
કોઈ વખત નાનું કામ લાગતું હોય પણ તે વાસ્તવમાં બહુ મોટું કામ હોય છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપિપળા ગામના અનુસૂચિત જાતિ સમાજે ઉદાહરણરુપ પગલું ભર્યું છે ! તેમણે 4 ઓગસ્ટ 2023ના રોજ કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપેલ છે કે “અમારા ગામની માધ્યમિક શાળા સામે ગૌશાળા છે. ત્યાં ‘હિન્દુરાષ્ટ્રનું પાંચપિપળા ગામ’ એવા મોટા બેનર અમુક લોકોએ લગાડેલ છે. ગામનો સામાજિક ભાઈચારો અને ગામનો માહોલ બગાડવાની મેલી મુરાદ છે. આ તો ભારતના બંધારણનું જાહેર અપમાન છે ! આ ગેરબંધારણીય અને ગેરકાયદેસર બેનર ઊતારી લેવામાં આવે અને આવી પ્રવૃતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે !”
2014 પછી દેશમાં હિન્દુરાષ્ટ્રની ઘોષણા થઈ રહી છે ! ગુજરાતમાં, 2001થી 2023 દરમિયાન ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવી દીધું છે ! ગુજરાતના મોટાભાગના શહેરો/ગામડામાં એક બોર્ડ જોવા મળે છે : “હિન્દુરાષ્ટ્રના કર્ણાવતી મહાનગરમાં સ્વાગત છે/ હિન્દુરાષ્ટ્રનું ધનસુરા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે/ હિન્દુરાષ્ટ્રનું વડગામ સ્વાગત કરે છે/ હિન્દુરાષ્ટ્રના મોગરીમાં સ્વાગત છે.” આમાં ’સ્વાગતની ભાવના’ કરતા હિન્દુરાષ્ટ્રની ‘કટ્ટરતા’ દેખાતી નથી? જે રાજ્યમાં આ પ્રકારના બોર્ડ વર્ષોથી લાગેલા હોય ત્યાં પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવામાં હિન્દુઓની ખોટી તરફેણ કરતી હશે, તે સમજી શકાય તેમ છે ! શું આ પ્રકારના બોર્ડ બંધારણનું અપમાન કરતાં નથી? બંધારણનું પાયાનું મૂલ્ય છે- ધર્મનિરપેક્ષતા. શું આ બંધારણ ઉપર પ્રહાર નથી? બંધારણમાં જ્યાં સુધી ‘સેક્યુલર-ધર્મનિરપેક્ષતા’ શબ્દ છે; ત્યાં સુધી આ પ્રકારના બોર્ડ મૂકી શકાય ખરાં? ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે, છતાંય આ પ્રકારના બોર્ડ મૂકવા પાછળનો સત્તાપક્ષનો હેતુ બહુમતીના મતો ખંખેરવાની યુક્તિ નથી? આશ્ચર્યની વાત એ છે કે વિધાનસભા/લોકસભાની ચૂંટણી વેળાએ આચારસંહિતા લાગુ હોય ત્યારે પણ આ બોર્ડ લાગેલાં જ રહે છે ! સવાલ એ છે કે બંધારણનું અપમાન કરનારાઓ સામે પગલાં શામાટે લેવાતાં નથી? અગાઉ શહેરોમાં કોમી તોફાનો થતાં હતા, હવે ગામડાં સુધી નફરત પહોંચી છે ! 2002 પછી ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં સાંપ્રદાયિક હિંસા જોવા મળે છે; શું આ ચેતવણી નથી? માની લો કે કોઈ ગામમાં/ શહેર/ કસ્બામાં મુસ્લિમ વસતિ બહુમતીમાં છે; ત્યાં મુસ્લિમો ‘ઈસ્લામિક વિસ્તારમાં આપનું સ્વાગત છે’ એવું બોર્ડ મૂકે તો સરકાર ચલાવી લેશે? શું પોલીસ એવું બોર્ડ મૂકનાર સામે ગુનો દાખલ કરી જેલમાં નહીં પૂરે? જિલ્લાના કલેક્ટર/ SP/પોલીસ કમિશ્નર આ પ્રકારના બોર્ડ દૂર કરાવી શકતા ન હોય તો એનો મતલબ એ થાય છે કે ભલે બંધારણીય મૂલ્યના ધજાગરા ઉડે; પણ તેઓ સત્તાને નારાજ કરવા ઈચ્છતા નથી ! મઝધાર મેં નૈયા ડોલે, તો માંઝી પાર લગાયે; માંઝી જો નાવ ડૂબોયે, ઉસે કૌન બચાયે?
દુ:ખની વાત એ છે કે જે વાત પાંચપિપળા ગામના દલિતોને સમજાય છે તે વાત જિલ્લા કલેક્ટર/ SP/ મ્યુનિસિપલ કમિશ્નર/પોલીસ કમિશ્નર/ રાજ્યના પોલીસ વડા/ મુખ્ય સચિવ/ મુખ્યમંત્રીને સમજાતી નથી ! બંધારણે ભારતને ‘નાગરિકસત્તાક’ બનાવ્યું છે; એનું ગૌરવ હોય કે ચૂંટણી એજેન્ડાનું?rs










