
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ. લોકોએ આ પ્રસંગને તનમનધનથી ઊજવ્યો ! લોકો ઈશ્વરને યાદ કરીને નૈતિક જીવન જીવે તે સારી બાબત છે. આવી ઐતિહાસિક ઘટના વેળાએ લોકો જાતિ/ જ્ઞાતિ/ વર્ણ/ ધર્મ/ સંપ્રદાયને ભૂલી માણસ, માનવીય સદ્ગુણો મુજબ જીવવાનો સંકલ્પ લે, તેનાથી રુડી બાબત બીજી કોઈ હોઈ શકે નહીં.
બીજી તરફ, પ્રાણપ્રતિષ્ઠાના દિવસે જ શરમજનક ઘટનાઓ બની છે ! કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આસામમાં ‘ભારત જોડો, ન્યાય યાત્રા’ દરમિયાન નાગાંવમાં શ્રી શંકરદેવ સત્ર મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા ! સંસદસભ્ય સાથે આવો વ્યવહાર થાય તો સામાન્ય નાગરિકો સાથે કેટલો ખરાબ વ્યવહાર થતો હશે?
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચોકી ગામમાં તો રુંવાડા ઊભા કરી મૂકે તેવી ઘટના બની. પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ગામ ધુમાડો બંધ હતો. ગામના દલિતોને તેમાં સામેલ કરેલ નહીં; એટલું જ નહીં, સરપંચ દલિત છે, એટલે તેમને આમંત્રણ આપેલ નહીં ! કચ્છના ભચાઉ કરમરિયા ગામમાં દલિતો માટે અલગ ભોજન વ્યવસ્થા હતી ! એક પણ ગામમાં દલિતો સાથે સહભોજનનો કાર્યક્રમ નહીં ! આ કેવો અમાનવીય ભેદભાવ? આ કેવી હિન્દુ એકતા? કેવું હિન્દુત્વ?
થરાદ તાલુકાનાં લોરવાડા ગામમાં, કોળી જ્ઞાતિના લોકો ગામના રામજી મંદિરે ગયા ત્યારે પૂજારીએ તેમને મંદિરમાં પ્રવેશવા દીધેલ નહીં !
શું દલિતો રામમંદિર જઈ ન શકે? ગામ ધુમાડો બંધ કર્યો હોય ત્યારે દલિતોને બાકાત રાખવા તે તેમનું ઘોર અપમાન નથી? બિન દલિતોએ વિચારવું જોઈએ કે કોઈ તેમની સાથે આવો ભેદભાવ કરે તો તેમને ખટકે કે નહીં? જો રામજી શબરીનાં એંઠાં બોર ખાઈ શકતા હોય તો માણસને માણસ માનવામાં વાંધો શું છે?rs

[wptube id="1252022"]