‘એક દેશ એક ચૂંટણી’ કરવામાં આવે તો EVM ખરીદવા માટે દર 15 વર્ષે અંદાજે રૂ.10,000 કરોડની જરૂર પડશે.’

લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દીધી છે. આ વચ્ચે ભારતીય ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે,’જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવામાં આવે તો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ખરીદવા માટે દર 15 વર્ષે અંદાજે રૂ.10,000 કરોડની જરૂર પડશે.’
ચૂંટણી પંચ અનુસાર, ઈવીએમની શેલ્ફ લાઇફ 15 વર્ષ હોય છે. જો એકસાથે ચૂંટણી યોજાય તો મશીનના એક સેટમાં ત્રણ વખત મતદાન કરી શકાય છે. ત્યારે દરેક મતદાન મથક પર ઈવીએમના બે સેટ (એક લોકસભા માટે, એક વિધાનસભા માટે) મુકવામાં આવશે. અંદાજે આગામી લોકસભા ચૂંટણીમાં 11.8 લાખ મતદાન મથકો બનાવવાની જરૂર પડશે. વિવિધ સ્તરે કોઈપણ ખામીયુક્ત મશીનને બદલવા માટે કંટ્રોલ યુનિટ્સ (CU),બેલેટ યુનિટ્સ (BU) અને વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ને રિઝર્વ તરીકે જરૂર પડશે. એક ઈવીએમ માટે ઓછામાં ઓછું એક BU,એક CU અને એક વીવીપીએટી મશીનની જરૂર પડે છે.
ચૂંટણી પંચે વધારાના મતદાન મથક અને સુરક્ષા સ્ટાફની સાથે વાહનોની સંખ્યા વધારવા અને EVM માટે વધુ મજબૂત સ્ટોરેજ સુવિધાઓ પર પણ ભાર મૂક્યો છે. નવા મશીનોના પ્રોડક્શનને ધ્યાનમાં રાખીને વર્ષ 2029 પહેલા લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજી શકાય નહીં. આમ કરવા માટે બંધારણના પાંચ અનુચ્છેદમાં સુધારો કરવો પડશે.










