MORBI:મોરબી તાલુકાના ડાયમંડનગર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

MORBI:મોરબી તાલુકાના ડાયમંડનગર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે, જે અન્વયે મોરબીના ડાયમંડનગર ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

ડાયમંડનગર ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી, કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત ડાયમંડનગર ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા ખાતરનો છંટકાવ કરવા અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનની સાથે ખેડૂતોને યુરિયા ખાતરના ફાયદાઓ તેમજ ડ્રોન ટેકનોલોજીના ફાયદાઓ અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સ્થાનિક અગ્રણી સર્વશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ લાભાર્થીઓ તેમજ ડાયમંડનગરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








