Rajkot:રાજયકક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ રાજકોટ રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાશે
રાજયકક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ રાજકોટ રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાશે
રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી પસંદગી પામનાર ૩૩૦ વિદ્યાર્થીઓ વિજ્ઞાન આધારિત નાટ્યકૃતિ રજુ કરશે
રાજકોટ તા. ૧૮ ઓક્ટોબર – રાજયકક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૩ તા.૧૯ અને ૨૦ ઓક્ટોબરના રોજ રાજકોટ રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાશે. જેમાં ૩૩ જિલ્લાઓમાંથી પસંદગી પામનાર આશરે ૩૩૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાના વિજ્ઞાન આધારિત નાટક રજુ કરશે.
ભારતભરમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદે (NGSM) નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ (NSDF) કાર્યક્રમ યોજે છે. જેમાં તાલુકા, જિલ્લા, રાજ્ય અને ઝોનલ લેવલ અનુસાર ૪ લેવલમાં કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં શાળાના છઠ્ઠા ધોરણથી દસમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા ગુજરાત રાજ્યમાં ચાર અલગ-અલગ રીજીયોનલ સાયન્સ સેન્ટરો સ્થાપવામાં આવ્યા છે, જેમાંનું એક રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ શહેરના માધાપર ગામના ઇશ્વરીયા પાર્ક પાસે આશરે ૧૦ એકરમાં વિકસાવવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે રીજીયોનલ સાયન્સ સેન્ટર શરુ થયાના અત્યાર સુધી આશરે ૧,૪૦,૦૦૦થી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ સેન્ટર લોકો દ્વારા લોકો માટેનો અભિગમ અપનાવી વખતો વખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. જેમાં બાળકી ગૃહિણીઓ, સિનિયર સિટીઝન સહિત તમામ વયજૂથનાં લોકો ભાગ લે છે. આ કાર્યક્રમની વધુ માહિતી માટે સંસ્થાના કોમ્યુનીકેશન મેનેજરશ્રી અવિનાશ વ્યાસ (મો. ૯૬૦૧૯ ૬૨૧૯૬, ૦૨૮૧-૨૯૯૨૦૨૫) સંપર્ક કરવો. તેમ રીજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી ડો. સુમિત વ્યાસની યાદીમાં જણાવાયું છે.








