
કોઈ પણ જ્ઞાતિ/ જાતિ/ વર્ણ/ ધર્મના સમાજનું નિરીક્ષણ કરો. એક સરખી પેટર્ન જોવા મળશે. સમાજના આગેવાનો સત્તાપક્ષના/ સ્થાપિત હિતોના દલાલ હશે ! સમાજ નેતાઓ, રાજકીય સત્તા/ ધાર્મિક સત્તા આગળ નમીને પોતાની વાહવાહીમાં રાચતા જોવા મળશે !
સવાલ એ છે કે સમાજના આગેવાનોની વફાદારી પોતાના સમાજ કરતાં સત્તા/ સ્થાપિત હિતો પ્રત્યે વધુ કેમ હોય છે? સમાજના ખભાનો ઉપયોગ કરી આગેવાનો કોની સેવા કરે છે? સમાજની કે પોતાની? સમાજના આગેવાનો જૂઓ, સમાજ/ જ્ઞાતિના નામે ચૂંટણી જીતી જશે; પછી વિકાસ પોતાનો કરશે ! સમાજના આગેવાનોને ચૂંટણી માટેની ટિકિટ ન મળે, ત્યારે તેમને સમાજ બહુ જ યાદ આવે છે ! ટિકિટ મળી જાય/ ચૂંટણી જીતી જાય પછી સમાજ કરતા સત્તાપક્ષ વહાલો લાગે છે ! ’અમારા સમાજનો CM હોવો જોઈએ !’ એવું કહેનાર સમાજના આગેવાનો ખતરનાક હોઈ શકે છે ! તેઓ પોતાના સમાજના ભલા માટે નહીં; પરંતુ પોતાના સ્વાર્થ માટે આવી ઝૂંબેશ ચલાવતા હોય છે ! CM પ્રામાણિક/ ન્યાયી/ સંવેદનશીલ/ ગરીબો-વંચિતોનો હિતરક્ષક/ કર્તવ્યનિષ્ઠ હોવો જોઈએ; જાહેરનાણાથી પોતાની ઈમેજ ચમકાવતો ન હોય તેવો હોવો જોઈએ; એવી માંગણી શામાટે કરવામાં આવતી નથી?
દલિતો પરના અત્યાચાર વેળાએ સત્તાપક્ષના દલિત નેતાઓ ચૂપ રહે છે. પાટીદાર આંદોલન વેળાએ પોલીસે સોસાયટીમાં ઘૂસીને મહિલાઓને ગાળો આપી હતી/ મિલકતોને નુકશાન પહોંચાડ્યું હતું; તેના વીડિઓ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા, છતાં સત્તાપક્ષના એક પણ પાટીદાર નેતાએ અવાજ ઊઠાવ્યો ન હતો ! મોં ખોલ્યું ન હતું ! એક પણ પાટીદાર ધાર્મિક સંસ્થાઓએ કે સામાજિક સંસ્થાઓએ એવું કહ્યું ન હતું કે આ ખોટું થયું છે ! ઉમિયાધામ/ સરદારધામ/ ખોડલધામ તો પાટીદારોને કચડનાર નેતાને પોતાના ફંકશનમાં ઉદઘાટક તરીકે બોલાવે છે ! આવું કરીને સમાજના નેતાઓ પોતાના સમાજને કઈ પ્રેરણા આપતા હશે? આવા નેતાઓ પોતાના પ્રવચનની શરુઆત ‘જય સરદાર’થી કરે છે ત્યારે મગજમાં તમ્મર ચડી જાય છે !
સમાજ નેતાની લાયકાત કાળા નાણા હોય છે. બિલ્ડરો/ ભૂમાફિયાઓ/ ખનીજચોરો/ કાળા બજારિયાઓ નેતૃત્વ કરતા હોય છે. સમાજના પ્રોફેસર/ વકીલો/ ડોક્ટર/ એન્જિનીયર વગેરેને સમાજના નેતૃત્વથી દૂર રાખવામાં આવે છે ! એક પેટર્ન એવી જોવા મળે છે કે સૌથી ઓછું ભણેલ વ્યક્તિ સમાજનો સૌથી મોટો નેતા હોય છે ! વાસ્તવમાં સમાજના આદર્શ જાહેર સેવકો/ વકીલો/ ડોક્ટર/ પ્રોફેસર/ લેખકો-પત્રકારો/ બુદ્ધિજીવીઓ હોવા જોઈએ; પરંતુ સ્થિતિ જુદી જોવા મળે છે. જ્યાં સમાજનું નેતૃત્વ જ આંધળું/ લાલચું હોય ત્યાં સારા પરિણામ મળે નહીં ! કુળદેવીના ધામનું નિર્માણ કરી સમાજની આગેવાની હાથમાં લે છે; પછી ત્યાં સત્તાપક્ષના નિમ્ન સ્તરના નેતાઓનું/ ભ્રષ્ટાચારીઓનું/ હત્યારાનું સન્માન યોજી સમાજને અનૈતિકતાના પાઠ ભણાવે છે !
બરાબર યાદ રાખજો, ધર્મનો/ ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરનારા સમાજના નેતાઓ પ્રગતિશીલ હોતા નથી ! તેઓ યુનિવર્સિટીને બદલે મંદિર/ મસ્જિદ નિર્માણ કરી સમાજને જડ અને અંધશ્રદ્ધાળુ બનાવે છે ! સમાજમાં જેટલાં મઢ/ મંદિર/ મસ્જિદ નિર્માણ થાય એટલો ‘રાજકીય સત્તા’ને/ ‘ધર્મ સત્તા’ને ફાયદો થાય છે અને લોકોની સમસ્યાઓનો વિકાસ થાય છે !
કેટલાંક દલીલ કરે છે કે સમાજના નેતાઓ શિક્ષણ/ હોસ્ટેલ/ કોચિંગ કલાસ/ હોસ્પિટલ વગેરે પ્રવૃતિઓ કરે છે તે જૂઓ ! પોઝિટિવ જૂઓ, નેગેટિવ નહીં. હા, આવી પ્રવૃતિ તેઓ પોતાનો અસ્સલ એજેન્ડા છૂપાવવા જરુર કરે છે. વળી આવી પ્રવૃતિઓને જો આગળ ન કરે તો લોકો ડોનેશન પણ ન આપે ! વિચારવાની જરુર એ છે કે આવી પ્રવૃતિઓ કરતા નેતાઓ સત્તાપક્ષની ચાપલૂચી શામાટે કરે છે? હજાર મણનો પ્રશ્ન એ છે કે શું સત્તાપક્ષની ચાપલૂસી વિના સમાજની સેવા ન થઈ શકે?rs

[wptube id="1252022"]





