
જૂનાગઢની વિસાવદર બેઠકના APP-આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ગાંડુભાઈ ભાયાણીએ 13 ડીસેમ્બર 2023ના રોજ બપોર પહેલાં ધારાસભ્ય પદેથી તથા પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પર એક વર્ષમાં જ પેટાચૂંટણી યોજવી પડશે.
ભૂપેન્દ્ર ભાયાણીએ કહ્યું છે કે “આમ આદમી પાર્ટી જનતાની સેવા કરવા માટે યોગ્ય પ્લૅટફૉર્મ નહોતું. મેં કોઈ લાભ લીધો નથી. હું સ્વાર્થી માણસ નથી. હું જનતાની સેવા કરવા માગું છું. મારો વિસ્તાર પછાત અને શ્રમિકોનો વિસ્તાર છે.”
થોડાં પ્રશ્નો : [1] પક્ષપલટુઓ, હંમેશા વિપક્ષમાંથી સત્તાપક્ષમાં શામાટે જોડાય છે? શું પોતાના પક્ષમાં રહે તો લોકોની સેવા ન થઈ શકે? શું સત્તાપક્ષ, તેમના હાથ અને મગજ બાંધી રાખતો હશે? શું સત્તાપક્ષ વિપક્ષના ધારાસભ્ય સ્વતંત્ર શ્વાસ ન લઈ શકે તેવું વાતાવરણ સર્જતો હશે? [2] શું સેવા માટે ‘યોગ્ય પ્લેટફોર્મ’ સત્તાપક્ષ જ છે? સેવા કરવા ‘યોગ્ય પ્લેટફોર્મ’ સત્તાપક્ષ જ હોય તો બીજા પક્ષો પર પ્રતિબંધ મૂકવાની જરુર નથી? શું ‘યોગ્ય પ્લેટફોર્મ’ વિના લોકોની સેવા ન કરી શકે તેવી માયકાંગલી વ્યક્તિને ધારાસભ્ય તરીકે ચૂંટવી જોઈએ? હવે આવી માયકાંગલી વ્યક્તિ સત્તાપક્ષમાં જોડાઈને ‘સુપરમેન’ ‘દિવ્ય પુરુષ’ બની જશે? [3] વિસાવદરની બેઠકની પેટાચૂંટણી થશે તેનો ખર્ચ લોકોએ ટેક્સ આપીને ભોગવવો પડશે, આ માટે પક્ષાંતર કરાવનાર સત્તાપક્ષ જવાબદાર કહેવાય કે નહીં? સત્તાપક્ષ પાસે 182માંથી 156 ધારાસભ્યો છે, છતાં ભૂપેન્દ્ર ભાયાણીને પોતાના પક્ષમાં જોડીને સત્તાપક્ષ કઈ રીતે લોકોની સેવા કરશે? [4] સત્તાપક્ષમાં જોડાઈને ‘જનતાની સેવા’ કરવી છે કે ‘સ્વસેવા’ કરવી છે? ‘જનતાની સેવા’ કરવા પક્ષપલટો કરવો પડે? પક્ષપલટુઓ લોકોને મૂરખ સમજતા હશે? શું લોકોએ આવા પક્ષપલટુઓની બરાબર ‘સેવા’ કરવાની જરુર નથી? પોતાના પક્ષને, પોતાને મત આપનાર લોકોને વફાદાર ન રહ્યો હોય તે ગદ્દાર બની હવે લોકોની કેવી સેવા કરશે? [5] લોકશાહી બચાવવી હોય/ મતદારોના કિંમતી મતનું રક્ષણ કરવું હોય તો વિપક્ષમાંથી સત્તાપક્ષમાં જોડાનાર ચૂંટાયેલ ધારાસભ્ય/ સંસદસભ્ય આજીવન ચૂંટણી લડી ન શકે તેવી કાયદામાં જોગવાઈ કરવી જોઈએ. પરંતુ સત્તાપક્ષ પોતાના પગ પર કુહાડો મારે? [6] મતદારોના ‘કિંમતી વોટ’ વિશે મોટી મોટી વાતો કરનારા પક્ષપલટુનું સ્વાગત કરતાં શરમાતાં નહીં હોય? [7] આમ આદમીના નેતા ગોપાલ ઈટાળિયાએ 13 ડીસેમ્બર 2023ના રોજ કહેલ છે કે ‘તમે લલ્લુ-પંજુને લલચાવી ભટકાવીને લઈ જઈ શકશો, પણ મને નહીં !’ સુરતના APPના અનેક કોર્પોરેટર સત્તાપક્ષમાં જોડાઈ ગયા, હવે APPના ધારાસભ્ય સત્તાપક્ષમાં જોડાઈ ગયા; જો તેઓ લલ્લુ-પંજુ હતા તો તેમને આમ આદમી પાર્ટીએ ટિકિટ શામાટે આપી હતી? [8] સત્તા મધપૂડો છે, માખીઓ ગુરુત્વાકર્ષણ બળે ખેંચાઈને દોડી આવે છે ! સત્તાપક્ષ છોડીને વિપક્ષમાં જોડાય તેવી વ્યક્તિઓ કેમ જોવા મળતી નથી? સૌને સત્તાપક્ષમાં જ કેમ જોડાવું છે? હાર્દિક પટેલ/ અલ્પેશ ઠાકોર/ જવાહર ચાવડા/ ભાવેશ કટારા/ ભગાભાઈ બારડ/ અશ્વિન કોટવાલ/ હર્ષદ રિબડીયા/ કુંવરજી બાવળિયા/ બળવંતસિંહ રાજપુત/ મણિભાઈ વાઘેલા/ પદ્મુમનસિંહ જાડેજા/ કનુ પટેલ/ જયેશ રાદડિયા/ રાઘવજી પટેલ/ યોગેન્દ્ર પરમાર/ જે વી કાકડિયા/ માનસિંહ ચૌહાણ/ સી કે રાઉલજી/ અક્ષય પટેલ/ કુંવરજી હળપતિ/ જીત ચૌધરી/ અરૂણસિંહ રાણા/ પંકજ દેસાઈ/ બ્રિજેશ મેરજા/ હકુભા જાડેજા/ ધવલસિંહ ઝાલા/ પરસોત્તમ સાબરિયા…આ બધાં પક્ષપલટુઓએ, સત્તાપક્ષમાં જોડાઈને લોકોની સેવા ન કરી હોત તો ગુજરાતનો વિકાસ અટકી ગયો હોત? સતાપક્ષમાંથી વિપક્ષમાં ગયેલા કનુભાઈ કલસરિયાએ લોકોની સેવામાં જાત ઘસી નાખી છે, જ્યારે વિપક્ષમાંથી સત્તાપક્ષમાં ગયેલાં લાલચુઓએ સ્વવિકાસ જબરજસ્ત કર્યો છે ! આ ફરક લોકોને નહીં દેખાતો હોય?rs

[wptube id="1252022"]





