Khambhaliya : જામ-ખંભાળીયા નગરપાલિકા ટાઉનહોલ ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો

મિલેટ વિષેની વિસ્તૃત જાણકારી, આધુનિક ખેતી પદ્ધતિ વિષે જાણકારી, મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિના ઉપયોગિતા અંગે અપાયું જરૂરી માર્ગદર્શન
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ નગરપાલિકા ટાઉનહોલ જામ – ખંભાળિયા ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો હતો.
જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયાએ જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારત સરકાર દ્વારા સયુંકત રાષ્ટ્ર સમક્ષ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ ૨૦૨૩ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને પરિણામે સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ત્યારે હાલમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં દવાઓ ઉપયોગને લીધે રોગો પ્રમાણ વધ્યું છે. જેને નિવારવા માટે આપણે સૌ કોઈએ પ્રાકૃતિક કૃષિ અપનાવી જોઈએ.
બાજરા સંશોધન કેન્દ્ર જામનગરના કૃષિ વૈજ્ઞાનિકશ્રી કે.કે. સાહેબે ખેડૂતોને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે, સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ તરીકે ઉજવી રહી છે. તૃણ ધાન્ય એટલે કે ધાન્ય દાણો નાનો અને પાચનમાં હલકો હોય તેને કહેવામાં આવે છે. આપણા રાજ્યમાં જુવાર, બાજરો અને રાગી જેવા તૃણધાન્ય પાકો ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, તૃણ ધાન્ય પાકો ઝડપથી ઉત્પાદિત થતાં પાકો છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મારી સર્વે ખેડૂત મિત્રોને અપીલ છે કે આપણે તૃણ ધાન્ય પાકો વાવેતર કર્યે તેમજ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીએ.
ખેતીવાડી અધિકારીશ્રી મયુર સોનગરા દ્વારા ખેડૂતોને તૃણ ધાન્ય પાકો વિશે માહિતી આપી હતી. તેમજ ગ્રામ સેવકશ્રી મયુરભાઈ દ્વારા પ્રાકૃતિક કૃષિના વાવેતર તેમજ તેના આરોગ્ય વિષયક લાભો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તથા પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતશ્રી જીતેન્દ્રભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી લાગતા પોતાના અનુભવો વર્ણન કર્યું હતું.
કાર્યક્રમમાં તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોને સરકારશ્રીના વિવિધ યોજનામાં લાભાર્થીઓને પૂર્વ મંજૂરી પત્રનું વિતરણ મહાનુભાવો હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ, વન વિભાગ, આઈ.સી.ડી.એસ., બીજ નિગમ, બિયારણ કંપની તથા માઇક્રો ઈરીગેશન કંપનીના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેના થકી ખેડૂતોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટ વિષે માહિતી મેળવી હતી.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.બી.ચાવડા તેમજ આભારવિધિ વિસ્તરણ અધિકારીશ્રી પીન્ટુભાઈ દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી અરવિંદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિશ્રી શક્તિસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્યશ્રી ઘેલુભા જાડેજા, ભીંડા ગામના સરપંચશ્રી એલ.ડી .બોદર સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઊપસ્થિત રહ્યા હતા.









