RAMESH SAVANI

કઢી અભડાય, દૂધપાક નહીં !

કોઈપણ ગુનો બને, માનવ સર્જિત દુર્ઘટના બને ત્યારે જવાબદારી નાના કર્મચારીઓની ઠરાવવામાં આવે છે ! ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં કોન્સ્ટેબલ/ હેડ કોન્સ્ટેબલ/ ASI/ PSI/ PIને તાત્કાલિક ફકજમોકૂફ (ડિસમિસ નહીં) કરવામાં આવે છે ! મગફળીમાં ધૂળના ઢેફાં નીકળે/ ખાદ્યચીજોમાં ભેળસેળ મળે/ નકલી દવાઓ મળે/ નકલી ટોલ નાકું ઝડપાય/ RTO ટોલનું કારસ્તાન મળે કે કોઈ પણ મોટું કૌભાંડ સામે આવે ત્યારે હંમેશા નીચેના અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવે છે ! લઠ્ઠાકાંડમાં તો કોન્સ્ટેબલની બદલી કચ્છમાંથી ડાંગ જિલ્લામાં કરવામાં આવે છે ! શું કોન્સ્ટેબલના કારણે લઠ્ઠાકાંડ થાય છે? લઠ્ઠાકાંડ તો ઉચ્ચ અધિકારીઓના મેળાપીપણાને કારણે થાય છે !
રાજકોટ ગેમ ઝોનની ઘટના 25 મે 2024ના રોજ બની. જીવતા 33થી વધુ લોકો ક્ષણભરમાં કોલસો બની ગયા ! લોકોનો રોષ જોતા સરકારે બીજે દિવસે નાના અધિકારીઓને ફરજમોકૂફ કરી દીધાં. ત્રીજા દિવસે પોલીસ કમિશ્નર/ મ્યુનિસિપલ કમિશ્નરની માત્ર બદલી કરી ! IAS/IPS અધિકારીઓ જાણે પવિત્ર ગાય હોય તેવું સરકારને લાગે છે અને નાના અધિકારીઓ/કર્મચારીઓ બકરાં લાગે છે, જેમની બલિ ચડાવી શકાય ! સરકારની આવી માનસિકતા સામંતવાદી છે. બળૂકાને છાવરો, નિર્બળનો ભોગ લો !
‘TRP ગેમઝોન’ 4 વરસથી ગેરકાયદેસર ચાલતું હતું. તેના ઉદ્ઘાટનમાં કલેકટર અરુણ મહેશ બાબુ/ મ્યુનિસિપલ કમિશ્નાર અમિત અરોરા / DCP પ્રવીણ મીણા/ SP બલરામ મીણાએ હાજર રહી ગેરકાયદેસર પ્રવૃતિને શુભેચ્છાઓ આપી હતી ! એ પછી 4 વરસમાં આ હોદ્દા પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ પણ આ ગેરકાયદેસર ગેમ ઝોનને ચાલવા દીધો ! સરકારનો પાવરફૂલ મોતિયો જૂઓ, તેને માત્ર નાના અધિકારીઓનો જ વાંક દેખાયો ! કેન્દ્રમાં/ રાજ્યમાં/ મહાનગર પાલિકામાં એક જ પક્ષનું શાસન હોવા છતાં તંત્ર બોદું કેમ હશે?
સરકાર ગરીબો/ પછાત વર્ગ/ મધ્યમવર્ગને માણસ ગણતી નથી, કોમોડિટી-વસ્તુ ગણે છે. સરકાર એમને જ મહત્વ આપે છે જેમની પાસે આર્થિક દરજ્જો છે, રાજકીય દરજ્જો છે, ધાર્મિક દરજ્જો છે, સામાજિક દરજ્જો છે ! માનવ સર્જિત દુર્ઘટનાઓમાં કોણ ભોગ બને છે? IAS/IPS/ MLA/MP/ મિનિસ્ટર/ હાઈકોર્ટ-સુપ્રિમકોર્ટના જજ/ ઉચ્ચ અધિકારીઓ/સંસારી ધર્મગુરુઓના સંતાનો ભોગ બનતા નથી. ગરીબો/ પછાત વર્ગ/ મધ્યમવર્ગના સંતાનો ભોગ બને છે. સરકારને ખબર છે કે ગરીબો/ પછાત વર્ગ/ મધ્યમવર્ગ સામે ઈશ્વર પણ જોતો નથી; એટલે આપણે જોવાનું માત્ર નાટક કરએ તો ચાલે !
આરોપી આર્થિક શક્તિશાળી જયસુખ પટેલ હોય તો મોરારીબાપુ વ્યાસપીઠ પરથી જેલવાસી આરોપીને દિવાળી ઉપર જેલમુક્ત કરવા કામના કરે છે ! ધનવાન આરોપીનું દર્દ દેખાય પણ ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકો હોમાયા તેનું દર્દ ન દેખાય !
માણસ કઢીમાં માખી પડે તો કઢી ફેંકી દે છે પરંતુ દૂધપાકમાં માખી પડે તો માખીને કાઢીને દૂધપાકનો ઉપયોગ કરે છે ! આ માનસિકતાના કારણે કહેવત પડી કે કઢી અભડાય, દૂધપાક નહીં ! વાંક તો નાનાનો, મોટા તો દેવદૂત ! નાનાની તાત્કાલિક ફરજમોકૂફી, મોટાની માત્ર બદલી !rs

[wptube id="1252022"]
Back to top button