
રમતનું મેદાન એટલે ગેમ ઝોન. એ ગેમ ઝોન ઊભું કરવાના પણ નિયમો હોય. એ ગેમ ઝોનમાં રમાતી રમતો પણ નિયમો સાથે જ રમાય. નિયમો વિના કોઈ રમત રમાય નહિ. જો નિયમો વિના રમત રમાય તો જે બળવાન હોય તે જ જીતે. અને એને અંધાધૂંધી કહેવાય અથવા બળથી ઊભી કરવામાં આવેલી રાજાશાહી કહેવાય. નિયમો સાથે રમત રમાય તો એને કાયદાનું શાસન કહેવાય. અને કાયદાનું શાસન એટલે જ લોકશાહી.
કાયદાના શાસનના કેટલાક નિયમો આ મુજબ છે : [1] કાયદો બધાને સરખી રીતે લાગુ પડે. કોઈ ધનવાનને કે સત્તાનશીન માણસને પણ એ જ રીતે કાયદો લાગુ પડે કે જે રીતે સામાન્ય માણસને એ લાગુ પડે. [2] કાયદો કે તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો લખેલા હોય. એ મોંઢામોંઢ ન હોય. [3] એ લખેલા નિયમો જાહેર થયેલા હોય એટલે કે નાગરિકો એ નિયમો જોઈ શકે તે રીતે તે પ્રાપ્ય હોય. આજકાલ એમ કહી શકાય કે એ સરકારના જે તે ખાતાની કે વિભાગની વેબસાઈટ પર મળવા જોઈએ. [4] કાયદાનું પાલન કરાવનાર સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોલિસ વગેરે નિષ્પક્ષ રીતે વર્તે. એ કોઈની તરફેણ ન કરે કે પછી કોઈને વિના વાંકે દોષ ન દે. એને માટે લાગવગને ધ્યાનમાં ન લે. [5] કાયદા અને નિયમો મુજબ દોષિતોને સજા થાય જ. એ માટે અદાલતો હોય અને તે દોષિતોને સજા કરે, સરકાર કે પોલિસ નહિ. [6] જેઓ કાયદાનો કે નિયમોનો ભંગ કરે તેમને સજા થાય. એ સજા એવી હોય કે જેથી બીજાઓ કાયદાનો ભંગ કરતાં ડરે. જો એમ ન થાય તો પછી લોકો ગુના આચરે તેમ જ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ કે પોલિસ પોતે પણ ગુના કરે. [7] એકસમાન ગુના માટે સજા એકસમાન હોય, જુદી જુદી ન હોય. [8] અદાલતમાં જે કેસ ચાલે તેનો ઝડપથી ઉકેલ આવે.
હવે સવાલ એ છે કે ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, સુરત કે મોરબી વગેરેમાં જે દુર્ઘટનાઓ બની છે તેમાં કાયદાનું અને તે હેઠળ ઘડાયેલા નિયમોનું પાલન થયું છે કે નહિ? કે ઘટના ઘટ્યા બાદ પણ થાય છે કે નહિ? અને એમનું પાલન ન કરનારને સજા થાય છે કે નહિ?
બે ઘટનાઓ યાદ રાખવા જેવી છે : [1] 24 મે 2019ના રોજ, સુરતમાં તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો હતો. તેના જે આરોપીઓ પકડાયા તેઓ આજે બધા જમીન પર છૂટેલા છે ! કેસ ક્યારે ચાલશે અને તેમને ક્યારે અને શી સજા થશે તેની ખબર નથી. જે આરોપીઓ જામીન પર છૂટેલા છે તેઓ તેમની જિંદગી આરામથી જીવે છે. [2] મોરબીનો ઝૂલતો પુલ 30 ઓકટોબર 2022ના રોજ, તૂટ્યો, તેમાં 134 નાગરિકો મરી ગયા. જે ઓરેવા કંપનીને પુલનું સમારકામ સોંપવામાં આવ્યું હતું તેના માલિક જયસુખ પટેલને અદાલતે જામીન આપ્યા. તેઓ પણ હવે મુક્તપણે હરેફરે છે. સવાલ એ છે કે જેને દુર્ઘટના કે અકસ્માત કહેવામાં આવે છે તે ખરેખર દુર્ઘટના છે કે જાણીજોઈને કરવામાં આવેલી સામૂહિક હત્યાઓ છે? કાયદાની ભાષામાં તેણે જે કહેવામાં આવે તે, પણ તે હત્યા જ છે કે કારણ કે મકાનોના કે ગેમ ઝોનના માલિકો અને પુલનું સમારકામ કરનાર કંપનીના માલિકો એ જાણતા જ હોય છે કે જો કોઈ અક્સમાત થાય તો તેમાં લોકોનાં મોત થઈ શકે છે. જો એમ જ હોય તો પછી તેમને શા માટે જામીન મળે છે? એનો અર્થ એ થાય કે કાયદા અને નિયમો જ એવા છે કે ગુનેગારો જામીન પર છૂટીને જલસા કરી શકે છે !વળી, પોલિસ અને રાજકીય નેતાઓ સહિતના તમામ વહીવટદારો ઘણી વાર ગુનેગારોને બચાવવામાં પોતાનાં તન અને મન ખર્ચી નાખે છે કારણ કે તેમાં ગુનેગારોનું ધન જોડાયેલું હોય છે. પરિણામે નાગરિકો એ લોકોના ગેમ ઝોનનાં રમકડાં બની જાય છે !
ગુજરાતના નાગરિકો આજકાલ રાજકીય ભક્તિયુગમાં જીવે છે. જ્યાં ભક્તિ હોય ત્યાં વિચારશક્તિનો લોપ થઈ જાય અને લોકશાહીમાં નેતાઓ પોતાને ઉત્તરદાયી હોય એ વાત ભૂલી જાય છે. પરિણામ એ આવે છે કે નેતાઓ મન ફાવે તેમ વર્તે છે, તેઓ કાયદાની ઐસીતૈસી કરે છે. કોરોનાકાળમાં તમામ નિયમોનો ભંગ કરીને ભાજપના ગુજરાતના પ્રમુખે કેટલી રેલીઓ કાઢી હતી? તેની શરૂઆત જ મોટે ભાગે રાજકોટથી થઈ હતી. એમની સામે કોઈ પગલાં ન લેવાયાં કેમ કે સરકાર ભાજપની હતી ! આને કાયદાનું શાસન ન કહેવાય. ભાજપે ગેમ ઝોનના નિયમો અને કાયદા બદલી નાખ્યા છે. એમાં તેઓ કહે તે જ કાયદો છે અને તે જ નિયમો છે. બરાબર યાદ રાખો, નાગરિકો તરીકે જો આપણે સત્તાધારીઓ જ્યારે કાયદાનો ભંગ કરતા હોય ત્યારે મૌન રહીએ તો ક્યારેક એવા ભંગની સજા વેઠવાનો વારો નાગરિકોને જ આવે છે !રાજકોટ, અમદાવાદ, સુરત, મોરબી અને વડોદરાની દુર્ઘટનાઓ આ કાયદાવિહીનતાનું જ પરિણામ છે. અંધાધૂંધી સિવાય કશું બાકી બચ્યું લાગતું નથી.
આશ્ચર્ય થાય છે કે મોરબીના મતદારો ઝૂલતા પુલની દુર્ઘટના પછી પણ ભાજપના ઉમેદવારને ચૂંટે છે ! એટલે ભાજપના નેતાઓને એમ થાય છે કે તેમને પૂછનારું તો કોઈ છે જ નહિ. ભાજપના નેતાઓ પણ કાયદાને ઘોળીને પી જાય છે. તેમને તો આખું ગુજરાત ગેમ ઝોન લાગે છે ! કોઈ પણ ખતરનાક રમત આ ગેમ ઝોનમાં તેઓ આસાનીથી રમી શકે છે કારણ કે ચૂંટણીમાં તેઓ જીતશે જ એની એમને ખાતરી હોય છે !
મૂળ સવાલ આ છે ગુજરાતના નાગરિકો માટે કે; તેઓ પંચાયત, પાલિકાઓ કે રાજ્ય સરકારની ચૂંટણીમાં પણ 1995થી સત્તામાં બેઠેલા ભાજપને આ પ્રાણઘાતક દુર્ઘટનાઓ માટે જવાબદાર ઠેરવવા કેમ તૈયાર થતા નથી? વિકલ્પ ઉપલબ્ધ છે પણ વિકલ્પનો પ્રયોગ કરવો જ નથી ગુજરાતના નાગરિકોને, તો પછી આ બધું ભોગવવું જ પડે ને ! કાયદો કેવો હોય, નિયમો કેવા હોય અને તેમનું પાલન કેવી રીતે થાય તે સવાલો તો પછી ઊભા થાય છે. કોઈ એક દુર્ઘટના ક્યાંક બને અને તેમાંથી સરકાર દ્વારા કશું જ શીખવામાં ન આવે તો એને સરકાર જ કેવી રીતે કહેવાય? કોઈ પણ નેતા કે પક્ષ લાંબો સમય સત્તા પર રહે તો તે તાનાશાહ બને તેવી સંભાવના વધી જાય છે. રાજકોટની દુર્ઘટના પછી એક અસરગ્રસ્ત નાગરિક પૂરતી સમજ સાથે એમ કહેતા હોય કે જો કોઈ ગુનેગાર જામીન પર છૂટી જશે તેને તેઓ મારી નાખશે, તો એમ સમજવાનું કે એ માત્ર વ્યવસ્થા સામેનો રોષ નથી પણ એ વ્યવસ્થાને ચલાવનારા, પોષનારા અને વ્યવસ્થાનો લાભ ઉઠાવનારા સામેનો પણ રોષ છે ! કોઈ પણ વ્યવસ્થા પરમાત્માએ મોકલેલી હોતી નથી, એ સરકાર અને સમાજ દ્વારા ઊભી કરવામાં આવેલી હોય છે. ગુજરાતમાં સત્તાધારીઓનો ગેમ ઝોન જ્યારે નિર્લજ્જ, નીચ, નફ્ફટ, નાલાયક, નપાવટ અને નરાધમ બને છે ત્યારે નાગરિકો હંમેશાં એમનાં રમકડાં બની જાય છે ! 1950માં બંધારણ થકી ભારતમાં ઊભી કરવામાં આવેલી લોકશાહીના અર્થને ગુજરાતના નાગરિકો હવે જરા સમજે તો સારું !rs [સૌજન્ય : હેમન્તકુમાર શાહ, 27 મે 2024, કાર્ટૂન : સતિષ આચાર્ય]

[wptube id="1252022"]