આઠ ભૂતપૂર્વ ભારતીય અધિકારીઓને કતારમાં ફાંસી નહીં અપાય, કોર્ટે ફાંસીની સજાને કેદમાં ફેરવી.

કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર રોક લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કતાર કોર્ટે ફાંસીની સજાને કેદમાં બદલવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કતારની કોર્ટમાં આઠને આપવામાં આવેલી ફાંસીની સજા અંગે અપીલ કરી હતી.
આ પૂર્વ અધિકારીઓ ગયા વર્ષે ઓગસ્ટથી જેલની સજા કાપી રહ્યા છે. આ ભૂતપૂર્વ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. 30 ઓગસ્ટ, 2022 ના રોજ કતારની ગુપ્તચર એજન્સીના સ્ટેટ સિક્યોરિટી બ્યુરો દ્વારા આઠની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની સજા ઘટાડવાના નિર્ણયને ભારતની મોટી જીત માનવામાં આવી રહી છે.
આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આઠ લોકોની સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં અમે વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. સુનાવણી દરમિયાન, કતારમાં અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ આઠ લોકોના પરિવારો સાથે કોર્ટમાં હાજર હતા. મંત્રાલયે કહ્યું કે અમે શરૂઆતથી જ આ મામલામાં તેમની સાથે ઉભા છીએ અને તેમને તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું.










