
17 મે 2024ના રોજ હોમ થીએટરમાં OTT- over the top પર સોશિયલ કોમેડી ફિલ્મ ‘લાપતા લેડિઝ’ જોઈ. આ ફિલ્મ 1 માર્ચ 2024ના રોજ રીલીઝ થઈ હતી. દિગ્દર્શક છે કિરણ રાવ. કલાકારો છે સ્પર્શ શ્રીવાસ્તવ/ પ્રતિભા રાંટા/ નિતાંશી ગોયલ. પોલીસ ઈન્સ્પેક્ટર શ્યામ મનોહર (રવિ કિશન)ની ભૂમિકા પોલીસતંત્રનો તાદ્રશ્ય ચિતાર આપે છે. ફિલ્મની વાર્તા ઝીણવટપૂર્વક સ્નેહા દેસાઈએ લખી છે. તેમણે ગામડાઓની મહિલાઓની સ્થિતિને બરાબર વ્યક્ત કરી છે. મહિલા સશક્તિકરણનો મુદ્દો અગાઉ અસ્તિત્વ (2000)/ મિર્ચ મસાલા (1987)/ બેન્ડિટ ક્વીન (1984)/કહાની (2012)/ ઈંગ્લિશ વિંગ્લિશ (2012) ચાંદની બાર (2001)/ મેરી કોમ (2014)/ અર્થ (1982)/ મૃત્યુદંડ (1997)/ લજ્જા (2001) વગેરે ફિલ્મમાં રજૂ થયો હતો.
ફિલ્મની કથામાં દમ હોય, માવજત બરાબર કરી હોય તો અજાણ્યા અને નવા કલાકારો હોય તો પણ ફિલ્મ જોવી ગમે. શું છે વાર્તા? ફૂલ કુમારી (નિતાંશી ગોયલ)ની શાદી પછી વિદાયના દ્રશ્યથી ફિલ્મ શરુ થાય છે. તેના લગ્ન દીપક (સ્પર્શ શ્રીવાસ્તવ) સાથે થયા છે. ફૂલ કુમારી સાસરે જવા ટ્રેનમાં બેસે છે. ટ્રેનમાં લગ્ન કરેલ બીજી જોડીઓ પણ હોય છે. નવવધૂઓ ઘૂંઘટમાં છે. લાલ ચૂંદડીમાં છે. શાદીમાં કેટલું દહેજ મળ્યું તેની ચર્ચા થાય છે. કથા સાલ 2001ની છે. એટલે ખૂલી રીતે દહેજની વાત કરતા હતા, 2024માં તો દહેજની જગ્યાએ ‘ગિફ્ટ’નું નામ આપી દીધું હોત ! દીપકે કોઈ દહેજ લીધું ન હતુ એટલે સૌ તેને શંકાની નજરે જૂએ છે ! કંઈક ખામી હશે એટલે દહેજ જતું કર્યું હશે ! રાત્રે દીપક સ્થાનિક સ્ટેશન મૂર્તિ પર ભૂલથી બીજી દુલ્હનનો હાથ પકડી ઉતરી જાય છે. તેની જાણ દીપકને ઘેર પહોંચતા થાય છે. જે છોકરીને દીપક પોતાની સાથે લાવેલ તે પોતાનું નામ પુષ્પા રાની (પ્રતિભા રાંટા) બતાવે છે. દીપક પોતાની પત્ની ફૂલ કુમારીને શોધવા પ્રયત્નો શરુ કરે છે. અને પુષ્પા રાની દીપકના ઘેર પતિથી દૂર રહે છે. પુષ્પા રાની શામાટે પોતાના પતિને શોધતી નથી, તે જાણવા ફિલ્મ જોવી પડે !
આ ફિલ્મ મનોરંજન સાથે મેસેજ પણ આપે છે. ક્યા ક્યા મુદ્દાઓને સ્પર્શ કરે છે આ ફિલ્મ? [1] ગ્રામ્ય વિસ્તારમાં પતિનું નામ લેવું એ પણ મોટી વાત છે ! મહિલાઓને પોતાના પતિનું નામ લેતા રોકવામાં આવે છે ! [2] મહિલાઓને જરુરી વાત કહેવામાં આવતી નથી ! ફૂલને એ પણ ખબર હોતી નથી કે તેનું સાસરું ક્યા ગામમાં છે? ટી સ્ટોલ ચલાવતી મંજુ માઈ ફૂલને આશરો આપે છે. ફૂલ કહે છે કે ‘મને ઘરનું બધુ કામ આવડે છે !’ ત્યારે મંજુ માઈ કહે છે, ‘શું તને ઘર જતા આવડે છે?’ [3] મહિલાઓની પસંદગીનું કોઈ મહત્ત્વ નહીં. જયા (બદલાઈ ગયેલી દુલ્હન) ભોજનને વખાણે છે. ત્યારે ફૂની સાસુ કહે છે કે ભોજનના કોઈ વખાણ કરે? મહિલાઓની પસંદગી મુજબનું ભોજન ઘરમાં બનતું હોતું નથી. ઘર સંભાળવામાં મહિલાઓ પણ એ ભૂલી જાય છે કે પેતાની પસંદગી શું છે? [4] ઘૂંઘટની આડમાં મહિલાઓની ઓળખ ખોવાઈ જાય છે. દીપકને ફૂલની શોધખોળ મુશ્કેલી પડે છે કેમકે તેની પાસે જે ફેટો છે તેમાં ફૂલ ઘૂંઘટમાં છે ! ઘૂંઘટના કારણે જ ફૂલ અને જયાની અદલાબદલી થઈ જાય છે. સંવાદ છે : ‘મુંહ ઢક દેના, મતલબ પહચાન ઢક દેના !’ [5] મહિલાઓ જ્ઞાનની કોઈ વાત કરે તો હળવી રીતે જોવાય છે. પાકમાં જીવાંત લાગી હોવાથી જંતુનાશક દવાનો છંટકાવ કરવાની વાત થતી હતી ત્યારે જયા જીવાંત દૂર કરવાની રીત બતાવે છે. ત્યારે બધાને વવાઈ લાગે છે કે કોઈ મહિલાને આ બધી કઈ રીતે ખબર હોય? [6] દુખી રહેવા કરતા એકલા રહેવું ! મંજૂ માઈના પતિ અને પુત્ર તેમને ટોર્ચર કરતા હતા એટલે મંજુ માઈ આત્મનિર્ભર બની. મંજુ માઈ ફૂલને સમજાવે છે : ‘એકલા રહેવું એ પણ કળા છે જે ખુશીનું કારણ બની શકે !’ [7] ફૂલ સ્ટેશન માસ્ટરની સામે પતિનું નામ લેવાને બદલે મેહંદી વાળો હાથ બતાવે છે ! મંજુ માઈ ફૂલને કહે છે : ‘પતિને ત્યારે મદદ કરી શકીશ જ્યારે પતિનું નામ લેવાનું શરુ કરીશ !’ [8] પ્રેમના કારણે મહિલા પર હાથ ઉપાડવો તે ખોટું ! મંજુ માઈ ફૂલને કહે છે : ‘આપણી કમાઈ ખાઈને આપણને જ મારે ! ઉપરથી કહે કે જે પ્રેમ કરે એને મારવાનો હક હોય છે ! એક દિવસ મે પણ હક બતાવી દીધો અને જુદી થઈ ગઈ !’ [9] ‘સારા ઘરની છોકરી’ના નામે ફ્રોડ થાય છે ! મંજુ માઈ કહે છે : આ દેશમાં છોકરીઓ સાથે હજારો વરસથી એક ફ્રોડ થઈ રહેલ છે, તેનું નામ છે ‘સારા ઘરની બહુ-બેટી !’ [10] મહિલાઓને પુરુષોની જરુર નથી હોતી ! આત્મનિર્ભર મહિલા પુરુષોની દુનિયામાં જીવતી નથી. ફૂલ મંજુ માઈને પૂછે છે : ‘છોકરીઓને પોતાના પગ પર ઊભી રહેતા આપણે કેમ શીખવતા નથી?’ તિયારે મંજુ માઈ કહે છે : ‘મહિલાઓને સશક્ત બનાવવામાં આપણો સમાજ ડરે છે !’
કથા સરળ છે. મહિલાઓની આત્મનિર્ભરતા/ શિક્ષણ/ જૈવિક ખેતી જેવા મુદ્દાઓ સાથે તેની દિશા અને મનોદશાને કથામાં સરસ રીતે વણી લીધી છે. છતાં ફિલ્મ ઉપદેશાત્મક લાગતી નથી ! પોલીસનો જેમને અનુભવ નથી, તેમણે ઈન્સ્પેકટર શ્યામ મનોહર (રવિ કિશન)ની ભૂમિકા જોવી જોઈએ. તે ભ્રષ્ટ અને લાલચી છે પણ ચરિત્રહીન નથી. ઈન્સ્પેકટર શ્યામ મનોહર પુષ્પા રાની એટલે કે જયાને તેમના દાગીના પરત આપીને કહે છે ‘ભણજે ! આગળ વધજે !’ ત્યારે પુષ્પા રાની પણ પેતાના ગળામાંથી મંગળસૂત્ર કાઢીને ઈન્સ્પેક્ટરને આપે છે અને મંગળસૂત્ર ઈન્સ્પેકટર લઈ પણ લે છે ! પુષ્પા રાની શા માટે પોલીસ ઈન્સ્પેકટરને પોતાનું મંગળસૂત્ર આપી દે છે, તે જાણવા ફિલ્મ જોવી પડે !rs

[wptube id="1252022"]





