
અંધભક્તિ માણસનો વિવેક છીનવી લે છે ! અંધભક્તિમાં હત્યારો દેશભક્ત લાગે છે ! અંધભક્તિમાં દુષ્કૃત્યો સદાચાર લાગે છે ! અંધભક્તિ માફ થઈ શકે, કેમકે તેમની દ્રષ્ટિ છીનવી લેવામાં આવી હોય છે.
પરંતુ અંધભક્તિ કરતાં પણ ખતરનાક વસ્તુ છે ચાપલૂસી ! ચાપલૂસી પૈસા/ પદના મોહના કારણે કરવામાં આવે છે. ચાપલૂસી કરનાર વ્યક્તિ જાણતો હોય છે કે જેની ચાપલૂસી કરે છે તેમનામાં વાસ્તવમાં તેવા ગુણો હોતા નથી ! પરંતુ આવી ચાપલૂસી નાગરિકોને ભક્ત બનાવે છે; ભક્તોને અંધભક્ત બનાવે છે; અંધભક્તોને કટ્ટર-ઝનૂની-હિંસક બનાવે છે !
આપણા એક લોકપ્રિય લેખક/મોટિવેશનલ સ્પીકર અને જાતજાતની અસભ્ય ગાળો આપનારે કહ્યું છે કે “મોદીમાં ગાંધીજી અને ઓશોનું કોમ્બિનેશન છે ! એની પાસે ગાંધી જેવો જનસંપર્ક છે અને ઓશો જેવી વાણી પણ છે ! આ બન્ને વસ્તું નેતાઓ પાસે હોતી નથી. બાઈડન સાહેબ તો બોલતા બોલતા ભૂલી જાય છે ! વિશ્વ નેતાઓની આવી હાલત છે. બ્રિટનમાં સાત વડાપ્રધાન બદલાયા. ઈટાલી/ કેનેડામાં વડાપ્રધાનનું ઠેકાણું નથી ! કેનેડાના વડાપ્રધાન ડગુમગુ છે એટલે શીખોના મત લેવા તેમને છાવરે છે. દુનિયાભરમાં નેતાઓ કાં બિમાર છે, કાં અસ્થિર છે. કાં એકને બદલે બીજો આવી જાય તેના ઠેકાણા નથી. આપણે ત્યાં ભગવાનની દયાથી નિરાંત છે. બિમારેય નથી અસ્થિર પણ નથી. અને બીજો કોઈ આવી જાય એવી કલ્પના પણ કોઈ કરી શકતું નથી ! વર્લ્ડ પોલિટિક્સમાં આજે લિડરશિપ ક્રાઈસિસ છે. અમેરિકાને નવા ચહેરા મળતા નથી. ચીન-રશિયાના સરમુખ્યત્યારોનું સ્વાસ્થ્ય સારું નથી. બ્રિટન સહિત કેટલાંય દેશોમાં પૂરી ટર્મ કોઈ ટકતું નથી. બબૂચક વિવેચકો ભલે ન સ્વીકારે. દુનિયા સામે આપણે ગરીબગભરુની બિચારી છાપ ભૂંસી આપણા હિતમાં ખોંખારો ખાતાં તો થઈ જ ગયા છીએ. ભારતનું આ રીતે ગ્લોબલ બ્રાન્ડ પોઝિશનિંગ થયું એનો જશ મોદીને જાય છે.”
થોડાં મુદ્દાઓ : [1] મોદી CM/PM બન્યા બાદ જ તેમની જનસંપર્ક શક્તિ અને વાણી શક્તિ કેમ ખિલી? [2] શું ગાંધીએ ક્યારેય કરોડો રુપિયાના ખર્ચે AC ડોમમાં જનસંપર્ક કર્યો હતો? શું ગાંધીએ ક્યારેય રોડ શોમાં કલાકારોને નચાવ્યા હતા? ટ્રકો ભરીને ગુલાબની પાખંડીઓનો વરસાદ પોતાની પર કરાવ્યો હતો? શું ગાંધીએ સભાદીઠ મોંઘા કપડાં પહેર્યા હતા? શું ગાંધીએ સરકારી બસોનો દુરુપયોગ કરી જનસંપર્ક કર્યો હતો? કઈ રીતે મોદી અને ગાંધીના જનસંપર્કની સરખામણી થઈ શકે? [3] મોદી ટેલિપ્રોમ્ટરમાં લખેલું બરાબર વાંચી શકતા નથી, તેમને ઓશો સાથે કઈ રીતે સરખાવી શકાય? ‘કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી બે ભેંસોમાંથી એક ભેંસ લઈ જશે ! વધારે બાળકો વાળાને તમારી સંપત્તિ વહેંચી દેશે !’ આવી સાવ હલકી/ સ્તરહીન વાણી ઓશો બોલતા હતા? મોદીમાં ગાંધીજી અને ઓશોનું કોમ્બિનેશન છે, એવું કંઈ રીતે કહી શકાય?[4] બાઈડન બોલતા બોલતા ભૂલી જતા હશે પરંતુ મોદી સાહેબ તો બાળકો સમક્ષ સાચો સ્પિલિંગ લખી શકતા નથી, એ કેમ ભૂલી જવાય છે? [5] કેનેડાના વડાપ્રધાન શીખોના મત લેવા તેમને છાવરતા હોય તો મોદી બહુમતી હિન્દુઓના મત લેવા કપાળે લાંબા-પહોળા તિલક કરી ગોદી મીડિયામાં છવાયેલા રહે છે; મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરી બહુમતી હિન્દુઓને રાજીરાજી રાખવાં એડીચોટીનું જોર લગાવે છે, એ ભૂલી જવાનું? [6] અમેરિકા/ કેનેડા/ બ્રિટન/ ઈટાલી/ ચીન/ રશિયાના નેતાઓ નબળાં હોય/ બિમાર હોય તેથી મોદી કઈ રીતે ચડિયાતા બની જાય? શું આ દેશોના ચલણના મુકાબલે રુપિયો મજબૂત બન્યો? શું બેરોજગારી ઘટી? મોંઘવારી ઘટી? World Happiness Report-2023 મુજબ 137 દેશોમાં ભારત 125માં સ્થાને કેમ છે? Global Hunger Index-2023 મુજબ 125 દેશોમાં ભારત 111 સ્થાને કેમ? માત્ર કરોડોના ખર્ચે થતાં ઈવેન્ટ પ્રોગ્રામ/ ગોદી મીડિયા/ WhatsApp યુનિવર્સિટીના આધારે જ વાહવાહી કરવાની? [7] ચીને ભરતની ભૂમિ પચાવી છે. લદ્દાખના નેતાઓ બૂમો પાડે છે. અરુણાચલમાં પણ ચીને પેશકદમી કરી છે, છતાં વડાપ્રધાન લાલ આંખ કરી શકતા નથી, કે કંઈ બોલી શકતા નથી; ત્યારે ‘દુનિયા સામે આપણે ગરીબગભરુની બિચારી છાપ ભૂંસી આપણા હિતમાં ખોંખારો ખાતાં તો થઈ જ ગયા છીએ.’ એવું કંઈ રીતે કહી શકાય? શું 10 લાખનો સૂટ પહેરવાથી ભારતનું ‘ગ્લોબલ બ્રાન્ડ પોઝિશનિંગ’ થઈ જાય? [8] મોદી અસ્થિર નથી તેવું ક્યા આધારે કહી શકાય? અમેરિકા જઈ ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ કહેવું તે અસ્થિરતાનું સૂચક નથી? શા માટે તેમણે 10 વરસમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી? શા માટે તેઓ પત્રકાર કરણ થાપરનું ઈન્ટરવ્યૂ છોડીને ભાગ્યા હતા? તે સમયે તેમની ‘ઓશો જેવી વાણી’ને કેમ લકવો થઈ ગયો હતો?rs

[wptube id="1252022"]





