સુરત વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ: વધુ ૧૧ ઝડપાયા

વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વધુ ૧૧ લોકોની સુરત પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિ આચરી અમુક વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવ્યા હતા. જે કૌભાંડ સામે આવતા અત્યાર સુધી ૧૭ની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે અન્ય ૧૧ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યુત સહાયકની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ સેન્ટર પર તા.૯મી ડિસેમ્બર, ૨૦૨૦થી તા.૬ઠ્ઠી જાન્યુઆરી, ૨૦૨૧ સુધી લેવામાં આવી હતી. રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ ખાતે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ ૨૧૫૬ લોકોની ભરતી કરવાની હોવાથી પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં અમુક વિદ્યાર્થીઓ પાસેથી સાતથી દસ લાખ સુધી રૂપિયા લઈ ઓનલાઈન પાસ કરવામાં આવ્યા હતા. જેથી નોકરી જેમને મળવી જોઈએ તેવા લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહેતા આવા લોકો સાથે ઠગાઈ થઈ હોવાની પોલીસે ફરિયાદ નોંધી હતી.
જે મામલે સુરત પોલીસે તપાસ કરતા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી છેતરપિંડી કરનાર લોકો ઝડપાયા હતા. જેમાં સુરત પોલીસે અત્યાર સુધી કુલ ૧૭ જેટલા આરોપી ઝડપી પાડ્યા હતા. પોલીસે પાંચ મહિલા અને છ પુરૂષો સહિત ૧૧ જેટલા લોકોને સાબરકાંઠા જિલ્લાના અલગ-અલગ ગામથી ધરપકડ કરી હતી.