
આજીવન કેદની સજા ગોધરા સબજેલમાં ભોગવતા 11 બળાત્કારીઓ/ હત્યારાઓને ગુજરાત સરકારે ‘સજામાફીની નીતિ’ હેઠળ 15 ઓગસ્ટ 2023ના રોજ વહેલા મુક્ત કર્યા હતા, તે અંગે દેશભરમાં ઊહાપોહ થયો હતો ! સજામાફીની પેનલે એવો અભિપ્રાય આપેલ કે “ગુનેગારો ‘સંસ્કારી બ્રાહ્મણ’ છે અને તેમણે જેલમાં 14 વર્ષ જેટલો સમય વીતાવ્યો છે તથા તેમનું જેલમાં સારું વર્તન રહ્યું છે.” આ બાબતે સરકારની તીવ્ર આલોચના થઈ હતી ! દોષિતો જસવંતલાલ નાઈ/ ગોવિંદ નાઈ/ શૈલેશ ભટ્ટ/ રાધેશ્યામ શાહ/ બિપિનચંદ્ર જોશી/ કેસરભાઈ વોહાણિયા/ પ્રદીપ મોરઢિયા/ બકાભાઈ વોહાણિયા/ રાજુભાઈ સોની/ મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાને છોડી મૂકાયા હતા. દોષિતો જેલમાંથી બહાર આવતાં જ તેમનું હારતોરાથી સ્વાગત થયું હતું, તિલક કરવામાં આવ્યા હતાં અને મીઠાઈ વહેંચવામાં આવી હતી ! જેથી ભારે વિરોધ થયો હતો ! તેમાંથી ઘણા દોષિતોએ, સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યો સાથે અનેક કાર્યક્રમોમાં સ્ટેજ પર શોભામાં અભિવૃદ્ધિ કરી હતી !
8 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રિમકોર્ટના જસ્ટિસ બી. વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ઠરાવેલ છે કે ‘કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો હતો તેથી ગુજરાત સરકાર વહેલી સજામુક્તિ આપી શકે નહીં, માત્ર મહારાષ્ટ્ર સરકાર જ આપી શકે !’ સુપ્રિમકોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને બે અઠવાડિયાની અંદર 11 દોષિતોને જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો છે.
વર્ષ 2002માં ગુજરાતના રમખાણો દરમિયાન દોષિતોએ બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. તે વેળાએ બિલકીસની ઉંમર 20 વરસની હતી.
બળાત્કારીઓ/ હત્યારાઓની સજામાફી સામે ભોગ બનનાર બિલકીસ બાનો, ઉપરાંત સીપીઆઈ (એમ)નાં નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના નિર્ણયને પડકાર્યો હતો.
સુપ્રીમકોર્ટે આ મામલો CBI ને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની CBI અદાલતે આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સજા યથાવત રાખી હતી. એપ્રિલ 2019માં સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેટે રુપિયા 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને બિલકીસબાનોને સરકારી નોકરી તથા તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. બિલકીસ પર સામૂહિક બળાત્કારની ઘટનામાં પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારીઓને સજા થતાં તેમના પેન્શન વગેરે લાભો સરકારે પરત લઈ લીધાં હતા.
બિલકીસની વેદના છે કે “પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે !”
થોડાં પ્રશ્નો : [1] બળાત્કારીઓ/ હત્યારાઓને ફરી જેલમાં જવું પડે, તે ગુજરાત સરકાર માટે શરમજનક ઘટના કહેવાય ! સુપ્રિમકોર્ટનો આ ચૂકાદો સત્તાપક્ષની મહિલાઓ પ્રત્યે ઘોર અવગણના છતી નથી કરતો? હાલ મહારાષ્ટ્રમાં સતાપક્ષની સરકાર છે એટલે બે અઠવાડિયામાં આ 11 ‘સંસ્કારી’ ગુનેગારોની જેલમુક્તિને બહાલ કરી પણ આપે ! આ તો
મામા નહીં પીરસે, માસી પીરસશે, એવો ખેલ નહીં થાય? શું સુપ્રિમકોર્ટને આવો અંદાજ નહીં હોય? [2] સુપ્રિમકોર્ટનો આ ચૂકાદો, હત્યારાઓ/ બળાત્કારીઓને જેમણે હારતોરા પહેરાવ્યાં / તિલક કરી, મીઠાઈ વહેંચી સન્માન કર્યું; તેમના ગાલ પર તમાચો નથી? [3] શું ગુનેગારો ‘સંસ્કારી બ્રાહ્મણ’ હોય એટલે માફ કરવાના? દોષિત ગુનેગારોને ‘સંસ્કારી’નું સર્ટિફિકેટ આપવું તે સજા કરનાર કોર્ટનું અપમાન નથી? [4] સત્તાપક્ષ બળાત્કારીઓને/ હત્યારાઓને શામાટે પોતાના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડતા હશે? શું બહુમતી હિન્દુઓને ખુશ કરી તેમના વોટ મેળવવા? 15 ઓગસ્ટ 2023ના રોજ સજામાફી કરી અને ડીસેમ્બર 2023માં વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષે 182માંથી 156 બેઠકો મેળવી લીધી ! [5] ઘટના બની માર્ચ 2002માં અને આરોપીઓની ધરપકડ CBI ને કેસ સોંપ્યા બાદ 2004માં થઈ ! 2002થી 2004 સુધી ગુજરાત પોલીસે આરોપીઓને છાવર્યા , શું ગુજરાત પોલીસ માટે આ શરમજનક નથી? ગુજરાતની કોર્ટ બિલકીસને ન્યાય આપી શકે તેમ નહતી તેથી જ સુપ્રિમકોર્ટે આ કેસ મહારાષ્ટ્રની કોર્ટને સોંપ્યો હતો, શું આ બાબત ગુજરાતના ન્યાયતંત્ર માટે શરમજન ન કહેવાય? ગુજરાત સરકારે 50 લાખનું વળતર એટલે ચૂકવવું પડ્યું કે સરકારે/ તંત્રએ બિલકીસને હેરાન-પરેશાન કરી મૂકી હતી; શું સરકાર માટે આ શરમજનક નથી? કોઈ પણ સરકાર આટલી સંવેદનહીન હોઈ શકે? ‘પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે !’ બિલકીસની આ વેદનામાં ભારોભાર સત્ય નથી? યાદ રહે, આ બધી ઘટનાઓ બની ત્યારે હાલના વડાપ્રધાન, એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા ! [6] શું ન્યાય, પીડિત કે ગુનેગારના ધર્મ/ જાતિના આધારે લાગુ થાય તો તે બંધારણની હત્યા નથી?rs

[wptube id="1252022"]





