RAMESH SAVANI

મહિને 2 કરોડની ગેરકાયદેસરની કમાણી કરતા ગુંડાને રાજકોટ રેન્જ IGP/ રાજકોટના SP શામાટે છાવરે છે?

વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોલીસની ચિંતન શિબિરમાં કહેલ કે “અમુક IPS અધિકારીની બદલી થાય ત્યારે તેમની નીચેના પોલીસ અધિકારીને ધામેણામાં સાથે લઈ જાય છે !”
ગુજરાતમાં દુબઈથી પ્રતિબંધિત પેરાફિન વેક્સ નામનું કેમિકલ મંગાવી, વેસ્ટ ઓઈલ મિક્સ કરી મોટાપાયે નકલી ડીઝલ બનાવવામાં આવે છે જે ટ્રક અને ખાનગી બસોમાં મૂળ ડિઝલ કરતા 10-15 રુપિયા સસ્તું વેચાય છે. જેને LDO- Light Diesel Oil કે બાયો-ડીઝલ પણ કહે છે. આ ડીઝલના વપરાશથી ઝેરી પ્રદૂષણ ફેલાય છે. તેના વેચાણમાં GST ચૂકવવો પડતો નથી. એક અંદાજ પ્રમાણે ગોંડલમાં માથાભારે તત્વો દર મહિને 2 કરોડથી વધુ કમાણી કરે છે. પુરવઠા તંત્ર/ મામલતદાર/ SDM/ પોલીસ સ્ટેશન/ DySP/ SP/ રેન્જ IGP આંખ આડા કાન કરી આ ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવે છે.
ગોંડલમાં નકલી ડીઝલની પ્રવૃતિ બંધ કરાવવા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયાએ 9 જાન્યુઆરી 2024ના રોજ ગોંડલના SDMને પત્ર લખ્યો : “8 દિવસમાં LDOનો કાળોકારોબાર બંધ નહી કરાવાય તો આપની કચેરી સામે નાછૂટકે શરીર પર કેમિકલ યુક્ત ઈંધણ છાંટી આત્મવિલોપન કરવું પડશે જેની જવાબદારી તંત્રની રહેશે !”
12 જાન્યુઆરી 2024ના રોજ રાત્રે 9.00 વાગ્યે રાજભા જાડેજા/ મયૂરસિંહ હરદેવસિંહ જાડેજા અને બીજા 10 ઈસમોએ લોખંડના પાઇપો વડે આશિષ કુંજડીયાના હાથ-પગ ભાંગી નાખ્યા ! આશિષના 50,000 ઝૂંટવી લીધા. મયુરસિંહે રીવોલ્વર તાકીને મારી નાખવાની ધમકી આપી. પોલીસ આરોપીઓને જામીન મળે તેવી હળવી FIR નોંધવા ઈચ્છતી હતી ! કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉપરી અધિકારીને ફોન કર્યા ત્યારે બીજા દિવસે બપોરના 15.15 વાગ્યે IPC કલમ-243/ 147/ 146/ 149/ 323/ 325/ 504/ 427/ 395/ 505(2); ગુજરાત પોલીસ એક્ટ કલમ- 37(1)/135 તથા આર્મ્સ એકટ કલમ- 25 (1-b)(a) હેઠળ પોલીસે FIR નોંધી !
થોડાં પ્રશ્નો : [1] સૌરાષ્ટ્રમાં મોટા પાયે નકલી ડીઝલ એટલે કે LDOનો કાળો કારોબાર ધમધમે છે, તેની સરકારને જાણ નહીં હોય? [2] દુબઈથી પ્રતિબંધિત કેમિકલ કસ્ટમના આંખ મીંચામણા વિના આવે ખરું? [3] નકલી ડીઝલ પોલીસ/ વહીવટી તંત્રની સક્રિય ભાગીદારી વિના બની શકે? વિતરિત થઈ શકે? કરોડો રુપિયાના વેચાણમાં GSTની ચોરી થાય છે, તેની જાણ રાજ્ય અને કેન્દ્રના ટેક્સ વિભાગને નહીં હોય? LDO અંગે જાગૃત એડવોકેટ યતિશ દેસાઈએ વારંવાર રજૂઆત કરી હતી, છતાં આ પ્રવૃતિ ચાલુ રહી, શામાટે? સ્ટેટ વિજિલન્સનું આ કેવું સુપરવિઝન? [4] શું ડબલ એન્જિનની સરકાર પણ ગુંડાઓથી ગભરાતી હશે? સરકાર ટેક્સ-ચોરી કેમ અટકાવી શકતી નહીં હોય? શું ગુંડાઓ સત્તાપક્ષમાં હોય કે સત્તાપક્ષના નેતાઓના સાગરિત હોય એટલે સરકાર તેમને દેવદૂત માનતી હશે? [5] ગુજરાતમાં ગુંડાઓ/ માથાભારે અસામાજિક તત્વોની એક ખાસ મોડસ ઓપરેન્ડી છે. જો દલિતો/ શાંતિપ્રિય નાગરિકો ગુંડાગીરીનો, અસામાજિક પ્રવૃતિઓનો વિરોધ કરે તો તેમના હાથપગ ભાંગી નાંખવામાં આવે છે, જેથી IPC કલમ-307 લાગે નહીં ! જામીન મળી જાય ! શું રાજ્યના પોલીસ વડાએ એવો સર્વે કરાવેલ છે કે ભોગ બનનાર ક્યા સમુદાયના છે? અને આરોપીઓ ક્યા સમુદાયના છે? જિલ્લા વાઈઝ છેલ્લા 10 વરસમાં જૂથબળનો ઉપયોગ કરીને હાથ-પગ ભાંગવાના કેટલા ગુનાઓ બન્યા છે? શું ગુજરાતના પોલીસ વડા લોકહિતમાં તપાસ કરાવી પગલાં લેશે? શું સામાજિક હિંસા અટકાવવા રાજ્ય સરકારે કડક નિર્ણય લેવાની જરુર નથી? ન્યાયતંત્ર પણ હિંસા માટે જૂથબળનો ઉપયોગ થયો હોય તેમાં ગુંડાઓને જામીન પર છોડવાનો ઈન્કાર શામાટે કરતું નથી? [6] સરકારને એવી કઈ મજબૂરી છે કે ભાવનગર રેન્જ IGP અશોકકુમાર યાદવના કારણે બરવાળામાં લઠ્ઠાકાંડમાં થયો અને તેમાં 57 લોકોના જીવ ગયા હતાં; તેને રાજકોટ રેન્જમાં પોસ્ટિંગ આપવું પડ્યું? એ વળી ધામેણા સાથે? ભાવનગર SP જયપાલસિંહ રાઠોડને રાજકોટના SP તરીકે મૂકવા પડ્યા? યાદવ અને રાઠોડ જુદા ન પડી શકે? [7] ધામેણા નીતિ મુજબ પોલીસ અધિકારીઓની નિમણૂંક થાય ત્યારે જ આવા ગંભીર ગુનામાં FIR નોંધતા 18 કલાકનો સમય લાગે ને? કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના કહ્યા બાદ FIR મોડી નોંધવી તે શું સૂચવે છે? FIR નોંધવામાં ઠાગા ઠૈયા કરતી પોલીસ તપાસમાં વેઠ જ કાઢે ! શું મહિને 2 કરોડની ગેરકાયદેસરની કમાણી કરતા ગુંડાને રાજકોટ રેન્જ IGP/ રાજકોટ રુરલના SP/ રાજકોટ કલેક્ટર છાવરતા નથી? લોકો માને છે કે પોલીસ લોકોની સેવા માટે છે, પરંતુ પોલીસ તો ગુંડાઓના પ્રોટેકશન માટે છે !rs

[wptube id="1252022"]
Back to top button