જૂનાગઢ જિલ્લાના વિચરતી, વિમુક્ત સમુદાયના લોકોના આર્થિક, સામાજિક ઉત્થાન અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા પરામર્શ કરાયો

વિચરતી, વિમુક્ત અને અર્ધ વિચરતી સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટ્ટણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારત સરકારના વિચરતી, વિમુક્ત અને અર્ધ વિચરતી સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટ્ટણીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના વિચરતી, વિમુક્ત તથા અર્ધ વિચરતી સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. તેમણે આ સમાજના આર્થિક, સામાજિક ઉત્થાન અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ આગેવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા, અને તેના નિવારણ માટે જરૂરી પરામર્શ કર્યો હતો.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ભરતભાઈ પટ્ટણીએ જણાવ્યું કે, વિચરતી, વિમુક્ત અને અર્ધ વિચરતી સમુદાયના લોકોને કેન્દ્ર રાજ્ય સરકારની આવસ યોજનાઓ લાભ મળી રહે તે માટે અને આ સમાજના ઘરવિહોણા લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને ઝડપભેર કામગીરી કરવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારના ધારા ધોરણો મુજબ વિનામૂલ્યે રહેણાંક પ્લોટ મળી રહે તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.
ઉપરાંત વિચરતી, વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર સરળતાપૂર્વક મળી રહે તે માટે મોટાપાયે કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. આ પ્રમાણપત્ર મેળવવામાં આવતી મુશ્કેલીઓને પણ તંત્ર સાથે સંકલન કરીને દૂર કરવામાં આવશે.
આ બેઠકમાં તેમણે જણાવ્યું કે, વિચરતી, વિમુક્ત જાતિના લોકોને જીવન ધોરણ ઉંચુ આવે અને પંડિત દિન દયાળજીના સિદ્ધાંત મુજબ માનવ ગૌરવ વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરાશે. ઉપરાંત આ સમાજના લોકોમાં શિક્ષણનો વ્યાપ વધારવાની સાથે કૌશલ્ય નિર્માણ પર પણ ભાર આપવામાં આવશે. જેથી રોજગારી પણ મળી રહે. આમ, ભરતભાઈ પટ્ટણીના અધ્યક્ષ સ્થાને વિચરતી, વિમુક્ત જાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ૧૨૬૭ વિચરતી, વિમુક્ત જાતિ નોંધાયેલ છે, જેમાં ગુજરાતમાં ૨૮ વિચરતી અને ૧૨ વિમુક્ત જાતિના લોકો વસવાટ કરે છે.
આ બેઠકમાં વિકસતી જાતિના નાયબ નિયામક એ.ટી. ખમળ ઉપરાંત વિચરતી વિમુક્ત અને અર્થ વિચરતી સમુદાયના જૂનાગઢ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





