JETPURRAJKOT

Rajkot: રાજકોટ તાલુકાના લાખાપર ગામે વિવિધ યોજનાના લાભો વિતરિત કરાયા

તા.૧૫/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સાંસદશ્રીએ ગ્રામવાસીઓ સાથે ઉત્તરાયણ પર્વે પતંગોત્સવનો આનંદ માણ્યો

Rajkot: તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી બિરસા મુંડાના જન્મદિવસ ૧૫ નવેમ્બરથી શરૂ કરેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ મકરસંક્રાંતિના શુભ પર્વે રાજકોટ તાલુકાના લાખાપર ગામે પહોંચ્યો હતો. લાખાપર ગામના સરપંચ શ્રી કેતનભાઈ ધાનાણી અને ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાંસદશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં ગ્રામ લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, આ યોજનાઓનો વધુમાં વધુ ગ્રામજનોને લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ, ઉચ્ચ ગુણે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ, સ્થાનિક કલાકારો, રમતવીરોને તથા ગ્રામ પંચાયતને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. ઉતરાયણના પર્વે સાંસદશ્રી કુંડારીયા ગ્રામજનો સાથે પતંગોત્સવમાં જોડાયા હતા.

આ તકે આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની સામાન્ય તપાસ અને ટી.બી., સિકલસેલ એનીમિયાનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન તથા સોઈલ હેલ્થ કાર્ડ વિશે વિશેષ માહિતી આપવામાં આવી તથા કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે અન્ય ખેડૂતોનો વાર્તાલાપ યોજી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

સાથે જ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજના આયુષ્માન ભારતથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગે લાભાર્થીશ્રી ભાનુબેન ધરજીયા અને દિલીપભાઈ ધાડવીએ પોતાની કહાની રજૂ કરી હતી. આ ઉપરાંત આંગણવાડી બહેનો દ્વારા વાનગી પ્રદર્શન અને શાળાના બાળકો દ્વારા ‘‘પર્યાવરણ બચાવો’’નો સંદેશ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

આ ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગ્રામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના, જમીન રેકોર્ડ ડિજીટાઈઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. આ ગામ ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં ઉપસરપંચ શ્રી દિપકભાઈ ધાડવી, અગ્રણી શ્રી રોહિતભાઈ કાનાણી, જયરાજભાઈ કાનાણી તથા અન્ય વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button