WAKANER:આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર મેળવી સ્વસ્થ થતા વાંકાનેરના નારણભાઇ વીંઝવાડીયા

આયુષ્માન કાર્ડે નારણભાઇને આપ્યું નવું આયુષ્ય; કેન્સર જેવી જીવલેણ બીમારીમાં થઇ આર્થિક મદદ
આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર મેળવી સ્વસ્થ થતા વાંકાનેરના નારણભાઇ વીંઝવાડીયા
કેન્સર રોગની જટિલ સારવાર માટે આર્થિક રક્ષણ પૂરું પાડતું PMJAY કાર્ડ સ્વાસ્થ્યમાં સુધારો થતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો

કેન્સર રોગની બીમારી વિશે સાંભળતા જ ઘણી બધી જાતના ડરામણા વિચાર આવવાના શરૂ થઈ જાય છે. એક બાજુ શરીરમાં અસામાન્ય રોગનો પ્રવેશ અને બીજી તરફ જીવલેણ કેન્સર રોગની સારવાર માટે કઈ હોસ્પિટલમાં બતાવશું? કયા ડોકટર પાસે નિદાન કરાવીશું ? કઈ ટ્રીટમેન્ટ લેવી પડશે ? ઓપરેશન કરાવવું પડશે ? મોંઘી દવાઓ લેવી પડશે ? કીમોથેરાપીના શેક લેવા પડશે કે કેમ? આ બધી સારવાર કરાવવાના ખર્ચ માટે આર્થિક વ્યવસ્થા ક્યાંથી કરીશું ? વગેરે વગેરે… અનેક ચિંતાઓ દર્દી અને તેના પરિવારને માનસિક તણાવ તરફ દોરી જાય છે.
એક બાજુ શારીરિક પીડા અને બીજી તરફ આર્થિક મૂંઝવણથી સામન્ય માણસ ગભરાઈ જાય છે. તેમાં પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા દર્દી અને તેના પરિવારજનોને સમાજમાં લાચારીનો સામનો કરવો પડે છે. આવા વિકટ સંજોગોમાં પી.એમ. આયુષ્માન કાર્ડ જરૂરીયાતમંદ દર્દીને આર્થિક રક્ષણ પૂરું પાડે છે અને મોંઘીદાટ સારવાર મેળવવામાં સહાયરૂપ સાબિત થાય છે.
વાંકાનેરના ભોજપરા ગામના ૩૬ વર્ષીય નારણભાઇ વાલજીભાઇ વીંઝવાડીયાએ દર્દભરી વાત કરતાં જણાવ્યું હતું કે, આજથી ૨ વર્ષ પહેલા દાઢ દુખતી હોવાથી દાઢ કઢાવવા દાક્તર પાસે ગયેલા તે સમયે દાક્તરે પરિસ્થિતી જોઈ પહેલા દાઢનો રિપોર્ટ કરવાવા કહ્યું હતું, રિપોર્ટ કરાવતા તેમાં કેન્સરની જાણ થઈ હતી. ત્યારબાદ ઘણી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા પરંતુ આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તેમ ન હતા.
પરંતુ PMJAY કાર્ડ પોતાની પાસે હોવાથી જીવેલણ કેન્સર રોગની સંપૂર્ણ સારવાર મળી ગઈ હતી. આ સારવાર દરમિયાન રૂ. ૩૫,૦૦૦ વાળા જરૂરી ૪ ડોઝ આપવામાં આવેલા, મોંઘીદાટ દવાઓ તેમજ જરૂરી તમામ રિપોર્ટ પણ તદન મફતમાં કરી આપવામાં આવેલા હતા, આમ જીવેલણ કેન્સર રોગની સારવાર માટે સરકારશ્રી તરફથી આર્થિક સહાય મળતા નારણભાઇએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ દરમિયાન મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત સુધી પહોંચી ૨૭૦૦ થી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન કાર્ડની સેવા પૂરી પાડવામાં આવી છે.








