RAMESH SAVANI

‘હું સન્માનના બોજ હેઠળ દબાઈને નહીં જીવી શકું !’

કુસ્તીબાજ બજરંગ પુનિયા, 22 ડીસેમ્બર 2023ના રોજ પદ્મશ્રી એવોર્ડ પરત કરવા માટે વડાપ્રધાનના નિવાસસ્થાને ગયા હતા, પરંતુ અંદર જવાની પરવાનગી ન મળતાં તેમણે એવોર્ડ ત્યાં ફૂટપાથ પર જ મૂકી દીધો હતો ! તે પહેલાં તેમણે વડાપ્રધાનને ઉદ્દેશીને પત્ર લખેલ જે તેમણે ‘X’ પર પોસ્ટ કર્યો હતો. આ પત્રમાં તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી છે જે કોઈ પણ સંવેદનશીલ માણસને હચમચાવી મૂકે તેવી છે. શાંત ચિત્તે આખો પત્ર વાંચી, મનન-ચિંતન કરવા જેવું છે !
માનનીય પ્રધાનમંત્રીજી,
આશા છે આપ સ્વસ્થ હશો. વ્યસ્ત હશો. આપની ભારે વ્યસ્તતા વચ્ચે હું આપનું ધ્યાન અમારી કુસ્તી પર દોરવા ઈચ્છું છું. આપને ખ્યાલ હશે કે જાન્યુઆરી 2023માં દેશની મહિલા પહેલવાનોએ કુસ્તી સંઘના વડા બ્રિજભૂષણ સિંહ ઉપર સેક્સુઅલ હેરેસમેન્ટના ગંભીર આરોપ લગાવ્યા હતા. જ્યારે એ મહિલા પહેલવાનાએ આંદોલન શરુ કર્યુ ત્યારે હું પણ તેમાં સામેલ થયો હતો. સરકારે નક્કર કાર્યવાહીની વાત કરી ત્યારે આંદોલિત પહેલવાનો ઘર પરત ગયા હતા. પરંતુ 3 મહિના વીતી ગયા બાહ પણ બ્રિજભૂષણ સામે FIR પણ ન થઈ. ત્યારે અમે પહેલવાનોએ એપ્રિલ 2023માં ફરી વખત સડક પર ઉતરી આંદોલન કર્યું જેથી દિલ્હી પોલીસ કમ સે કમ બ્રિજભૂષણ સામે FIR નોંધે. છતાં કામ ન થયું એટલે અમારે કોર્ટમાં જઈ FIR દાખલ નોંધાવવાનો આદેશ મેળવવો પડ્યો.
જાન્યુઆરીમાં ફરિયાદ કરનાર 19 મહિલાઓ હતી, જે એપ્રિલ સુધીમાં 7 રહી. એટલે કે 3 મહિનામાં પોતાની તાકાતના બળે બ્રિજભૂષણે 12 મહિલા પહેલવાનોને ન્યાયની લડાઈમાંથી પાછળ ધકેલી દીધી. આંદોલન 40 દિવસ ચાલ્યું. તે દરમિયાન 1 મહિલા પહેલવાન પાછી હટી ગઈ. અમારા સૌ પર બહુ દબાણ આવી રહ્યું હતું. અમારા ધરણા સ્થળને વેરવિખેર કરી નાખ્યું હતું. અને અમને દિલ્હી બહાર કાઢી મૂક્યા હતા. અમારા ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જ્યારે આવું બન્યું ત્યારે અમને સમજ ન પડી કે શું કરવું? એટલે અમે અમારા મેડલ ગંગામાં વહેતા મૂકવાનું વિચાર્યું. જ્યારે અમે ત્યાં ગયા ત્યારે અમારા કોચ તથા કિસાનોએ અમને એવું કરતા રોક્યા. એ સમયે આપના એક જવાબદાર મંત્રીનો ફોન આવ્યો અને અમને કહ્યું કે ‘પાછા આવો. તમારી સાથે ન્યાય થશે.’
એ દરમિયાન ગૃહમંત્રી સાથે મુલાકાત થઈ. તેમણે આશ્વાસન આપ્યું કે ‘મહિલા પહેલવાનોને ન્યાય આપવા સાથ આપીશું અને કુસ્તી ફેડરેશનમાંથી બ્રિજભૂષણસિંહ, તેના પરિવાર અને તેના સાગરિતોને બહાર કાઢી મૂકીશું.’ અમે એમની વાત માની અમારું આંદોલન સમાપ્ત કરી દીધું. કેમકે કુસ્તી સંધનો ઉકેલ સરકાર કરી આપે અને ન્યાયની લડત કોર્ટમાં લડાશે, આ બન્ને વાત અમને તર્કસંગત લાગી.
પરંતુ 21 ડીસેમ્બર 2023ના રોજ કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણે ફરી વખત કબજો કરી લીધો. તેણે સ્ટેટમેન્ટ આપ્યું કે ‘દબદબા હૈ ઔર દબદબા રહેગા !’ મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપી સરેઆમ ફરી વખત કુસ્તીનો પ્રબંધ કરનાર તંત્ર પર દબદબો હોવાનો દાવો કરી રહ્યો હતો. આ માનસિક દબાણ હેઠળ આવી ઓલમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો.
અમારા બધાંની રાત રડતાં રડતાં નીકળી. સમજાતું ન હતું કે ક્યાં જવું, શું કરવું? અને કઈ રીતે જીવવું? આટલું માન સન્માન આપ્યું સરકારે, લોકોએ. શું આ સન્માનના બોજ હેઠળ દબાઈને ઘૂંટાતો રહું? 2019માં મને ‘પદ્મશ્રી’થી સન્માનિત કર્યો હતો. ‘ખેલ રત્ન’ અને અર્જુન એવોર્ડથી મને સન્માનિત કર્યો હતો. જ્યારે આ સન્માન મળ્યા ત્યારે મને ખૂબ ખુશી થઈ હતી. લાગ્યું હતુ કે જીવન સફળ થઈ ગયું. પરંતુ આજે એના કરતા વધારે દુ:ખી છું. અને આ સન્માન મને ખૂંચી રહ્યા છે. કારણ માત્ર એક જ છે, જે કુસ્તી માટે આ સન્માન મળ્યા, એમાં અમારી સાથી મહિલા પહેલવાનોને પોતાની સુરક્ષા માટે કુસ્તી પણ છોડવી પડી છે !
ખેલ આપણી મહિલા ખેલાડીઓના જીવનમાં જબરજસ્ત બદલાવ લઈને આવેલ. અગાઉ ગામડામાં એ કલ્પના કરી શકતો ન હતો કે ગામડાંના મેદાનોમાં છોકરા-છોકરીઓ એક સાથે રમતા જોવા મળે. પરંતુ પ્રથમ પેઢીની મહિલા ખેલાડીઓની હિમ્મતના કારણે એવું બની શક્યું. દરેક ગામમાં આપને છોકરીઓ રમતી જોવા મળે અને તે રમવા દેશ વિદેશમાં જઈ રહી છે. પરંતુ જેમનો દબદબો કાયમી થયો છે કે રહેશે, તેનો પડછાયો પણ મહિલા ખેલાડીઓને ડરાવે છે. અને હવે તેણે ફરી વખત કબજો કરી લીધો છે. તેના ગળામાં ફૂલમાળા વાળા ફોટાઓ આપના સુધી પહોંચ્યા હશે. જે બેટીઓને બેટી બચાવો બેટી પઢાઓની બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું હતું તેમને એ હાલતમાં પહોંચાડી દીધી કે તેને પોતાના ખેલમાંથી જ પાછા હટવું પડ્યું. અમે ‘સન્માનિત’ પહેલવાનો કંઈ કરી શક્યા નહીં. મહિલા પહેલવાનોને અપમાનિત કર્યા હોય તેવા સમયે હું ‘સન્માનિત’ બનીને જિંદગી નહીં જીવી શકું. આવી જિંદગી કાયમ મને ડંખે. એટલે આ સન્માન હું આપને પરત કરી રહ્યો છું.
જ્યારે અમે કોઈ કાર્યક્રમમાં જતાં હતાં ત્યારે મંચ સંચાલક અમને પદ્મશ્રી, ખેલરત્ન, અર્જુન એવોર્ડી પહેલવાન દર્શાવી અમારો પરિચય કરાવતા હતા, તો લોકો ઉત્સાહથી તાળીઓ પાડતા હતાં. હવે કોઈ આ રીતે પરિચય આપે તો મને સંકોચ થશે કેમકે આટલા સન્માન હોવા છતાં એક સન્માનિત જીવન જે દરેક મહિલા પહેલવાન જીવવા ઈચ્છે છે, તેનાથી તેને વંચિત કરી દેવામાં આવી છે.
મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વરના ઘેર દેર છે, અંધેર નહીં. અન્યાય પર એક દિવસ ન્યાયની જરુર જીત થશે.
આપનો,
બજરંગ પુનિયા,
અસન્માનિત પહેલવાન.rs

[wptube id="1252022"]
Back to top button