
તા.૨૨ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને પરંપરાગત ચૂલાથી થતી તકલીફોથી મુક્ત કરવા અને પ્રદૂષણ ઘટાડવા નિર્ધૂમ ચૂલા આપવાની નેમ વ્યક્ત કરી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ ૨,૪૪,૨૨૬ લાભાર્થીઓને વિનામૂલ્ય ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
ગરીબી રેખા નીચેની ભારતની ૫ કરોડ મહિલાઓને એલ.પી.જી. કનેક્શન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી ‘‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’’ અંતર્ગત સમગ્ર ભારતમાં નિર્ધન ચૂલાની કીટ અને એક ગેસનો બાટલો વિનામૂલ્યે આપવામાં આવે છે. અગાઉ પરંપરાગત ચૂલાથી સ્ત્રીઓને અસહ્ય ધુમાડો સહન કરી પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવી પડતી જે કારણે અનેકવાર મહિલાઓ ફેફસાના અતિ ગંભીર રોગોનો પણ ભોગ બનતી. આથી ધુમાડો ઉત્પન્ન કરતાં પરંપરાગત ચૂલાથી મહિલાઓને મુક્ત કરવા પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ષ ૨૦૧૬માં ઉત્તર પ્રદેશના બલિયાથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.