RAMESH SAVANI

ગમે તેટલા મોત થાય તંત્રને કંઈ ફરક પડતો નથી !

રાજકોટમાં નાના મવા રોડ પર ‘TRP ગેમ ઝોન’માં 25 મે 2024ના રોજ, ભીષણ આગમાં 24 લોકો ભોગ બન્યા છે. મૃત્યુ આંક 45થી વધુ થઈ શકે છે. તેમાં મોટાભાગના ભૂલકાઓ છે. અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરાશે.
TRP ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને માનવિજયસિંહ સોલંકી છે, પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજસિંહની ધરપકડ કરી છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ કરતા હતા. મેનેજર નિતિન જૈન હતો. TRP ગેમ ઝોનનો 30થી 40 લોકોનો સંપૂર્ણ સ્ટાફ ફરાર થઈ ગયો છે.
રાજ્ય સરકારે મૃતક પરિવારોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટના અંગે IGP સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ/ વડાપ્રધાન/ વિપક્ષના નેતાઓ/ ગુજરાતના મુખ્યમંત્રીએ સંવેદનાઓ વ્યક્ત કરી છે. સત્તાપક્ષે કહ્યું છે કે આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે !
થોડાં મુદ્દાઓ : [1] ગમે તેટલાં લોકો મરે પણ સરકારને/ તંત્રને ફરક પડે છે ખરો? સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં મોત- 22/ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોત-135/ વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં મોત-22/ અમદાવાદ કાંકરિયા રાઈડ દુર્ઘટના મોત-2/ ભરુચ સિવિલ અગ્નિકાંડમાં મોત -18/ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ અગ્નિકાંડમાં મોક- 8/ ઉદય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોત-6 ભાવનગર રંઘોળા દુર્ઘટનામાં મોત-36; છતાં તંત્ર જાગ્યું? તંત્રનો વાંક હતો; છતાં તંત્રને છાવરનાર સરકાર હતીને? તંત્રએ જવાબદારી શામાટે ખંખેરી નાંખી? દરેક વખતે ‘જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે’ના હાંકોટા પાડવામાં આવે છે. તપાસના કડક આદેશ અપાય છે, પણ પરિણામ સાવ ઢીલુંઢફ ! [2] દર વખતે સરકાર મૃતક પરિવારોને 4 લાખની સહાય તરત જ જાહેર કરે છે; તે સંવેદના માટે નહીં, પરંતુ પોતાની જવાબદારી ખંખેરી નાખવા ! ‘સરકાર સંવેદનશીલ છે’ તેવું કહેનાર મુખ્યમંત્રી લોકોને મૂરખ બનાવે છે ! [3] આ દરેક દુર્ઘટનામાં એક કોમન બાબત શું છે? તંત્રનો ભ્રષ્ટાચાર ! લાખો રુપિયાની લાંચ લઈને તંત્ર આંખ આડા કાન કરે છે ! નિયમોનું પાલન નહીં. લોકોનાં જીવને જોખમમાં મૂકે તેવી આર્થિક પ્રવૃત્તિઓ ચલાવવાનું લાયસન્સ શામાટે અપાય છે? જ્યાં સુધી તંત્રનો ભ્રષ્ટાચાર શરુ રહેશે ત્યાં સુધી અગ્નિમાં લોકો હોમાતા રહેશે ! [4] સરકાર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરે છે પણ તેના અહેવાલનો અમલ કરતી નથી કે અહેવાલ લોકોના વિમર્શ માટે પ્રસિદ્ધ કરાતો નથી. આવી SITની રચના તો લોકોનો ભભૂકી રહેલા રોષને શાંત પાડવાનું એક હથિયાર/ સાધન માત્ર છે ! [5] સરકાર હવે તપાસ કરવા માંગે છે કે ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ કે કેમ? ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વેળાએ કઈ કઈ બાબતો ધ્યાને લેવામાં આવેલ હતી? ગેમિંગ ઝોનના બાંધકામ અંગે સ્થાનિક તંત્રની મંજૂરી લીધેલ કે કેમ? બાંધકામ નિયમોનુસાર કરેલ કે કેમ? ફાયર ખાતાની NOC મેળવવામાં આવેલ કે કેમ? ગેમિંગ ઝોનમાં ઈમરજન્સીમાં રાહત અને બચાવની શું વ્યવસ્થા કરવામાં આવેલ હતી? ગેમિંગ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી? આ દુર્ઘટનામાં સ્થાનિક તંત્ર અને ગેમિંગ ઝોનના સંચાલકો તેમજ અન્ય કોઈ ઈજારદારની નિષ્કાળજી/બેદરકારી હતી કે કેમ? ગેમિંગ ઝોનમાં પેટ્રોલ-ડીઝલનો અમર્યાદિત જથ્થો હતો કે કેમ? ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બનતી અટકે તે માટેના નિવારક પગલાં શું લેવા જોઈએ? આ બધી તપાસ માટે SITની રચના કરી છે ! શું સરકારને એ જ્ઞાન નહીં હોય કે આવી દુર્ઘટનાઓ નિયમોના ઊળાળિયો કરવાથી/ ભ્રષ્ટાચારના કારણે બને છે? જો સરકાર વાસ્તવમાં સંવેદનશીલ હોય/ ભ્રષ્ટાચાર બાબતે zero-tolerance નીતિ હોય/ શુભ અને સાચા ઈરાદાઓ હોય તો આવી દુર્ઘટનાઓ જરુર ટાળી શકાય ! સરકાર લોકોને છેતરવા માટે સંવેદના પ્રગટ કરવાના નાટક કરતી હોય તો ગમે તેટલા મોત થાય તંત્રને કંઈ ફરક પડતો નથી ! ભલે તંત્રને કોઈ ફરક ન પડે, પણ ગમે તેટલા લોકો મરે એની નાગરિકોને કંઈ પડી છે ખરી? મોતના આંકડા જોઈ કોઈનું રુવાડું પણ ફરકે છે ખરું?rs [તસ્વીર સૌજન્ય : BBC ગુજરાતી]

[wptube id="1252022"]
Back to top button