
જયપુરમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલમાં ભારત અને વિદેશોની જાણીતી હસ્તીઓ સામેલ થઈ રહી છે. લેખકો, સાહિત્યકારો, પત્રકારો, ફિલ્મ નિર્માતાઓ અને રાજકારણીઓ સહિત વિવિધ ક્ષેત્રના ઘણાં પ્રતિષ્ઠિત લોકો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. લિટરેચર ફેસ્ટિવલના ત્રીજા દિવસે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ માર્ગારેટ આલ્વાએ રાજ્યપાલની નિમણૂક, તેમના કામ અને વિવાદો પર ખૂલીને વાત કરી હતી. માર્ગારેટ આલ્વાએ કહ્યું કે, ‘રાજ્યોના રાજ્યપાલો ગૃહ રાજકીય પક્ષોની ભૂમિકા ભજવી રહ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષ પ્રત્યે વફાદારીનું ફળ રાજ્યપાલના રૂપમાં મળે છે અને બાદમાં રાજ્યપાલ રાજકીય પક્ષની ભૂમિકામાં આવે છે. આ પદ્ધતિ બદલાવી જોઈએ.’
માર્ગારેટ આલ્વાએ કહ્યું કે, ‘ઘણી વખત એવું જોવા મળે છે કે રાજ્યપાલ કેબિનેટની સલાહને નકારી દે છે અને પછી રાજભવન અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ શરૂ થાય છે. આ સિસ્ટમની ભૂલ નથી. કેટલાક લોકોનું કહેવું છે કે રાજ્યપાલનું પદ બ્રિટિશ શાસનનું પ્રતીક છે. એવું કહેવું યોગ્ય નથી. તેને સંઘીય માળખામાં અપનાવવું જરૂરી છે. સિસ્ટમ બદલવાની જરૂર નથી પણ રાજ્યપાલે પોતાની વિચારસરણી બદલવી જોઈએ. કેબિનેટની સલાહને મહત્ત્વ આપીને નિર્ણયો લેવા જોઈએ. ઘણાં રાજ્યોમાં એવું જોવા મળે છે કે રાજભવન રાજકીય પક્ષની ઓફિસની જેમ કામ કરે છે. રાજ્યપાલ સરકાર બનાવવા કે ન બનાવવા માટે રાજકીય ભૂમિકા ભજવી રહ્યા છે. આ બંધ થવું જોઈએ.










