જો IAS અધિકારીની આ સ્થિતિ હોય તો સામાન્ય દલિતો/ પછાત સમુદાયો સાથે કેવો વ્યવહાર થતો હશે?

1992ની બેચના IAS અધિકારી અશોક પરમાર મૂળ ગુજરાતના ભરુચ જિલ્લાના છે. તેઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જમ્મુ કાશ્મીરમાં ફરજ પર છે. તેઓ કહે છે : “મેં જળશક્તિ વિભાગમાં મોટા પાયે અનિયમિતતાઓ ઉજાગર કરી એટલે ઉચ્ચ અધિકારીઓ મને હેરાન કરી રહ્યા છે. મને ધમકીઓ મળી છે. હું દલિત છું, 1 વર્ષમાં 5 વખત બદલી થઈ !”
અશોક પરમારે આ બાબતે SC કમિશનને ફરિયાદ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવને પણ પત્ર લખ્યો છે કે “મને બે ઉચ્ચ સ્તરીય મીટિંગમાંથી બહાર કાઢી મૂકેલ છે અને અન્ય અધિકારીઓની હાજરીમાં મારું અપમાન કરવામાં આવ્યું છે. મને ડર છે કે મારી સામે ખોટો કેસ કરી મને ફસાવી દેશે !”
થોડાં પ્રશ્નો : [1] જમ્મુ કાશ્મીરનો હવાલો કેન્દ્ર સરકાર હસ્તક છે. વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાષણ કરે છે પરંતુ વાસ્તવમાં ભષ્ટાચાર ઉજાગર કરનારને પ્રતાડિત કરવામાં આવે તો શું સમજવું? ગુજરાતમાં પ્રામાણિક IPS અધિકારી સતિષ વર્માં/ રજનીશ રાય/ રાહુલ શર્માને જે હેરાનગતિ થઈ તે ઉપરથી કહી શકાય કે ગોડસેવાદી સત્તાને પ્રામાણિક અધિકારીઓ આંખના કણાની જેમ ખૂંચે છે ! [2] 13,000 કરોડની કેન્દ્રની યોજનામાં અનિયમિતતા અંગે CBIની તપાસ કરવા અશોક પરમારે માંગણી કરી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા તથા મુખ્ય સચિવ અરુણકુમાર મેહતા પર ગુનાહિત કાવતરાંના હિસ્સેદાર હોવાનો તેમણે આક્ષેપ કરેલ છે ! અશોક પરમાર સામે તંત્ર બદલો લઈ રહ્યું હોય તેવું લાગતું નથી? [3] અનિયમિતતાઓ/ ભ્રષ્ટાચારને ખૂલ્લો કરવા સબબ અશોક પરમારે SC કમિશનને તથા કેન્દ્રીય ગૃહ સચિવને ફરિયાદ કરવી પડી છે; તો જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર કેટલો વકરી ગયો હશે? [4] ભ્રષ્ટાચાર ઉજાગર કરવા બદલ પીઠ થાબડવી જોઈએ, તેને બદલે ધમકીઓ આપવાની? ઉચ્ચ સ્તરની મીટિંગમાંથી અપમાનિત કરી બહાર કાઢવાના? [5] 18 જુલાઈ 2023ના રોજ અશોક પરમારની બદલી કૌશલ વિકાસ વિભાગમાં થઈ હતી અને માત્ર બે અઠવાડિયામાં તેમની બદલી સાર્વજનિક ઉદ્યમ બ્યૂરોના અધ્યક્ષ તરીકે કરવામાં આવી ! કેટલી કિન્નાખોરી? પૂર્વ CM મહબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાએ આ કિન્નાખોરીની તપાસ કરવા માંગણી કરી છે. શું સરકાર અશોક પરમારને ન્યાય આપવાને બદલે અન્યાય કરશે? શું SC કમિશન ન્યાય અપાવશે? [6] વિચારો; જો IAS અધિકારીની આ સ્થિતિ હોય તો સામાન્ય દલિતો/ પછાત સમુદાયો સાથે કેવો વ્યવહાર થતો હશે?rs










