
રોડ સેફ્ટી અંગેની નિબંધ સ્પર્ધાના વિજેતાઓને હેલ્મેટ આપી હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરાયા
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આગમી ૧૪ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૪ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ એસ. એન. ડી. ટી. હાઈસ્કુલ ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ તકે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ જણાવ્યું હતું કે, આપણે જ્યારે રોડ ઉપર બાઈક કે કાર લઈને નીકળીએ છીએ ત્યારે એક વાત હંમેશા યાદ રાખવી કે આપણો પરિવાર આપણા ઘરે પરત ફરવાની રાહ જોતો હશે. દેશના ભવિષ્યનો આધાર યુવાઓ છે ત્યારે યુવાઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તેમજ બાઈકની સ્પીડ વધુના રાખી ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે. તેમજ કાર ચલાવતી વખતે પણ સીટ બેલ્ટ બાંધવો જોઈએ. તેમજ રોડ પરની ગતિ મર્યાદા અને અન્ય સાઈનેજનું પાલન કરવું જોઈએ.
વધુમાં કલેકટરશ્રીએ સૌને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને અન્યને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન કરતા કર્મયોગીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય એ જણાવ્યું કે, લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા આવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજણ આપવા માટે આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. બાઈક કે કાર ચલાવતી વખતે વધુ સ્પીડ ના હોય તેની કાળજી રાખીએ તેમજ ડ્રાઈવિંગ કરતા સમયે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. માટે આપણે પણ હેલ્મેટ પહેરીએ અને અન્યને પણ પ્રેરણા આપીએ.
આ તકે અગ્રણીશ્રી હિતેન્દ્રભાઈ આચાર્ય તેમજ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી પરાગભાઇ બરછા દ્વારા પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી.
આ અવસરે રોડ સેફ્ટી અંગે યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને હેલ્મેટ વિતરણ, શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજની છાત્રાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતિ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો અને છાત્રો દ્વારા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, જોખમી રીતે વાહન નહિ ચલાવવા અંગેનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે એ.આર. ટી. ઓ. શ્રી જી.વી. તલસાણીયા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન યોજાનાર અલગ અલગ કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ શ્રી. કે.આર. ડોબરીયા દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણીએ હેલ્મેટ પહેરી બાઈકની સવારી કરી હતી. અને લોકોને કાયદાનું પાલન કરવા તેમજ બાઈક પર સવારી કરતી વેળાએ હેલ્મેટ પહેરવા અંગે પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. મિતેષ ભંડેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ગોસ્વામી, સહિતના જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યો તેમજ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









