જુનાગઢ ધારાસભ્યના હસ્તે રૂ.૧.૭૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગલીયાવડ સબ હેડ વર્કસનું ખાતમુહૂર્ત

૭ લાખ લિટરનો ભૂગર્ભ સમ્પ, ૩.૫૦ લાખ લીટરની ૨૦ મીટર મીટર ઉચી ટાંકી, સ્ટાફ ક્વાર્ટર, ફ્લોરિનેશન રૂમ સહિતના કામનું નિર્માણ કરાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જૂનાગઢ વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગલિયાવડ ખાતે ૫ ગામોની પીવાના પાણીની સુવિધામાં વધારો કરવા માટે રૂ.૧.૭૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગલીયાવડ સબ હેડ વર્કસનું શાસ્ત્રોત પૂજન સાથે ખાતમુહૂર્ત કર્યું હતું.
આ સબ હેડ વર્કસના નિર્માણ થયેથી ગલીયાવાડ, ખલીલપુર, વધાવી, તલિયાધર અને વીરપુર ગામને નર્મદાનું પીવાના પાણી મળી રહેશે. સાથે જ પૂરતા પ્રેશરથી પણ પાણી ગ્રામજનોને મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું કે, ગલિયાવડ સબ હેડ વર્કસના નિર્માણથી ૫ ગામોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે. ગુજરાત સરકાર અને પાણી પુરવઠા બોર્ડ પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ચિંતા કરે છે. ઉપરાંત તેમણે સુજલામ સુફલામ અભિયાન હેઠળ ભૂગર્ભ જળસ્તર ઉચા આવે તે તળાવ અને ચેકડેમના નિર્માણ માટે પણ ભાર મૂક્યો હતો.
ધારાસભ્યએ નિર્માણ પામનાર સબ હેડ વર્કસના કામની ગુણવત્તા જળવાઈ રહે તેની કાળજી લેવા અને ઝડપથી પૂર્ણ કરવા જણાવતા કહ્યું કે, ગ્રામ્ય કક્ષાએ વાડી વિસ્તારના નોન પ્લાન રસ્તાના નિર્માણ માટે અને લોકોને તકલીફ ન પડે તે માટે રસ્તાઓના દબાણ સ્વેચ્છાએ ખુલ્લા કરવા માટે પણ અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે લોક પ્રતિનિધિ તરીકે સર્વેને સાથે રાખીને વિકાસ કામો હાથ ધરવામાં આવશે. તેમ ઉમેર્યું હતું.
જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરાએ જણાવ્યું કે, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના સક્રિય પ્રયાસોના પરિણામે ૫ ગામોને નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. આ ગામોમાં નર્મદાનું પાણી પહોંચે તે માટે ૪ જેટલા સમ્પનું નિર્માણ કરવું પડ્યું છે. આ માટે તેમણે ધારાસભ્યનો આભાર પ્રગટ કરતા કર્યો અને આ વિસ્તારને એક સારા જનપ્રતિનિધિ મળ્યા હોવાનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રોજેક્ટ હેઠળ ૭ લાખ લિટરનો ભૂગર્ભ સમ્પ, ૩.૫૦ લાખ લીટરની ૨૦ મીટર મીટર ઉચી ટાંકી, સ્ટાફ ક્વાર્ટર, ફ્લોરિનેશન રૂમ, પંપ ઘર અને પાંચ ગામોમાં પાણી પહોંચાડવા માટે પાઈપલાઈન નાખવાનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય યુસુફભાઈ રફાઈ, ગલીયાવડ ગામના સરપંચ મોહમ્મદભાઈ સીડા, નાયબ કાર્યપાલક ઇજનેર વી. એસ. રાઠોડ, લાભાન્વિત ગામોના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





