MORBI:મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
ગુજરાત હાઇકોર્ટમાં ઓરોવા ગ્રુપના માલિક જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે.ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

ગત વર્ષે મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના થઈ હતી. બ્રિજને મેઇન્ટેઈન અને મેનેજ કરવાની જવાબદારી ઓરેવા કંપનીની હતી. બ્રિજ શરૂ કરતાં પહેલાં તેની મજબૂતાઇ ચકાસાઈ નહોતી. ટિકિટ વેચીને નાણાં કમાવવા 400થી વધુ લોકોને બ્રિજ ઉપર જવા દેવાયા હતા. પીડિત પક્ષના વકિલે દલીલી કરી હતી કે બ્રિજના મુખ્ય કેબલના 49માંથી 22 પહેલેથી તૂટેલા હતા. એટલે કે બ્રિજની સ્ટ્રેન્થ માત્ર 60 ટકા જ હતી.
મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. પુલ તૂટી પડતાં મોટી સંખ્યામાં લોકો નદીમાં ખાબક્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.
ઓરેવાના માલિક જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરતા કહ્યું હતું કે તેમને યોગ્ય શરત પર નિયમિત જામીન અરજી આપવામાં આવે. હાઈકોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી દેતા જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે તેમજ હવે તેમને જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડશે.








