RAMESH SAVANI

‘હું અહીં કશું લેવા નહિં, આપવા આવ્યો છું !’

ગુજરાત સરકારે ગાંધીનગરની GIFT City દારુબંધી હટાવી દીધી છે. સવાલ એ છે શું વેપાર-ઉદ્યોગોનો વિકાસ દારુબંધીના કારણે નથી થતો? દારુબંધી નડે છે કે બાબુગીરી?
ગુજરાત સરકારના એક અધિકારી તરીકે મેં વર્ષો સેવા બજાવી છે; પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વડા તરીકે સેવા કરવાની પણ તક મળી હતી. એટલે ઉદ્યોગોના વિકાસ અને અવરોધો વિષે થોડો અનુભવ છે તેની વાત કરું.
ગુજરાત ના ઔદ્યોગિક વિકાસમાં અવરોધરુપ એક પરિબળ જો કોઇ મને જણાયું હોય તો તે છે સરકારી તંત્ર દ્વારા થતી હેરાનગતિ ! સરકારી પરવાનગીઓ લેવામાં અને તેના પાલનમાં એટલી મુશ્કેલીઓ હોય છે કે ઉદ્યોગ શરુ કરનાર ત્રાસી જાય છે. સરકારી કાયદા અને નિયમો વહીવટને સરળ રીતે ચલાવવા માટે બનાવેલા હોય છે. પણ અનુભવે એવું જણાયું છે કે તેનો અમલ કરાવનારની અણઆવડત, અભિમાન, અંગત સ્વાર્થ, તુમાખી, બાબુગીરી વિગેરે અનેક કારણોસર ઉદ્યોગોના વિકાસ અવરોધાય છે.
ઉદ્યોગના માલિકને ઉદ્યોગ શરુ કરવા અને ચલાવવા ડગલેને પગલે સરકારી માણસો સાથે પનારો પડે છે. જમીન NA કરાવવા, ઉદ્યોગ ખાતા કે GIFCની પરવાનગીઓ, વીજળી કનેક્શન લેવા, પ્રદુષણ નિયંત્રણની પરવાનગીઓ-ધન, પ્રવાહી, વાયુ અને જોખમી કચરો દરેકની અલગ અલગ પરવાનગીઓ લેવાની, મજુર કાયદાઓના પાલન અંગે, આરોગ્ય અને સલામતી અંગેના કાયદાનું પાલન, નગરપાલિકાની હદમાં ઉદ્યોગ હોય તો તેમના કાયદાઓનું પાલન, વન વિભાગને લગતા-ગ્રીન એરીયા ડેવેલપમેન્ટ કાયદાઓ, ગુણવત્તા નિયમનના કાયદા, સેલ્સટેક્ષ/ઇન્કમટેક્ષના કાયદા વગેરે કાયદાની પરવાનગીઓ અને પાલન કરવાનું હોય છે.
હું ઉદ્યોગોની વકીલાત નથી કરતો. હું ચુસ્ત આગ્રહી છું કે ઉદ્યોગોને પર્યાવરણ, આરોગ્ય કે જનહિતના ભોગે કોઇ છૂટ આપવી ન જોઇએ. પણ એમને સાચી સલાહ, સમજણ અને સહકાર આપવો જોઇએ; જેથી ઉદ્યોગ પણ ચાલે અને નિયમોનું પાલન પણ થાય. ઉદ્યોગ બંધ કરાવવાથી પ્રદૂષણ કે બીજી અડચણ દૂર તો થાય પણ એ આપણું લક્ષ્ય ન હોવું જોઇએ. યાદ રહે કે ઉદ્યોગ-ધંધાથી આપણી આર્થિક સમૃધ્ધિને વેગ મળે છે, રોજગાર મળે છે, જરુરિયાતો પુરી થાય છે, વિદેશી હુડિયામણ મળે છે. ઉદ્યોગનો માલિક મોટું આર્થિક મૂડી રોકાણ કરી સાહસ કરતો હોય છે, દેશના વિકાસમાં ભાગીદાર બનતો હોય છે જેને પ્રોત્સાહન આપવા સરકાર પણ પ્રયત્ન કરે છે. એને જો ડગલેને પગલે હેરાનગતિ થાય, ચોર તરીકે જ જોવામાં આવે તો સરકારના પ્રોત્સાહક પ્રયત્નો એળે જાય. અને સરવાળે દેશને જ નુકશાન જાય, એ પણ ન ભૂલવું જોઇએ.
હું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં હતો એટલે એ વિભાગની વાત કરું. એક જુનિયર એન્જિનીયર ઉદ્યોગની મુલાકાતે ગયા. મધ્યમ કક્ષાનો ઉદ્યોગ હતો, પ્રદુષણ નિયંત્રણની વ્યવસ્થા હતી અને પ્રદૂષણ ગંભીર પ્રકારનું ન હતું. અમારા આ સાહેબે નાના નાના વાંધા કાઢ્યા અને તોડ કરતાં કહ્યું કે 10,000 રુપિયા આપો ! ઉદ્યોગવાળા વિનંતિ કરતા રહ્યા કે આપ સુધારા સૂચવો તેનું પાલન કરીશું. સાહેબ ન માન્યા અને ધમકી આપી કે ઉદ્યોગ બંધ કરાવી દઇશ ! ઉદ્યોગવાળાએ મારું ધ્યાન દોર્યું તો મેં એ સાહેબને વિઝીટમાં જવાનું બંધ કરાવી ઓફિસ કામમાં બેસાડી દીધા. એમના કોઇ સગા મિનિસ્ટર હતા એમણે મને ખૂબ દબાણ કર્યું પણ મેં મચક ન આપી. મંત્રી સાહેબને મેં નમ્રતાથી સમજાવ્યું કે “સાહેબ, આપણે ગુજરાતમાં ઉદ્યોગો લાવવા ખાસ ઝૂંબેશ ચલાવીએ છીએ, ખાસ પ્રોત્સાહનો આપીએ છીએ, GIDC કે Sez-Special Economy Zone ઊભા કરીએ છીએ. અને પછી આવા નાના નાના કર્મચારીઓ પણ જાણે મુખ્યમંત્રી હોય તેમ વર્તે છે! કેટલી મહેનત અને મૂડી રોકાણ કરી ઉદ્યોગ ઊભો કર્યો હોય અને આપણે તેને બંધ કરાવવાની ધમકી આપીએ કે હેરાનગતિ કરીએ તે કેમ ચાલે? કોણ આવશે ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા?”
વધુ એક પ્રસંગ કહું. એક મોટી ઔદ્યોગિક વસાહતમાં એક પરપ્રાન્તિએ મોટું મૂડી રોકાણ કરી ઉદ્યોગ સ્થાપ્યો. એ વિસ્તારના વગદાર અને સીનિયર મિનિસ્ટર સાહેબે એમની ભલામણથી એમના એક સગાને એ ઉદ્યોગમાં ડ્રાઇવર તરીકે નોકરી અપાવી. ઉદ્યોગે એ ભાઇને એમના એક મેનેજરના ડ્રાઇવર તરીકે રાખ્યા. થોડા સમયમાં એ ડ્રાઇવરનું પોત પ્રકાશ્યું. ડ્રાઇવર જેમની ગાડી ચલાવતો હતો એ મેનેજર ને લાફો માર્યો. મિનિસ્ટર સાહેબના સગા હતા એટલે એનો પાવર તો હોય જ ! ઉધોગના મેનેજમેન્ટે એ લાફો મારનાર ડ્રાઇવરને છૂટો કર્યો. મિનિસ્ટર સાહેબ નારાજ થઇ ગયા. મિન્સ્ટર સાહેબે મને ફોન કર્યો અને સૂચના આપી કે ‘એ ઉદ્યોગ ઉપર પ્રદૂષણ ભંગની કાર્યવાહી કરો !’ એટલે એનો અર્થ કે ઉદ્યોગને હેરાન કરો ! મેં ઉદ્યોગ પાસેથી હકીકત જાણી અને મેં કોઇ શિક્ષાત્મક કાર્યવાહી ન કરી. મિનિસ્ટર સાહેબે મુખ્યમંત્રી સાહેબને મારા વિરુદ્ધ ફરિયાદ કરી. મુખ્યમંત્રીએ મને પૂછ્યું તો મેં સત્ય હકીકત જણાવી. મુખ્યમંત્રીએ મને ટેકો આપ્યો. આવા તો અનેક કિસ્સા જણાવી શકું પણ ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે સરકારી બાબુઓની કનડગત એક મોટું અવરોધક પરિબળ છે ! તે બાબતે પણ વિચારણા થવી જોઇએ.
એક વખત હું એક મોટા ઉદ્યોગની મુલાકાતે ગયો. મારી એ ઉદ્યોગની પ્રથમ મુલાકાત હતી. ઉદ્યોગના માલિકો એ મને જણાવ્યું કે ‘સાહેબ, આપ પ્રથમ વખત અમારે ત્યાં આવ્યા છો. તો અમે આપને ભેટમાં કંઇક આપવા માગીએ છીએ !’ મેં કહ્યું : ‘જૂઓ, હું અહીં કશું લેવા નહિં આપવા આવ્યો છું !’ એમને નવાઇ લાગી કે હું એમને શું આપવાનો છું ! મેં કહ્યું : ‘સરકારી અધિકારી તરીકે હું આપને વિશ્વાસ આપવા આવ્યો છું કે અમે તમને સાચું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીશું. અમારો કોઇ પ્રતિનિધ તમારી ખોટી કનડગત કે હેરાનગતિ નહિં કરે, તેની ખાત્રી આપવા આવ્યો છું. તમારી ક્ષતિઓ કે ભૂલો શોધી શિક્ષા કરવા નહીં પણ તમારા મિત્ર તરીકે તમને તમારી ફરજો અને જવાબદારીઓ સમજાવવા અને માર્ગદર્શન આપી તેના પાલનમાં મદદ કરવાની બાંહેધરી આપવા આવ્યો છું. અને આપ પ્રદૂષણ નિયંત્રણના કપરા કામમાં સાચા મનથી સહયોગ કરો તેવી વિનંતિ કરવા આવ્યો છું.’ ઉદ્યોગના માલિકોએ મને વળતી ખાત્રી કરાવી કે તેઓ પોતાની સામાજિક અને નૈતિક ફરજ સમજી અમને પુરો સહયોગ આપતા રહેશે.
-જગદીશ બારોટ, કેનેડા.rs [ફોટો : જગદીશ બારોટ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા સાથે]
May be an image of 2 people

[wptube id="1252022"]
Back to top button