RAMESH SAVANI

માનવ અધિકારો પ્રત્યે આદર ન હોય તો ગમે તેટલી ભક્તિનો કોઈ અર્થ ખરો?

દેશ આખો રામમંદિરથી ધૂણી રહ્યો છે. શાળા/ કોલેજો/ યુનિવર્સિટીઓ ‘જય શ્રીરામ’થી રંગાઈ ગઈ છે. મીડિયા પોતાના વાહન પર ‘મંદિર વહીં બનાયા હૈ’ એવું ચિતરી મૂળ પ્રશ્નો પર પડદો પાડી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે 22 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે અને તેમાં શંકરાચાર્યોને આમંત્રણ આપેલ નથી, તે અંગે ગોદી મીડિયા ચૂપ છે ! કોંગ્રેસે વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેવાનો સવિનય ઈન્કાર કરેલ છે, તે માટે ગોદી મીડિયા ગોકીરો કરી રહ્યું છે. સત્તાપક્ષને લોકો ઉન્માદમાં રહે તે ગમે, કેમકે તેથી સરકારની નિષ્ફળતાઓ ઢંકાઈ જાય છે ! વડાપ્રધાન માટે આ અવસર મતો લણવાનો છે ! સાથે સાથે વિશ્વમાં ભારતની છબિ ખરડાઈ છે તે તરફ લોકોનું ધ્યાન ન જાય તે માટે રામમંદિરના નામે લોકોને મહોત્સવમય બનાવી દીધા છે !
11 જાન્યુઆરી 2024ના રોજ, ન્યૂયોર્ક સ્થિત આંતરરાષ્ટીય બિન-સરકારી સંસ્થા ‘Human Rights Watch’એ પોતાનો રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. આ સંસ્થા, માનવ અધિકારો પર સંશોધન અને તેની હિમાયત કરે છે. સરકારો, નીતિ નિર્માતાઓ, કંપનીઓ અને વ્યક્તિગત માનવાધિકાર દુરુપયોગ કરનારાઓની આલોચના કરે છે અને માનવ અધિકારોનો આદર કરવા દબાણ કરે છે. ઘણીવાર શરણાર્થીઓ, બાળકો, સ્થળાંતર કરનારાઓ અને રાજકીય કેદીઓ વતી કામ કરે છે. HRW Report-2024માં ભારતમાં માનવ અધિકાર ભંગ સબબ સરકારની/વડાપ્રધાનની આકરી આલોચના કરવામાં આવી છે : “લોકશાહી અધિકારોનાં સન્માનના મુદ્દે ભારત સરકારનું વલણ કમજોર રહ્યું છે ! અધિકારોનું સન્માન કરનાર લોકતંત્રના રુપે વૈશ્વિક નેતૃત્વની ભારત સરકારની દાવેદારી નબળી પડી છે. વર્ષ 2023માં માનવ અધિકારોને દબાવ્યા છે. ઉત્પીડનની અનેક ઘટનાઓ બની છે. ભારત સરકાર હિન્દુવાદી સરકાર બની ગઈ છે, તેનું ઉદાહરણ મણિપુરની હિંસા છે, જુલાઈમાં હરિયાણાના નૂંહમાં સાંપ્રદાયિક હિંસા થઈ છે, મહિલા પહેલવાનો ન્યાયથી વંચિત રહી છે. BBC કાર્યાલય પર રેઈડ પાડવામાં આવી છે. BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકેલ છે. નૂંહ હિંસા બાબતે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારની આલોચના કરી હતી. મણિપુર હિંસામાં 200થી વધુ લોકોના જીવ ગયા. હજારો લોકો વિસ્થાપિત થયા. સેંકડો ઘર/ ચર્ચ સળગાવી દીધાં. સુપ્રિમકોર્ટે તથા UNOએ ચિંતા વ્યક્ત કરી પણ સરકાર નિષ્ક્રિય રહી ! ભારત સરકારે મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનાર બ્રિજભૂષણસિંહને બચાવેલ. પહેલવાનોના વિરોધ પ્રદર્શનને જોરજુલમથી બંધ કરાવેલ. દેશને ગૌરવ અપાવનાર પહેલવાન સાક્ષી મલિકે કહેલ કે ‘યૌન શોષણ કરનાર ગૂંડો બિરિજભૂષણસિંહ સંસદમાં બેઠો છે અને અમને સડક પર ઘસડી રહ્યા છે !’ જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ છે, વિરોધ પ્રદર્શન કરનારાઓને જેલમાં ધકેલેલ છે, પોલીસ અટકાયતમાં નાગરિકોના મોત થયા છે. 2023માં સામાજિક કાર્યકર્તાઓ/ પત્રકારો/ વિપક્ષી નેતાઓ / સરકારના આલોચકોને આતંકવાદના જૂઠાં આરોપ સબબ જેલમાં પૂર્યા છે ! સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ પર EDની રેઈડ કરી હેરાન પરેશાન કરેલ છે. NGOને મળતા વિદેશી ફંડ બંધ કરાવેલ છે. સરકારની ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી નીતિઓના કારણે લઘુમતીઓ પર હિંસામાં વધારો થયો છે. ડરનો માહોલ બન્યો છે. સરકારના આલોચકોમાં ડર પેદા થયો છે. સરકારી તંત્રએ જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવાને બદલે પીડિતોને સજા કરી છે ! સવાલ ઉઠાવનાર સામે કાર્યવાહી કરી છે ! ભારતનું નેતૃત્વ પાખંડી છે !”
આ રીપોર્ટે સત્તાપક્ષનું/ વડાપ્રધાનનું નાક કાપ્યું છે, એટલે હવે રામના નામે લોકોને વધારે ધૂણાવશે ! આ રીપોર્ટની ચર્ચા કરવાને બદલે ગોદી મીડિયાએ ‘મંદિર વહીં બનાયા હૈ’ની ધૂન ઉપાડી છે ! માનવ અધિકાર એટલે શું? લોકો કેટલાંક બુનિયાદી અધિકારો/ સ્વતંત્રતાના હક્કદાર છે, તે કોઈ રાજ્ય દ્વારા પ્રદાન કરવામાં આવતા નથી. તેમાં જીવન/ સ્વતંત્રતા/ સમાનતા/ માનવ ગરિમાનો સમાવેશ થાય છે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં માનવ અધિકારોનો સમાવેશ થયેલ છે. લોકશાહીમાં, વડાપ્રધાનને જો માનવ અધિકારો પ્રત્યે આદર ન હોય તો ગમે તેટલી ભક્તિનો કોઈ અર્થ ખરો? આ રીતે વિશ્વગુરુ થવાશે?rs

[wptube id="1252022"]
Back to top button