RAMESH SAVANI

33થી વધુ લોકો આગમાં કોલસો બની ગયા તે માટે ઉદ્ઘાટનમાં હાજર રહેનાર IAS/IPS સામે સરકાર પગલાં લેશે?

25 મે 2024ના રોજ, રાજકોટના ‘TRP ગેમઝોન’માં આગ લાગવાથી 33 લોકોના જીવ ગયા. મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. લાશો બળીને કોલસો બની ગઈ છે. મૃત્યુ આંક 45થી વધુ થવાની શક્યતા છે.
26 મે 2024ના રોજ પોતાના પરિવારના 5 સ્વજનોને ગુમાવનાર પ્રદીપસિંહ ચૌહાણે આક્રોશ ઠાલવ્યો હતો : “અમારા પરિવારના પાંચ સભ્યો મિસિંગ છે. એમાં મારો દીકરો રાજભા છે. બીજા મારા સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે. એક મોટા ભાઈની દીકરી છે અને એક એમના સાળા. પાંચ જણાની એળખ થતી નથી. મારી આગળ પાછળ કોઈ નથી રહ્યું, હવે જો કસુરવારોને જામીન મળ્યા તો હું તેને મારી નાખીશ !”
પ્રદીપસિંહની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય તેમનો આક્રોશ આવો જ હોય ! પ્રદીપસિંહને આવું કેમ બોલવું પડ્યું? કેમકે આપણું તંત્ર કસુરવારોને સજા કરાવી શકતું નથી. ગંભીર ગુનાના આરોપીઓ જામીન પર છૂટી જાય છે ! ન્યાયતંત્ર પણ ભ્રષ્ટ છે ! લોકો વિવશ છે, ન્યાય મેળવી શકતા નથી ! આ સ્થિતિમાં આવો આક્રોશ પ્રગટે તે સ્વાભાવિક છે.
કોનો દોષ ગણીએ? 4 વરસથી ગેમ ઝોન ચાલુ હતું છતાં તેમની પાસે કોઈ પ્રકારની મંજૂરી ન હતી ! ‘TRP ગેમઝોન’ના ઉદ્ઘાટનમાં કલેકટર અરુણ મહેશ બાબુ/ મ્યુનિસિપલ કમિશ્નાર અમિત અરોરા / DCP પ્રવીણ મીણા/ SP બલરામ મીણા હાજર રહ્યાં હતા ! રિક્ષા-છકડાના પૈસા ઉઘરાવતી પોલીસ આવી બિનઅધિકૃત ગેમ ઝોન ચાલવા દે? જરુર IAS/IPS અધિકારીઓ સુધી, સ્થાનિક ધારાસભ્ય સુધી હપ્તા પહોંચતા હશે ! તો જ આવું બિનઅધિકૃત ગેમ ઝોન 4 વરસથી ચાલી શકે ! રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફરિયાદી પાસેથી 75 લાખનો તોડ કર્યા અંગે સત્તાપક્ષના MLA/MPએ ફરિયાદ કરી છતાં સરકારે તેમને છાવર્યા હતા ! ‘TRP ગેમઝોન’ના ઉદ્ઘાટનમાં હાજર રહેનાર કલેકટર અરુણ મહેશ બાબુ/ મ્યુનિસિપલ કમિશ્નાર અમિત અરોરા / DCP પ્રવીણ મીણા/ SP બલરામ મીણાએ પોતાની ફરજ બજાવી હોત તો 33થી વધુ લોકો આગમાં શેકાઈને મૃત્યુ પામ્યા ન હોત ! શું સરકાર આ અધિકારીઓ સામે પગલાં લેશે? તપાસના અંતે ડિસમિસ (સસ્પેશન નહીં) કરશે? શું સરકાર તપાસનું નાટક કરી લોકોને છેતરશે?
પ્રદીપસિંહ જેવી સંવેદના કવિ પ્રિયકાન્ત મણિયારે અનુભવી હતી ! તેમણે લખ્યું હતું કે ‘મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ !’ ‘ગાંધી-વૈદ્યનું સહિયારું !’ બધું જ એક રહસ્યમયી સેટિંગથી ચાલતું હોય છે, અને રોટલાની ચિંતા કરતા લોકોને તો તેની ખબર પણ હોતી નથી. આવા માણસો, માણસ કરતા ઊધઇ જેવા વધારે હોય છે, કેમકે તેમને સતત સંપત્તિ ખાવા જોઈએ છે. સંપત્તિ અને ધન તેમનો પ્રિય ખોરાક છે. આ ખોરાક તો કોઈ પણ ભોગે અને કોઈના પણ ભોગે મેળવવા તેઓ મથ્યા કરે છે. એટલે જ કવિ કહે છે કે જંતુનાશક દવા થાઉં તો બસ !
પ્રદીપસિંહ જેવી લાગણી 2022માં કવયત્રિ પારુલ ખખ્ખરે અનુભવી હતી. સુરતમાં એક છોકરાએ, છોકરીએ લગ્ન કરવાની ના પડી એટલે જાહેરમાં સૌની સામે છરીથી છોકરીનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી; ત્યારે લોકો તે છોકરાને ઠમઠોરવાને બદલે વીડિયો ઊતારતા રહ્યા…પછી દીવા-મીણબત્તી લઈને વિરોધ સરઘસ કાઢવાનો કોઈ અર્થ ખરો?‘શબવાહિની ગંગા’માં પણ આવો જ આક્રોશ વ્યક્ત થયો હતો. લાખ સમજાવવા છતાં કલમ ચૂપ ન રહે તે જ સાચો કવિ ! ‘ગેમ ઝોન’ જ્યારે ‘ડેથ ઝોન’ બને ત્યારે સવાલ એ છે કે આપણું કોઈ સામાજિક દાયિત્વ હોય કે નહીં? ઓમ શાંતિ બોલ ! કેમ કે આપણે બીજું તો કશું કરી શકવાને સમર્થ નથી ! આપણે માણસ મટી ‘ભક્ત’ બની ગયા છીએ ! પારૂલ ખખ્ખરની આ કવિતામાં, આપણા સહુની અસહાયતા, નિરાશા અને વાંઝિયા ક્રોધનો પડઘો છે :
ફરી દીવા, ફરી સરઘસ,
જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ,
તું જોયા કર બધા ફારસ,
જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.
લઈ અંધારનું ખંજર કરી ગઈ
રાત કારી ઘા,
ફફડતું ધ્રુજતું ફાનસ,
જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.
ભલે ઝંડા ઉપાડે ને
ભલે ડંડા ઉપાડે, પણ
નથી જીવતો અસલ માણસ,
જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.
નથી લોહી ઉકળતું કે
હવે આંસુ નથી વહેતાં,
ઉપરથી જીભની આળસ,
જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.
રગેરગ લ્હાય બળશે ને
પછી જાતે ઠરી જાશે,
કકળશે વાંઝિયા ખૂન્નસ,
જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.
કલમને લાખ સમજાવી
પરંતુ ચૂપ નથી મરતી,
કરી બેઠી ફરી સાહસ,
જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.
લખી શકતા, કહી શકતા,
મરી શકતા -એ પેઢીના
છે ‘પારુલ’ આખરી વારસ,
જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ !rs [કવિતા સૌજન્ય : પારુલ ખખ્ખર]

[wptube id="1252022"]
Back to top button