
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ માટેની તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા ડો. કિંજલ શાહે કચરામાંથી કંચન જેવું નાડેપ ખાતર બનાવવા પદ્ધતિ વિશે માહિતી આપી હતી. ખેડૂતો ઘર આંગણે ઓછા સમયમાં નિદામણ અને વનસ્પતિ જન્ય કચરામાંથી સારું ખાતર બનાવી કૃષિ પેદાશ માટે ઉપયોગ કરી ખાતરનો ખર્ચ ઘટાડી શકાય. કેવિકે નવસારીના બાગાયત વૈજ્ઞાનિક ડો. રશ્મિકાન્ત ગુર્જરે આંબાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા માટે તથા હાલના વાદળછાયા અને બદલાતા જતા વાતાવરણમાં આંબામાં લેવી પડતી કાળજી તથા તેની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેની જાણકારી આપી હતી. કેન્દ્રના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડો.પ્રભુ નાયકા દ્વારા આંબાના રોગ જીવાત નિયંત્રણ તથા વેલાવાળા શાકભાજીમાં ફળમાખીના નિયંત્રણ માટેની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે આંબામા ફૂલ અને ફળનું ખરણ ઓછું થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની દ્વારા વિકસાવેલ નોવેલ ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રીયંટ નામની નવીનતમ ટેકનોલોજીના નિદર્શન ખેડૂતોને આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચીખલી, વાંસદા તાલુકાના રાનવેરીખુર્દ અને કાંગવાઈના કુલ ૬૦ થી વધુ ખેડૂતોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



