RAMESH SAVANI
Ramesh Savani : સત્તાપક્ષના નેતાઓ, તમારા બાળકોને ધર્મ/ સંસ્કૃતિ માટે શહીદ થવા હાંકલ કરે છે પણ ચેતજો !

સરકારે પાદરા તાલુકાના મોભા/ ઉમરાયા/ આમળા/ ડભાસા/ અંબાળા/ ચાણસદ ખાતેના કુલ-6 મંદિરોના વિકાસ માટે 1 કરોડ 19 લાખ રુપિયાની ફાળવણી કરી છે. તે માટે પાદરાના સત્તાપક્ષના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ 6 નવેમ્બર 2023ના રોજ, સરકારનો તથા મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.
ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર કરો તેની સામે વાંધો નથી. સરકારને જો એમ લાગતું હોય કે ધાર્મિક સ્થળોના જીર્ણોદ્ધાર થકી સમાજમાં નૈતિકતા વધતી હોય, અને જેલો મોટી બનાવવાની જરુર પડે તેમ ન હોય, તો ભલે સરકાર આગળ વધે !
સવાલ એ છે કે શું સત્તાપક્ષ/ સરકાર આવા કોઈ ઉદ્દેશથી ધાર્મિક સ્થળોનો વિકાસ કરે છે? કે શ્રદ્ધાળુ લોકોના મત પ્રાપ્ત કરવા આ ખેલ કરે છે? મોંઘવારી/ બેરોજગારી/ મોંઘા શિક્ષણ અને મોંઘી આરોગ્ય સવલતો/ સામૂહિક આત્મહત્યાઓ અંગે લોકો પ્રશ્નો ન કરે તે માટે તેમને ધાર્મિક ડોઝ આપવામાં આવે છે? નાગરિક-ચેતના હણવા જ આવા ડોઝ આપવામાં આવે છે?
એક તરફ સત્તાપક્ષ ધાર્મિક સ્થળોમાં અતિ ખર્ચ કરે છે; બીજી તરફ ગુજરાતમાં 36000 શિક્ષકોની ઘટ છે. કાયમી શિક્ષકોની ભરતી થતી નથી. સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. પ્રાથમિક શાળાના ઓરડાની સ્થિતિ પાંજરાપોળ જેવી છે. પાણી તથા ટોઈલેટની વ્યવસ્થા નથી. ચોમાસામાં નદીઓમાં પાણી આવતા બાળકો તરીને શાળાએ જાય છે. મૂંઝવતો પ્રશ્ન એ છે કે મંદિરોના જીર્ણોદ્ધાર પછી ગામના દલિતો તેમાં પ્રવેશ કરી શકશે?
સત્તાપક્ષ લોકોને મૂરખ બનાવવા ધર્મનો ડોઝ આપ્યા રાખે છે. મુસ્લિમો ખતરનાક છે અને તેમનાથી હિન્દુઓને ગોડસેવાદીઓ જ બચાવી શકે તેમ છે; તેવી ધારણા ઊભી કરી સત્તાપક્ષ બેરોજગાર અને મોંઘવારીમાં પીસાતા લોકોના મતો ખંખેરી લે છે ! ધાર્મિક સ્થળોના વિકાસથી રાજ્યનો/ દેશનો વિકાસ ન થાય; આ સમજ સત્તાપક્ષમાં છે જ; પરંતુ સત્તાપક્ષના ભગતોમાં આ સમજ ઊગી શકવાની કોઈ શક્યતા સત્તાપક્ષે રહેવા દીધી નથી ! સત્તાપક્ષે પોતાના ભક્તોને રોબોટમાં ફેરવી નાખ્યાં છે. એમને 500 રુપિયાનું લિટર પેટ્રોલ પોસાય તેમ છે ! ભૂખમરો પોસાય તેમ છે. વડાપ્રધાનના આગમન ટાણે ગરીબોને સફેદ કાપડની દીવાલ પાછળ છૂપાવવામાં આવે છે, ભક્તો તેને વિકાસ માને છે !
ધાર્મિક નશો ભયજનક છે. લોકોને ધાર્મિક મુદ્દાઓમાં સતત ગૂંચવનારાઓને ઓળખો. સત્તાપક્ષના નેતાઓ, તમારા બાળકોને ધર્મ/ સંસ્કૃતિ માટે શહીદ થવા હાંકલ કરે છે; પરંતુ પોતાના બાળકોને વિદેશમાં સાયન્સ ટેકનોલોજીનો અભ્યાસ કરાવી રહ્યા છે ! ચેતો ! આંખો ખોલો !rs

[wptube id="1252022"]





