
લોકાશાહીમાં મીડિયા ગોદી બની જાય/ એક્ટિવિસ્ટ સામે ખોટા કેસ કરી જેલમાં પૂરવામાં આવે/ સ્વતંત્ર સોશિયલ મીડિયા પર ED ત્રાટકે ! આ બધું લોકતંત્ર માટે શરમજનક છે.
સંસદના શિયાળુ સત્રમાં 18 ડીસેમ્બર 2023 સુધીમાં 92 સંસદસભ્યો સસ્પેન્ડ હતા. 19 ડીસેમ્બર 2023ના રોજ 49 સંસદસભ્યોને સસ્પેન્ડ કર્યા. કુલ-141 વિપક્ષના સંસદસભ્યોને સંસદમાંથી તડિપાર કરી દીધાં ! તેમાં 95 લોકસભાના અને 46 રાજ્યસભાના સભ્યો છે. હવે તેઓ આખા શિયાળુ સત્રમાં ભાગ લઈ શકશે નહીં. આમાં લોકશાહીની અનુભૂતિ કઈ રીતે થાય? સત્તાપક્ષના જે MPના પાસ દ્વારા બે યુવકો સંસદમાં સ્મોક કેન લઈને ઘૂસ્યા તેની સામે કોઈ કાર્યવાહી ન કરી; સત્તાપક્ષના MPએ વિપક્ષના MPને અપમાનજનક ગાળો આપી તેની સામે કોઈ કાર્યવાહી ન કરી; પરંતુ સંસદમાં બે યુવકો સ્મોક કેન લઈ શામાટે/ કઈ રીતે ઘૂસ્યા તેની ચર્ચાની માંગણી વિપક્ષના સંસદસભ્યોએ કરી તો મહા પાપ કર્યું હોય તે રીતે સંસદમાંથી તડિપાર કરી દીધાં ! જો વિપક્ષના સંસદસભ્યોને સત્તાપક્ષની આરતી/ સ્તુતિ જ કરવાની હોય તો ચૂંટણીનો અબજો રુપિયાનો ખર્ચ શામાટે કરો છો?
પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ સતિષ આચાર્યે અફલાતૂન કાર્ટૂન દોર્યું છે. જ્યારે વડાપ્રધાને 2014માં પ્રથમ વખત સંસદમાં પ્રવેશ કર્યો ત્યારે જૂના સંસદ ભવનના પ્રવેશદ્વારના પગથિયે પ્રણામ કર્યા હતા ! લોકશાહીના મંદિરને વંદન કરતાં એ વડાપ્રધાન 2023માં નવા સંસદ ભવનમાંથી 141 વિપક્ષના સંસદસભ્યોને સસ્પેન્ડ કરાવી શકે છે ! નવું સંસદભવન હવે વડાપ્રધાનને પ્રણામ કરીને કહે છે : ‘Please don’t suspend me-મહેરબાની કરી, મને સસ્પેન્ડ ન કરતા !’ ધારદાર વ્યંગ અને વાસ્તવિકતા ! જો સંસદ લોકશાહીનું મંદિર હોય તો તેનો પૂજારી આપખુદ હોઈ શકે? સત્તાપક્ષ પાસે પ્રચંડ બહુમતી છે, છતાં વિપક્ષનો અવાજ પ્રત્યે આટલો અસહિષ્ણુ કેમ હશે? શું સત્તાપક્ષ સંસદને પોતાની ‘વન-વે ચિંતન શિબિર’ માનતો હશે? વડાપ્રધાન અને ગૃહમંત્રી દેશભરમાં ફરી રહ્યા છે, પણ સંસદમાં આવતા નથી, સાંભળતા નથી, માત્ર પગથિયે પ્રણામ કરવાનો દેખાડો કરે છે ! વિપક્ષી સાંસદોને ડરાવી લોકતંત્ર ખતમ કરવા ઈચ્છે છે ! સૌથી તીખી ટિપ્પણી પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાએ ‘x’ પર આપી છે : ‘અત્યાર સુધી 141 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. હવે અદાણીના શેરહોલ્ડરોની વાર્ષિક મીટિંગ લોકસભાની ચેમ્બરમાં થશે !’ વડાપ્રધાન માત્ર કોંગ્રેસમુક્ત/ વિપક્ષમુક્ત ભારત નથી ઈચ્છતા; સ્તુતિયુક્ત ભારત ઈચ્છે છે !rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

[wptube id="1252022"]