
તા.૭/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ઘાયલ દર્દીઓની ઇમર્જન્સીમાં મદદે આવનાર ગુડ સમરીટન મીનુ જસદનવાલાને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયા
વાહન અકસ્માતનું પ્રમાણ ઘટાડવા સઘન કાર્યવાહી કરવા કલેકટરશ્રીની તાકીદ
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે અકસ્માતમાં ઘાયલ દર્દીઓને ઇમર્જન્સીમાં મદદરૂપ બનનાર ગુડ સમરીટનને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયા હતાં.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા સંલગ્ન જુદા જુદા હાઇવે પર નિર્ધારિત બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતના કારણોની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આ સ્થળોએ જરૂરી માર્ગદર્શક સાઈનેજીસ, રંબલ સ્ટ્રીપની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે તાકીદે જરૂરી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં કિશાન, મારુતિ પંપ, શાપર બ્રિજ, ઉમવાડી તેમજ જામવાડી પાસે અકસ્માતોનું પ્રમાણ વધારે જોવા મળે છે.
આ તકે અધ્યક્ષશ્રી દ્વારા હાઇવે આસપાસ આવેલ નડતરરૂપ હોટલ, શોરૂમ, દુકાનો તોડી પાડવા તેમજ ગેપ ઇન મીડીયમ તોડતા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા સૂચના આપી હતી. આ સાથે અકસ્માત સંભવિત સ્થળ ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે ખાસ સૂચના અપાઈ હતી, જેથી અકસ્માત અંગેના કારણો જાણી શકાય.
રોડ સેફટી એક્સપર્ટશ્રી જે.વી.શાહ અને આર.ટી.ઓ. શ્રી ખપેડ દ્વારા વિવિધ જગ્યાઓએ આયોજિત સેમિનારમાં રોડ સેફટી ઉપરાંત ગુડ સમરીટન યોજના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં.
આજરોજ કલેકટરશ્રી તેમજ પોલીસ અધિક્ષકશ્રીના હસ્તે મીનુ જસદનવાલા કે જેમણે છેલ્લા ત્રણ માસમાં ત્રણ દર્દીઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવા મદદરૂપ બન્યા હોઈ તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ
જુદાજુદા કિસ્સામાં ગંભીર રીતે ઘાયલની મદદે આવનાર પોલીસ તેમજ ૧૦૮ની ટીમની કામગીરી બિરદાવી હતી.
આ બેઠકમાં ટ્રાફિક પોલીસ એ.સી.પી ઝે.બી.ગઢવી, શિક્ષણ, આર. એન્ડ. બી, ૧૦૮, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂડા, એલ.એન્ડ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રી તેમજ પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.