલ પંપ પર 120 ફૂટ ઊંચું અને 250 ટન વજનનું હોર્ડિંગ પડતા કુલ 16 લોકોના જીવ ગયાં અને 70 લોકો ઈજાગ્રસ્ત બન્યા ! અનેક કાર કચડાઈ ગઈ !ભારે પવન સાથેના વરસાદના કારણે આ દુર્ઘટના બની હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતક પરિવારને 5 લાખ સહાય આપવાની ઘોષણા કરી છે.
આ 120 ફૂટનું હોર્ડિંગ ગેરકાયદેસર હતું ! લિમ્કા બૂક ઓફ રેકોર્ડસમાં સૌથી મોટા હોર્ડિંગ તરીકે તેને સ્થાન મળ્યું હતું ! ત્રણ દિવસ સુધી કાટમાળ હટાવવાનું કામ ચાલ્યું. પેટ્રોલપંપમાં અંડરગ્રાઉન્ડ ફ્યુઅલ સ્ટોરેજ ટેન્ક હોવાથી ગેસ કટરનો ઉપયોગ થઈ શકતો ન હતો. મુંબઈમાં આવા 400 હોર્ડિંગ ગેરકાયદેસર છે !
આવું હોર્ડિંગ મૂકનાર કોણ હશે? ગુંડો જ હોય ! ‘ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીએ મુંબઈમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર હોર્ડિંગ લગાવ્યા છે. આ કંપનીના માલિક છે ભાવેશ ભિંડે. દુર્ઘટના બનતા જ ભાવેશ ભિંડે ફરાર થઈ ગયો ! જાન્યુઆરી 2024માં ભાવેશ ભિંડે બળાત્કારના કેસમાં એરેસ્ટ થયો હતો ! તેની સામે ચેક રીટર્ન/ હોર્ડિંગની આસપાસના વૃક્ષોને ઝેરી કેમિકલ નાખી સૂકવી નાખવા/ રેલ્વે તથા મહાનગરપાલિકામાં હોર્ડિંગ-બેનર માટે ઠેકો મેળવવા સબબ અગાઉ કુલ 23 કેસ નોંધાયેલા છે. 2009માં તે અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યો છે. અગાઉ તે ‘ગુજૂ એડસ’ નામની કંપની ચલાવતો હતો પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ તેને કાળી યાદીમાં મૂકેલ તેથી તેણે ‘ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડ’ નામની નવી કંપની બનાવી હતી. પેટ્રોલ પંપ રેલ્વેની જમીન પર બન્યો હતો, આ હોર્ડિંગ લગાવવાની મંજૂરી પણ રેલ્વે પોલીસે 2021માં 10 વરસ માટે આપી હતી ! પરંતુ હોર્ડિંગ લગાવવા મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી મેળવેલ ન હતી !
16 મે 2024ના રોજ મુંબઈ પોલીસે આરોપી ભાવેશ ભિંડેને રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપી લીધો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ગેરકાયદેસર હોર્ડિંગ હટાવવાની કાર્યવાહી શરુ કરી છે !
થોડાં મુદ્દાઓ : [1] હોર્ડિંગની મંજૂરીમાં માપ 40 ફૂટ x40 ફૂટ હોય પરંતુ સ્થળ પર મોટી સાઈઝના હોર્ડિંગ હોય છે; શું મહાનગરપાલિકાને આ દેખાતુ નહીં હોય? [2] લિમ્કા બૂક ઓફ રેકોર્ડસમાં જે હોર્ડિંગને સ્થાન મળ્યું હોય તે અંગે મહાનગપાલિકા અજાણ હોય? [3] મોટા ભાગના કોન્ટ્રાક્ટરો કાળી યાદીમાં મૂકાય ત્યારે બીજી કંપની ઊભી કરી કોન્ટ્રાક્ટ મેળવી લે છે ! શું કંપનીના માલિકોનો પૂર્વ ઈતિહાસ જોવાતો નહીં હોય? [4] શું ભાવેશ ભિંડેએ પોતાના સ્વાર્થ માટે 16 લોકોના જીવ લીધાં નથી? શું મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી થતી નથી? [5] સરકાર આવી દુર્ઘટનાઓ વેળાએ સહાય જાહેર કરે છે તે સારી બાબત છે; પરંતુ આ સહાય તો જવાબદારી ખંખેરી નાખવાનું સાધન નથી? મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના હોય કે વડોદરાની બોટ દુર્ઘટના હોય; કોઈ પણ દુર્ઘટનામાં સાચા જવાબદારો સામે કેમ પગલાં લેવાતા નથી? કોર્ટ પણ આવા ગુનાના દોષિતોને આજીવન, છેલ્લા શ્વાસ સુધી જેલમાં પૂરી રાખવાનો હુકમ કેમ કરતી નથી? અનુભવ તો એવો છે કે દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !rs



[wptube id="1252022"]