RAMESH SAVANI

Ramesh Savani : અસફળ અર્થવ્યવસ્થાની અસર લોકો પર કેમ થતી નથી? 

મિત્ર ખુશ ખુશ હતો, બોલ્યો : “3 ડીસેમ્બર 2023ના રોજ, તમને સમજાયું હશે ને? અવતારી વડાપ્રધાનની તમે ગમે તેટલી આલોચના કરો પરંતુ લોકો એમને ચાહે છે ! રાજસ્થાન/ છત્તીસગઢમાં એન્ટિ ઈન્કમબન્સી ફેક્ટરનું તમે બહાનું બતાવશો ! પરંતુ મધ્યપ્રદેશમાં સત્તાપક્ષનો ફરી વિજય થયો, એ સૂચવે છે સત્તાપક્ષ જ લોકોનું ભલું કરી શકે તેમ છે ! હવે તમે EVM પર ઠીકરું ક્યારે ફોડવાના છો?”

મેં કહ્યું : “EVM પર રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. જો EVMથી સરકાર બનતી હોય તો રાજસ્થાન/ છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર રીપીટ થઈ હોત ! રાજસ્થાન/ મધ્યપ્રદેશ/ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષનો ભવ્ય વિજય થયો તેના કારણો જુદાં છે !”

મિત્રથી રહેવાયું નહીં : “હા, તમે એ જ કહેવા ઈચ્છો છો કે ‘હાથી સામે સસલું જીતી શકે નહીં ! ચૂંટણીમાં પૈસા જીતે છે !’ ખરું ને?”

મેં કહ્યું : “ દોસ્ત ! ચૂંટણીમાં પૈસા એ મહત્વનું ફેક્ટર છે જ ! પૈસાથી જ ગોદી મીડિયા મેનેજ થાય છે ! અવતારી તરીકેની ઈમેજ ઊભી થાય છે ! આલોચકોનો અવાજ દબાવી શકાય છે ! સત્યને દબાવીને જૂઠને સત્ય તરીકે રજૂ કરી શકાય છે ! લોકોને ભ્રમિત કરી શકાય છે. પરંતુ આ પાસાં કરતાં બીજા પાસાં પણ મહત્વના છે. મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં 135 કરતા વધુ લોકોના જીવ ગયા/ કિસાનો પર ગોળી ચલાવી/ પેપર ફોડી બેરોજગાર યુવાનોની મશ્કરી કરી/ પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશી બન્યા છતાં સત્તાપક્ષ જીતે છે, લોકો વાહવાહી કરે છે એનું કારણ શું? મધ્યપ્રદેશમાં યુવાનો/ કિસાનો/ વેપારીઓ/ સરકારી કર્મચારીઓએ આંદોલન કર્યા છતાં કોઈ ફરક ન પડ્યો, કેમ? નોટબંધીની નિષ્ફળતા/ કાળા નાણા પર નિયંત્રણ મૂકવામાં નિષ્ફળતા/ રુપિયાનું અવમૂલ્યન છતાં ફેર ન પડ્યો, કેમ? GST સામે સુરતમાં વેપારીઓએ જબરજસ્ત વિરોધ કર્યો ત્યાં સત્તાપક્ષનો જ વિજય થયો, કેમ? લોકડાઉનમાં શ્રમિકો હજારો કિલોમીટર ચાલ્યાં છતાં પોતાનું દર્દ પણ ભૂલી ગયાં, કેમ? વડાપ્રધાન સમજે છે કે મતદારો ક્યારેય આર્થિક મુદ્દાઓ ધ્યાને લઈને મત આપતા નથી ! શિક્ષણ/ આરોગ્ય/ રોજગારના મુદ્દે મત આપતા નથી ! ગોદી મીડિયાએ લોકોને એવી રીતે તૈયાર કર્યા છે કે અર્થવ્યવસ્થાની અસફળતાની અસર લોકો પર થતી જ નથી ! સત્તાપક્ષ, એક કોર્પોરેટ કંપનીની જેમ ચાલે છે, તેણે નાગરિકોને ‘મતદાર’માં પલટાવી દીધાં છે. વડાપ્રધાન પોતાનું કામ છોડી લાંબા લાંબા રોડ-શો કરે છે જેથી લોકો ધૂણે છે ! મત આપતી વખતે મોટાભાગના કિસાનો/ મહિલાઓ/ વિદ્યાર્થીઓ/ વેપારીઓ/ બેરોજગારો ધર્મ-જાતિના આધારે મત આપે છે !”

મિત્રએ વાંધો લીધો : “તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો છે, ત્યાંના લોકો શું ધર્મ-જાતિના આધારે કોંગ્રેસને મત આપ્યા હશે?”

મેં કહ્યું : “એની ખબર નથી, પરંતુ કદાચ દક્ષિણ ભારતના લોકો હિન્દી ન્યૂઝ જોતાં નથી, એટલે ‘અવતારીની અમૃતવાણી’ના પ્રભાવથી વંચિત રહી જતાં હશે !”rs

[wptube id="1252022"]
Back to top button