
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાજ્યના ખેડૂતોને રવિ પાકો, આધુનિક કૃષિ તાંત્રિકતા, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક અને વૈજ્ઞાનિક સમાજ મળી રહે તથા તાલુકાના નાગરિકોને સરકારી સેવા એક જ છત્ર ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યમાં તમામ તાલુકાઓમાં બે દિવસે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ ના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગ રૂપે નવસારી વિધાનસભાના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને શ્રી એમ.એન.વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ ખાતે તાલુકાકક્ષાનાં રવિ કૃષિ મહોત્સવ-વ-સેવાસેતુ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. અતુલ ગજેરાએ સ્વાગત પ્રવચન કરી રવિ કૃષિ મહોત્સવ-વ-સેવાસેતુ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, આપણા પરંપરાગત ધાન્ય એવા જુવાર, બાજરી, નાગલી જેવા પાકો પોષક તત્વોથી ભરપૂર છે તેથી તેનુ આપણા રોજિંદા જીવનમાં સમાવેશ કરવુ અનિવાર્ય બન્યુ છે. ધાન્યોના ફાયદા અને તેના વાવેતર તેમજ પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ મેળવે એ દિશામાં સુચન કર્યું હતું.
કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને કાર્યક્રમનાં પ્રથમ દિવસે રવિ પાકોના વાવેતર, આધુનિક કૃષિ તાંત્રિકતા, હલકા ધાન્ય પાકો વિશે આગવી સમજ, બાગાયતી પાકોનું મહત્વ તથા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આત્મા વિભાગ દ્વારા બેસ્ટ ફાર્મર એવોર્ડ અને ખેતીવાડી-બાગાયત-પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ મહાનુભાવોનાં વરદ હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક ખેતી યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.કે.ટીંબડીયા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી અરવિંદભાઇ પાઠક, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ વિનોદભાઇ, દર્શનાબેન, ગીતાબેન તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રતિભાબેન આહીર, તેમજ જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રી શ્રી જિગ્નેશભાઇ દેસાઇ, તાલુકા સંગઠનમાં પદાધિકારીશ્રી મુકેશભાઇ પટેલ, તાલુકા સંગઠનનાશ્રી દિનેશભાઇ પટેલ તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રી, સહિત અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોએ અલગ અલગ ખાતાના સ્ટોલ પ્રદર્શનની મુલાકાત દ્વારા માર્ગદર્શન મેળવ્યું. નવસારી ખેતીવાડી ખાતાનાં અધિકારીશ્રીઓ ચિંતનભાઈ દેસાઇ, મામલતદારશ્રી પ્રશાંત ગામિત તેમજ તેમની ટીમ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભુપેન્દ્રભાઇ રાઠોડ તેમજ તાલુકા પંચાયત કચેરીની ટીમ, વિસ્તરણ અધિકારીશ્રીઓ, ગ્રામ સેવકશ્રીઓ, તલાટીશ્રીઓ તેમજ વિવિધ વિભાગમાંથી આવેલ અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં.




