
ભક્તો જેમને પરમ પરમેશ્વર માને છે તે મોદીજીએ તેમનાં 10 વર્ષના શાસન દરમ્યાન એક પણ પત્રકાર પરિષદને સંબોધન કર્યું નથી અને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા નથી. કદાચ, પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવાની તેમનામાં હિંમત નથી. પણ તેમણે હમણાં સતત અનેક ટીવી ચેનલોને મુલાકાત આપવાનું શરૂ કર્યું છે. ‘ઇન્ડિયા ટીવી’ ચેનલમાં એમણે એક જોરદાર વાત કરી છે : “મેં મારું મન કામમાં લગાડેલું છે. અને જ્યારે હું કામ કરતો હોઉં છું… તો હું એમ નથી માનતો કે મારું કોઈ શરીર છે કે જેને કોઈ નરેન્દ્ર મોદીના નામે લોકો ઓળખે છે, એ કામ કરી રહ્યું છે…હું એવો અનુભવ કરું છું કે એક શરીર કે કોઈ એક નરેન્દ્ર મોદી નામની એક વ્યક્તિ આવું કરી ન શકે. પછી મને લાગે છે કે તો પછી એ કેમ કરે છે? તો હું જે ઈશ્વરને આપ જોઈ શકતા નથી, તમે જેને જોઈ શકતા નથી, મને હવે પ્રતીતિ થઈ ગઈ છે, સારું હોય કે ખોટું હોય, પણ મારી એ પ્રતીતિ છે, એ મારી વ્યક્તિગત પ્રતીતિ છે કે, કદાચ પરમાત્માએ મને કોઈ કામ માટે મોકલેલો છે, પરમાત્માએ જ મને હજારો વર્ષોની ગુલામીમાંથી મારો દેશ જે બહાર આવ્યો છે એ હવે સાચા અર્થમાં સમૃદ્ધિની દિશામાં જાય, જેને ક્યારેક સોનેકી ચીડિયા કહેવામાં આવતો હતો, મારો દેશ ફરીથી એક વાર એવો બને, કદાચ એવા જ કોઈક કામ માટે મને પરમાત્માએ મોકલ્યો છે એમ હું માનું છું. શરીરનો જન્મ તો ક્યાંક થાય છે એટલે એ ક્યાંક થયો હશે !”
પરમાત્મા કોઈ વ્યક્તિને કોઈક કામ માટે પૃથ્વી પર મોકલે કે ભારતમાં મોકલે એ હિંદુ ધર્મની માન્યતા છે જ નહિ. હિંદુ ધર્મ તો ઈશ્વર પોતે જ મનુષ્ય અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે એમ માને છે. હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુ પોતે જ મનુષ્યનો અવતાર લે છે અને કુલ દસ અવતાર થશે એમ માનવામાં આવે છે. નવ અવતાર થઈ ચૂક્યા છે અને હવે કલ્કી નામનો અવતાર થવાનો બાકી છે એમ કહેવામાં આવે છે. એટલે પરમાત્મા કોઈને પૃથ્વી પર કોઈક કામ કરવા માટે મોકલે એ તો હિંદુ ધર્મની મૂળભૂત માન્યતાથી તદ્દન વિરુદ્ધની વાત થઈ. મોદી પોતાને અવતાર કહેતા નથી, પણ પોતાને પરમાત્માએ કોઈક કામ માટે મોકલવામાં આવ્યા છે એવું તેઓ અનુભવે છે. આમ, મોદી હિંદુ ધર્મી હોવા છતાં હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધની વાત કરે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તેઓ યુગે યુગે જન્મ લે છે, એટલે કે ઈશ્વર પોતે જ મનુષ્યનો જન્મ ધારણ કરીને અવતાર તરીકે પૃથ્વી પર આવે છે. પણ મોદીના કિસ્સમાં આ બાબત નથી એમ તેઓ પોતે કહે છે. તેઓ તો કહે છે કે તેમને ઈશ્વરે મોકલ્યા છે, તેઓ પોતે ઈશ્વર નથી એટલું તો તેઓ સ્વીકારે છે. પણ ઈશ્વર કોઈકને મોકલે એ તો એક તદ્દન જુદી જ વાત થઈ. એ તો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો સિદ્ધાંત થયો. એટલે શું તેઓ એ સિદ્ધાંતને હવે અનુસરે છે? શું ઇસુ ખ્રિસ્ત અને મહંમદ પયગંબરની જેમ નરેન્દ્ર મોદી પોતાને નામે કોઈક નવો ધર્મ સ્થાપવા માગે છે? શું તેઓ પોતાના એ ધર્મમાં તેમના ભક્ત હિન્દુઓને વટલાવવા માગે છે? આમ તો આરએસએસ અને ભાજપ સતત હિન્દુઓના થતા ધર્માન્તરણ સામે હોબાળો મચાવતા આવ્યા છે ત્યારે ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં નહિ પણ કોઈક નવા જ મોદી-ધર્મમાં હિંદુઓ વટલાઈ જાય એવી શક્યતાઓ ચોક્કસ ઊભી થઈ છે !
દુનિયામાં ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાં એમ સમજવામાં આવે છે કે ઇસુ ખ્રિસ્ત ઈશ્વર એટલે કે ગોડના પુત્ર હતા અને મહમ્મદ પયગંબર પણ ઈશ્વરના સંદેશવાહક એટલે કે રસૂલ હતા. ઇસુ ખ્રિસ્ત કે મહંમદ પોતે ઈશ્વર નહોતા પણ ઈશ્વર દ્વારા તેમને મોકલવામાં આવ્યા હતા. ખ્રિસ્તી ધર્મમાં અને ઇસ્લામમાં હિંદુ ધર્મની જેમ ઈશ્વર અવતાર લે છે એવી કલ્પના નથી પણ ઈશ્વર તેના કોઈક સંદેશવાહક મોકલે છે એવી કલ્પના છે કે જે ઈશ્વર વતી કામ કરે છે. કુરાનમાં જણાવવામાં આવ્યા મુજબ ઈશ્વર દ્વારા મહંમદ પયગંબર સહિત કુલ 25 સંદેશવાહકો મોકલવામાં આવ્યા છે અને તેમાં મહંમદ પયગંબર છેલ્લા છે. એ 25માં ઇસુ ખ્રિસ્તનો પણ સમાવેશ થાય છે. પણ હવે મોદીનો દાવો છે કે તેઓ પરમાત્માનું કોઈક કામ કરવા માટે પરમાત્મા દ્વારા મોકલવામાં આવેલું શરીર છે. સવાલ એ છે કે શું મોદી પોતાને નામે કોઈક નવો ધર્મ સ્થાપી રહ્યા છે? કારણ કે ઇસુ ખ્રિસ્ત અને મહંમદ પયગંબર આવ્યા પછી તેમના નામે નવા ધર્મો અસ્તિત્વમાં આવ્યા છે. જો એમ થશે તો હાલ જેઓ મોદીભક્ત છે તેમનું મોદીધર્મમાં ધર્માંતરણ થઈ જાય એમ પણ બની શકે છે. હવે તો હિંદુઓએ ચેતવું પડે તેમ છે !
મોદીની આ આખી વાત તદ્દન બોગસ અને એક મસમોટી છેતરપિંડી છે. પરમાત્મા કોઈકને મોકલે એ વાતમાં કશો માલ નથી. પરમાત્માએ ભૂતકાળમાં કોઈકને મોકલ્યા હોય એવું પણ નથી. અને જો કોઈકને એ મોકલે એમ માની લઈએ તો દુનિયમાં જે મનુષ્યો છે એ બધાને પરમાત્માએ જ મોકલ્યા છે એમ માનવું જ પડે. પરમાત્માએ પોતાને મોકલ્યા છે એમ મોદી જાતે જાતે કહે છે અને કહે છે કે એ તેમનો અનુભવ છે. આવો અનુભવ તો કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. એ વ્યક્તિગત અનુભવ છે અને એની કોઈ સાબિતી હોતી નથી. અને તેથી જ એ બધી અંધશ્રદ્ધા છે. લોકોને ઉલ્લુ બનાવવાના મોદીના આ રાજકીય પેતરા/ધંધા છે. પરમાત્માએ જ પોતાને મોકલ્યો છે એમ કહીને મોદી અંધશ્રદ્ધાને પોષે છે અને પોતાને કોઈક દિવ્યાત્મા ગણાવે છે ! આને આત્મશ્લાઘા કહેવાય, પોતે જ પોતાની પ્રશંસા કરી કહેવાય અને પ્રશંસા કરવાની તમામ હદ વટાવી દીધી કહેવાય. એમ લાગે છે કે દેશ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવવાની બાબતમાં આગળ વધવાને બદલે મોદીભક્તિમાં સરી પડીને અધોગતિ પામી રહ્યો છે. ભારતવર્ષના રાજકીય ભક્તિયુગની આ પરાકાષ્ઠા છે ! હવે હિંદુ ધર્મનું અને હિંદુઓનું શું થશે? હવેની વસ્તી ગણતરીમાં પોતાનો ‘મોદીધર્મ’ લખાવનારા ભક્તો ચોક્કસ હશે જ. હિંદુઓ મુસ્લિમોની વસ્તી વધવાને લીધે નહિ પણ હિન્દુઓના મોદી ધર્મમાં થનારા ધર્માંતરણને લીધે જ લઘુમતીમાં આવી જશે. આ કોઈ મજાક નથી, આ એક ગંભીર બાબત છે !rs [સૌજન્ય : હેમંતકુમાર શાહ, 24 મે 2024; કાર્ટૂન : સતિષ આચાર્ય]



[wptube id="1252022"]