Dang: રિઝર્વ ફોરેસ્ટમા 120 હેકટર બિન અધિકૃત દબાણ હટાવાયુ, જંગલનું સંરક્ષણ કરવા સ્થાનિકોને વન વિભાગની અપીલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*સુબિર ફોરેસ્ટ રેન્જ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમા ૧૨૦ હેક્ટર વિસ્તારનું વર્ષો જુનું બિન અધિકૃત દબાણ હટાવાયુ..
*વન વિભાગ દ્વારા બિન અધિકૃત દબાણ હટાવી વનીકરણની પ્રવૃતિ હાથ ધરાશે – ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી*
વનાચ્છાદિત જંગલ ડાંગ જિલ્લાની ઓળખ સમાન છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલની જાળવણી માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જંગલ જાળવણી માટે સ્થાનિક લોકો સાથે ઘર્ષણ ના થાય તેમજ જંગલની જાળવણી થાય તે માટે વનકર્મીઓ ૨૪ કલાક તૈનાત હોય છે.
જિલ્લાના ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલ વિસ્તારમા બિન અધિકૃત દબાણ ન થાય તેમજ વનીકરણની પ્રક્રિયા સફળ બને તે માટે વનકર્મીઓ દ્વારા સઘન પ્રયાસ હાથ ધરવામા આવે છે. ગત રોજ તા.૨૯ ડિસેમ્બરના રોજ ઉત્તર વન વિભાગના કાર્યક્ષેત્રમા આવેલ સુબિર રેંજમા સમાવિષ્ટ પીપલદહાડ રાઉન્ડના જામનસોંઢા બીટના રીઝર્વ ફોરેસ્ટ જેનો હદ વિસ્તાર તાપી જિલ્લા સુધી ફેલાયેલો છે. આ વિસ્તારમાં ફોરેસ્ટ કર્મીઓ દ્વારા બિન અધિકૃત રીતના ખેડાણ કરનાર ઇસમોને જંગલનુ મહત્વ સમજાવી રીઝર્વ ફોરેસ્ટનુ દબાણ કુનેહથી વનવિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.
ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીના માર્ગદર્શન હેઠળ સુબિર રેંજના આર.એફ.ઓશ્રી અમિતભાઇ તેમજ તેઓની ટીમ, આ સાથે જ શિંગાણા રેંજ, પીપલાઇદેવી રેંજ, લવચાલી રેંજ દ્વારા રિઝર્વ ફોરેસ્ટમા થતું બિન અધિકૃત વર્ષો જુનુ દબાણ હટાવવામા આવ્યુ હતુ.
ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ હજારો હેક્ટર વિસ્તારમા વૃક્ષો વાવેતરની કામગીરી કરવામા આવે છે. જેના ભાગરૂપે ઉત્તર વન વિભાગની ટીમ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં થતુ બિન અધિકૃત દબાણ કરતા ઇસમોને સમજાવી દબાણ હટાવામા આવ્યુ હતુ. ફોરેસ્ટ વિભાગ દ્વારા વિસ્તારમાં વાવેતરથી વનનું પુન:સ્થાપન કરવામા આવશે.
ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ જણાવ્યું હતું કે, સુબિર રેંજમા આર.એફ.ઓ તેમજ નજીકની રેંજના વન કર્મીઓ સાથે મળી વન વિભાગની ટીમ દ્વારા સઘન પ્રયત્નો થકી, રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમા વર્ષોથી થતું બિન અધિકૃત દબાણ હટાવી ૧૨૦ હેક્ટર વિસ્તારની રિઝર્વ ફોરેસ્ટની સરકારી જમીન પરત મેળવવામા આવી છે. રિઝર્વ ફોરેસ્ટની આ જમીન ઉપર વન વિભાગ દ્વારા વિવિધ વનીકરણની પ્રવૃતિઓ હાથ ધરવામા આવશે. વન વિભાગ દ્વારા કરવામા આવેલ આ પ્રશંસનીય કામગીરીથી ડાંગ જિલ્લાની વનસંપદામા વધારો થશે તે નિશ્ચિત છે. આ સાથે જ ભવિષ્યમા સ્થાનિક આદિવાસી ગ્રામજનોને વિવિધ વન પેદાશો મેળવવા માટેનો સ્રોત પણ ઉભા થશે.
વધુમા જંગલ જમીનમા દબાણ નહીં કરવા તેમજ જંગલનું સંરક્ષણ કરવા પણ શ્રી દિનેશ રબારીએ લોકોને અપીલ કરી હતી.
ડાંગ જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા વન સરંક્ષણ માટે ઇન્ટર રેંજ બીટ ચકાસણી, નાકાના સી.સી.ટી.વી, નાઇટ પેટ્રોલીંગ, દવ સરંક્ષણ, પોલીસ અને આર.ટી.ઓના સંકલનમા રહીને કામગીરી તેમજ સેન્સીટીવ અને ટોપની જગ્યાએ માંચડો બાધી જંગલની દેખરેખ રાખવામા આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષ વિવિધ રોપાઓનું વાવેતર કરવામા આવે છે. સ્થાનિક લોકો વનોથી ઉપાર્જન કરી શકે તે માટે વન વિભાગ દ્વારા માલકી યોજના, વન લક્ષ્મી યોજના અમલી બનાવવામા આવેલ છે. સ્થાનિક ભગતો માટે વન ઔષધિય રોપાઓનુ વિતરણ કરવાની સાથે જંગલ વિસ્તારમા ઔષધિય રોપાઓનું વાવેતર પણ કરવામા આવે છે. આ ઉપરાંત સ્થાનિક લોકોની રોજગારી માટે વાડી યોજના, મશરૂમની ખેતી, સફેદ મુશળીની ખેતી તેમજ અન્ય સાધન સહાય પુરી પાડવામા આવે છે. આમ, ઉત્તર નાયબ વન સંરક્ષકશ્રીની આગેવાનીમાં નાગરિકોને સાથે રાખીને ફરી એકવખત વનવિભાગ દ્વારા વન સંરક્ષણની સુંદર કામગીરી કરવામાં આવી છે.