RAMESH SAVANI

એક તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સત્તાપક્ષના MLA/ MP/ મિનિસ્ટર/ સરકાર અને બીજી તરફ માત્ર એક એક્ટિવિસ્ટ !

સુરતના એક્ટિવિસ્ટ/ એડવોકેટ મેહુલ બોઘરાએ 25 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 11.45 વાગ્યે, પોલીસ કર્મચારી કાળા કાચ વાળી નંબર વગરની ખાનગી કાર ફેરવે અને તેમાં પોલીસનું પાટિયું રાખે તેની સામે વિરોધ વ્યક્ત કરવા સ્થળ પરથી જ ફેસબૂક લાઈવ કરેલ. જેથી વાલજી હડિયા અને બીજા પોલીસ કર્મચારીઓએ મેહુલ બોઘરા પર હુમલો કરેલ. જે વીડિયો ખૂબ વાયરલ થયેલ. મેહુલ બોઘરાએ આ અંગે પુણા પોલીસ સ્ટેશનમાં 15.45 વાગ્યે 4 અજાણ્યા ઈસમો સામે IPC કલમ- 114 (ગુના સમયે સામેલગીરી)/ 143 (ગેરકાયદે મંડળી)/ 294(b) (જાહેરમાં ગાળાગાળી) /379(b) (આંચકી લેવું)/ 204 (પુરાવાનો નાશ)/ 323 (ઈજા કરવી)/ 324 (ભયંકર હથિયારથી ઈજા કરવી)/ 504 (સુલેહભંગ કરવા અપમાન)/ 506 (ગુનાહિત ધમકી)/ 120B (કાવતરું) હેઠળ FIR નોંધાવી. આ કેસની તપાસ PI એમ. સી. નાયક કરે છે
પોલીસે પણ 40 મિનિટ બાદ મેહુલ બોઘરા અને બીજા એક સામે IPC કલમ-143 (ગેરકાયદેસર મંડળી)/ 147 (હુલ્લડ)/ 149 (હુલ્લડ માટે દરેકની જવાબદારી)/ 323 (ઈજા)/ 186 (ફરજમાં અડચણ)/ 332 (ફરજ બજાવતા વ્યથા કરવી)/ 500 (બદનક્ષી)/ 506(2) (જાનથી મારી નાખવાની ધમકી) તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 હેઠળ FIR નોંધી. સરકાર તરફે ફરિયાદી છે ટ્રાફિક શાખાના લોકરક્ષક ભલાભાઈ દેસાઈ. આ લોકરક્ષક પોતાની ફરિયાદમાં જણાવે છે કે “અમારા ફરજના સ્થળે, અમારી મંજૂરી વિના આરોપીએ વીડિયો ઊતારી, અમોને અપમાનિત કરેલ. લોકોના ટોળાને ઉશ્કેરી, ગેરકાયદે મંડળી રચી, સમાન ઉદ્દેશ પાર પાડવા, પથ્થર વડે માર મારી, શરીરે ઈજા પહોંચાડી, જાનથી મારી નાંખવાની ધમકી આપેલ. પ્રથમ પોલીસ અધિકારીનો સંપર્ક ન કરી, પોતાની ખોટી પ્રસિદ્ધ માટે વીડિયો ઊતારી, પોતાના સ્વાર્થ ખાતર, પોલીસ ખાતાને અવારનવાર બદનામ કરી, પોતાના ફોલોઅર્સ વધારવા ફેસબૂકમાં વાયરલ કરી, અમોને તથા અમારા પરિવારને માનસિક ઈજા પહોંચાડી ગુનો કરેલ છે !” આ કેસની તપાસ PSI ટી. આર. પાટીલ કરે છે.
થોડાં પ્રશ્નો : [1] એક ઘટના અંગે સામસામી ફરિયાદને, ક્રોસ ફરિયાદ કહેવાય છે. આ કિસ્સામાં સરકાર વતી લોકરક્ષકે FIR નોંધાવી છે. પોલીસ ખોટું કરે/ જે નિયમોના પાલન માટે નાગરિકોને દંડ કરે તે નિયમોનો ખુદ પોલીસ ભંગ કરે તેની સામે અવાજ ઊઠાવનાર સામે સત્તાનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરી છે. આ પ્રકારની ફરિયાદ હાઈકોર્ટ રદ કરી શકે છે. વાલજી હડિયાએ જે ખરાબ/ દાદાગીરીવાળું વર્તન કરેલ તે સુરત શહેરના સુપરવાઈઝરી પોલીસ અધિકારીઓને ઉચિત લાગતું હશે? કે સિનિયર અધિકારીઓની સૂચનાથી જ એક્ટિવિસ્ટ સામે ખોટી ફરિયાદ થઈ હશે? [2] ફરિયાદી લોકરક્ષક કહે છે તે મુજબ ફરજના સ્થળે/ વીડિયો ઊતારતા પહેલા પૂર્વમંજૂરી લેવી પડે, તો આ માટે કોઈ કાયદામાં/ નિયમોમાં/ પોલીસ મેન્યુઅલમાં જોગવાઈ છે? જો હોય તો તેનો આધાર પોતાની ફરિયાદમાં કેમ લખેલ નથી? [3] કોઈ વીડિયો ઊતારે તેથી પોલીસનું અપમાન થઈ જાય? પોલીસ એવું ક્યું કામ કરે છે કે તેને સંતાડવું પડે? કોઈ કહે છે કે બાતમીદાર માટે કાળા કાચવાળી ગાડી રાખવી પડે, તો પોલીસનું પાટિયું કેમ? નંબર પ્લેટ કેમ નહીં? બાતમીદાર માટેની ખાનગી કારને નંબર પ્લેટ નહીં લગાડવાની કાયદામાં જોગવાઈ છે? [4] જ્યારે ક્રોસ ફરિયાદ હોય તો બન્ને ગુનાની તપાસ, એક તપાસ અધિકારી કરે તે જરુરી છે. એક કેસની તપાસ PI કરે, બીજા કેસની તપાસ PSI કરે, તેવું કઈ રીતે બને? વળી જે કેસમાં આરોપી પોલીસ કર્મચારી હોય તે કેસ DySP/ACPના વિઝિટેશનનો બને, શું આ બાબત ACPના ધ્યાને નહીં આવી હોય? [5] વાલજી હડીયાએ જાહેર રોડ પર ખોટો રોફ જમાવ્યો એટલે લોકોના ટોળા એકત્ર થયેલ, તે માટે એક્ટિવિસ્ટને ગેરકાયદે મંડળી માટે જવાબદાર ઠેરવી શકાય? જો પોલીસનું વર્તન શોભાસ્પદ હોત તો આ ઘટના બની હોત? [6] મેહુલ બોઘરાએ સ્થળ પરથી પોલીસ કન્ટ્રોલને/ ટ્રાફિક કંન્ટ્રોલને/ DCPને ફોન કરેલ પરંતુ કોઈએ ફોન ઉપાડેલ નહીં. આ સ્થિતિ હોય ત્યાં ‘પ્રથમ પોલીસ અધિકારીનો સંપર્ક ન કરી, પોતાની ખોટી પ્રસિદ્ધ માટે વીડિયો ઊતાર્યો’ તેવો આરોપ મૂકવાનો કોઈ અર્થ ખરો? [7] પોલીસની માનસિકતા કેમેરા વાળા મોબાઈલ ફોન પહેલાં હતી તેવી જ રહી છે, હવે પોલીસનું ગેરવર્તન આખી દુનિયા જોઈ શકે છે. શું સિનિયર પોલીસ અધિકારીઓ તાબાના પોલીસને એલર્ટ રહેવા માર્ગદર્શન આપતા નહીં હોય? વીડિયો બંધ કરાવવાથી પોલીસની ઈમેજ સુધરે કે પોલીસના સારા વર્તનથી? [8] કોઈ પણ વ્યક્તિ કાયદાની મર્યાદામાં રહીને, પોતાની પ્રસિદ્ધિ માટે વીડિયો બનાવે તો તેમાં વાંધો શામાટે લેવો જોઈએ? જો મેહુલ બોઘરા અવારનવાર પોલીસ ખાતાને ખોટી રીતે બદનામ કરી પોતાના ફોલોઅર્સ વધારતા હોય તો તેમની સામે જે તે વખતે કાયદેસર કાર્યવાહી કેમ ન કરી? શું પોલીસના રોડ પરના ઊઘરાણા ખૂલ્લા પાડે/ નિયમો વિરુદ્ધના વર્તનનો પર્દાફાશ કરે, તેને પોલીસ ખાતાની બદનામી કહી શકાય કે નાગરિક ધર્મ? પોલીસનું કરપ્શન ઢંકાયેલું રહે તો પોલીસ ખાતું બદનામીથી બચી જાય, આ વિચાર જ કેટલો અન્યાયી છે? [9] મેહુલ બોઘરાએ વીડિયો વાયરલ કરેલ તેથી ફરિયાદી લોકરક્ષકને તથા તેના પરિવારને કઈ રીતે માનસિક ઈજા પહોંચે? શું વાલજી હડીયાએ જે પ્રકારનું વર્તન કરેલ તેનાથી ફરિયાદી લોકરક્ષકને માનસિક શાંતિ પહોંચતી હશે? સિનિયર પોલીસ અધિકારીઓએ લોકરક્ષકને ફરિયાદી બનાવેલ છે, તેનો મૂળ હેતુ વાલજી હડિયાને છાવરવાનો નથી?
સૌથી મોટો સવાલ એ છે કે સરકાર/ રાજ્યના પોલીસ વડા શું આ લોકરક્ષકની ફરિયાદનું સમર્થન કરે છે? શું નાગરિકોને પોલીસના દાદાગીરીવાળા વર્તન સામે અવાજ ઊઠાવવાનો અધિકાર નથી? શું સરકાર અને રાજ્યના પોલીસ વડા ફરી આવી સ્થિતિ નિર્માણ ન થાય તે માટે પગલાં લેશે? ફરી કોઈ વાલજી હડિયા ઊભા ન થાય તે માટે સખ્ત શિક્ષાત્મક કાર્યવાહી કરશે? શું નાગરિકોને ભોગ બનતાં અટકાવશે? મેહુલ બોઘરાને પાઠ ભણાવવા તેમની સામે ખોટી ફરિયાદ એ ગુજરાતના એક્ટિવિસ્ટસને ડરાવવાની ખોટી તરકીબ નથી? એક તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સત્તાપક્ષના MLA/ MP/ મિનિસ્ટર/ સરકાર અને બીજી તરફ માત્ર એક એક્ટિવિસ્ટ ! ચૂંટાયેલા MLA/ MP/ પદ્મશ્રીઓ દેખીતી અન્યાય સામે કેમ ચૂપ રહી શકતા હશે? શું જાગૃત નાગરિક સંસ્થાઓ આ લોકરક્ષકની ખોટી ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટ સમક્ષ જશે?rs

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button