ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ JN.1નો ખતરો, કોરોનાથી એક દર્દીનું મોત

ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 529 નવા કેસ સામે આવ્યા છે. જેમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4093 થઇ ગઇ છે. 3 સંક્રમિતોના મોત થયા છે જેમાં કર્ણાટકમાં 2 અને ગુજરાતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ચિંતા કરનારી આ વાત છે કે કોરોનાનું નવુ સબ વેરિએન્ટ JN.1 પણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. હવે આ દેશના 7 રાજ્યમાં લોકોને ઝપટમાં લઇ ચુક્યો છે અને નવા વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 83 થઇ ગઇ છે.
આંકડા અનુસાર કોરોનાના નવા વેરિએન્ટની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. દેશમાં JN.1ના 109 કેસ સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ 36 કેસ સામે આવ્યા છે. આ સિવાય કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4-4 કેસ સામે આવ્યા છે. જ્યારે તેલંગાણામાં 2 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાંથી છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જોકે, આજે અમદાવાદમાં લાંબા સમય બાદ કોરોનાથી દર્દીનું મોત થયાના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, વૃદ્ધા એક કરતા વધુ બીમારીથી પીડિત હતા.






