RAMESH SAVANI

હાઈકોર્ટે બેજવાબદાર તંત્રને 20 લાખનો દંડ કર્યો !

ઘડી ડીટરજન્ટ પાવડરની જાહેરખબર કહે છે કે ‘પહલે ઈસ્તેમાલ કરેં, ફિર વિશ્વાસ કરે !’ આવું લાલચી સૂત્ર આપનાર RSPL કંપની લોકો સાથે મહાશક્તિશાળી છેતરપિંડી કરે છે !
દેવભૂમિ દ્વારકાના કુરંગા ગામે, RSPL કંપનીનો સોડા એશનો પ્લાન્ટ છે, તેના એફ્લુઅન્ટ પ્લાન્ટનું પ્રદૂષિત પાણી એક કિલોમીટર દૂર દરિયાઈ પટ્ટામાં છોડવામાં આવતું હતું. પ્રદૂષિત પાણીના વહન માટે કેનાલ બનાવેલ તે તૂટી ગયેલ તેથી આ પાણી આસપાસના ખેતરોમાં ભરાતું હતું. તેના કારણે સ્થાનિક ખેડૂતોની જમીન બિનઉપજાઉ બની ગઈ હતી ! ખેડૂતો 2016થી ગુજરાત પ્રદૂષણ બોર્ડને ફરિયાદો કરતા હતા, ઉપવાસ આંદોલન કરતા હતા; પરંતુ પ્રદૂષણ બોર્ડે કંપનીને માત્ર નોટિસો આપી, દેખાડા ખાતર દંડ કર્યો પરંતુ પ્રદૂષણ અટકાવવા માટે કોઈ પગલાં લીધાં ન હતાં. તેથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માયીની બેન્ચે 22 એપ્રિલ 2024ના રોજ, પ્રદૂષણ બોર્ડને રુપિયા 20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાઈકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કસૂરદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે પગલાં ભરવા તથા દંડની રકમ તેમની પાસેથી વસૂલ કરવા આદેશ કર્યો છે. જો કે દંડની રકમથી 10 ગણી રકમ અધિકારીઓએ કંપની પાંસેથી મેળવી લીધી હશે ! આ 20 લાખનો દંડ પણ કસૂરદારો વતી કંપની જ ભોગવશે ! આ કેસમાં કંપનીને મોટો દંડ કરવાની જરુર હતી !
થોડાં મુદ્દાઓ : [1] કોઈ કંપની પ્રદૂષણ કરે તો સરકારને ચિંતા નથી ! 2016થી ખેડૂતો રજૂઆત કરતા હતા છતાં 4 વરસ સુધી સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઊંઘતુ કેમ રહ્યું ? ખેડૂતોએ હાઈકોર્ટમાં પીટિશન કરી બાદ કંપનીએ પ્રદૂષિત પાણીની કેનાલ રીપેર કરી, પરંતુ ત્યાં સુધીમાં જમીન બિનફળદ્રૂપ બની ગઈ હતી. સત્તા હંમેશા બળુકાને મદદ કરે છે ! [2] પ્રદૂષણ બોર્ડને દંડ એટલે ગુજરાત સરકારને દંડ ! સરકાર ખેડૂતલક્ષી નથી, ઉદ્યોગલક્ષી છે ! કંપનીએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને મોટી લાંચ આપી હોય અને સત્તાપક્ષને મોટું ફંડ પહોંચાડ્યું હોય તો જ કંપની ખેડૂતોની જમીન નષ્ટ કરવાનું સાહસ કરે ! [3] ગુજરાતમાં અનેક કંપનીઓ પોતાનું પ્રદૂષિત પાણી બોરમાં/ નદીમાં/ નાળામાં/ દરીયામાં ઠાલવે છે. પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. ગાય ભેંસ પાણી પી શકતા નથી. જમીનો ઉજ્જજ બની ગઈ છે. પ્રદૂષિત પાણીથી અસરગ્રસ્ત ગામોમાં છોકરાઓના સગપણ થતાં નથી. આર્થિક જ નહીં, સામાજિક સમસ્યા વિકટ બની છે. સત્તાપક્ષ લોકોને ધર્મના ડોઝ આપી તેમની ચેતના હણી રહી છે ! સંપ્રદાયો/ કથાકારો/ ડાયરા કલાકારો/ ભૂવાજીઓ ખેડૂતોને ભ્રમિત કરે છે અને સરકારની ભયંકર ચાપલૂસી કરી પોતાનો સ્વાર્થ સાધે છે !
લોકોએ જાગૃત થવું પડે. ધર્મના ડોઝ વધુ પડતા થઈ ગયા છે. વિચારજો ! આ ડોઝ આપનારા પોતે ભૌતિક સુખમાં આળોટે છે, અને લોકોને આકાશી સુખ પાછળ ઘેલાં કરે છે !rs

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button